Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેટવર્ક

યુરોપિયન સંઘમાં ભારતના બાસમતી ચોખા પર પ્રતિબંધ

ભારતને ખોટ જશે, પાકિસ્તાન ખાટી જશે

રૃા.૪૦,૦૦,૦૦,૦૦,૦૦૦નો ધંધો ચોપટ

ઇટાલી, સ્પેન, પોર્ટુગલે બાસમતી ચોખા ઉગાડવાનું શરૃ કર્યું છે!

બટેટા, ટમેટા, અનાનસ અને તમાકુ પોર્ટુગલિયાઓ દ્વારા ચાર સદી પહેલા ભારતમાં લાવવામાં આવ્યા હતા. એટલે કે ૪૦૦ વર્ષ પહેલા ભારતીયો બટેટાથી અજાણ હતા. વિચારો, ૪૦૦ વર્ષ પૂર્વે હિંદુઓ શ્રાવણ મહિનો કેવીરીતે પસાર કરતા હશે? ફરાળમાં શું ખાતા હશે!

પર્યુષણ પછી જૈનો કયા ખાદ્ય પદાર્થ પર ત્રાટકતા હશે! મિચ્છામી દુક્કડમ! ખાણી-પીણીની આયાત-નિકાસ એ કોઈ નવી વાત નથી. જે વસ્તુ પોતાની ધરતી પર ન ઊગી શકતી હોય એવા વિદેશી ખાદ્યાન્નની આયાત-નિકાસ પણ થતી રહે છે.

આપણે જેમ સૈકાઓ પહેલા ટમેટા, બટેટા, અનાનસથી અપરિચિત હતા એમ યુરોપિયનો દાયકાઓ પૂર્વે ચોખાથી અજાણ હતા. આજે પણ બહુ જૂજ યુરોપવાસીઓ કેરી અને જામફળ વિશે જાણે છે. છેલ્લા કેટલાક વર્ષથી યુુરોપનિવાસીઓને બાસમતી ચોખાનું ઘેલું લાગ્યું છે. નવા વર્ષમાં શુભ સમાચારોના ઢગલા વચ્ચે બેડ ન્યૂઝ એ છે કે યુરોપિયન સંઘે ભારતના બાસમતી ચોખા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પોતાની ક્ષુધા તૃપ્ત કરવા માટે તેમણે પાકિસ્તાન નામનો પર્યાય શોધ્યો છે.

આપણે બટેટાનું શાક ખાઈએ છીએ, પણ યુરોપના બટાકા ખાઈએ તો ખબર પડે કે તેનો ટેસ્ટ કેટલો અદ્ભૂત હોય છે. કારણ કે મૂળભૂતપણે તે ત્યાંનો પાક છે. પોર્ટુગીઝ બટેટા ભારતમાં લાવ્યા ત્યારે તેમને અંદાજો નહીં હોય કે અહીંની વેજા આમાંથી ભૂંગળા-બટેટા નામની સ્વર્ગીય વાનગી બનાવી કાઢશે.

બાય ધ વે, બટાટા શબ્દ પોર્ટુગીઝ છે, જે ભારતની પ્રજાએ કોઈ પણ પ્રકારના અથવા સાવ નજીવા ફેરફાર વિના ભારતીય પ્રજાએ અપનાવ્યો છે. તો જે મહત્ત્વ યુરોપમાં બટેટાનું છે તેવું જ મહાત્મ્ય ભારતમાં ચોખાનું. વિશ્વના ૭૦ ટકા બાસમતી ચોખા ભારતમાં ઊપજે છે. યુરોપિયન યુનિયન તથા શેષ વિશ્વમાં બાસમતીના સૌથી મોટા નિકાસકાર પણ આપણે જ. ૨૦૧૫-૧૬માં આપણે ૨૨,૭૨૭ કરોડ રૃપિયાના ચોખાની નિકાસ કરી હતી.

વજનમાં ગણીએ તો કુલ ૪૦,૦૫,૦૦૦ ટન. તેમાંથી યુરોપિયન સંઘમાં ૩,૮૦,૦૦૦ ટન ચોખાની ડિલિવરી કરી. બદલામાં આપણને રૃા.૧૯૩૦ કરોડ મળ્યા. હવે એમ ન વિચારતા કે ચોખાની ડિલિવરી છકડાથી કરી! કેમ કે યુરોપિયન સંઘમાં છકડો નથી ચાલતો! ખી...ખી...ખી...! ડિલિવરી ચાર્જીસ ગ્રાહક પાસેથી વસૂલ્યા કે વેચાણકારે ભોગવ્યા ઝઘડા પણ અત્રે અપ્રસ્તુત છે.

જોક્સ પછીની ગંભીર વાત એ છે કે ૨૦૧૮ની પ્રથમ સવારથી જ ભારતના ચોખા યુરોપિયન યુનિયનના રાષ્ટ્રોમાં પહોંચવાના બંધ થઈ ગયા છે. કમસેકમ એકથી બે વર્ષ લગી આપણે ત્યાં ચોખા વેચી શકીશું નહીં. બે વર્ષનો ધંધો ગયો. રૃા.૪,૦૦૦ કરોડની ચોખ્ખી ખોટ!

આપણા ચોખામાં પીબી૧ અથવા પુસા૧૪૧૦ નામની બીમારી થાય છે. તેને અંગ્રેજીમાં બ્લાસ્ટ કહેવામાં આવે છે. સ્થાનિક ભાષામાં ઝૂલસા, ઝોંકા અથવા પ્રધ્વંસ કહેવામાં આવે છે. લીલા રંગના છોડની પાંદડીઓમાં ભૂરા રંગના ટપકા જોવા મળે છે.

ધીમે-ધીમે મોટા થઈને હોડી જેવા આકારમાં ફેરવાઈ જાય છે. તે પીરી કુલેરિયા ઓરાઇઝી નામની ફુગ હોય છે. મૂળ સિવાય આખા છોડમાં ફેલાઈ જાય છે. તેને દૂર કરવા માટે ચોખાના છોડમાં ખેડૂતો ટ્રાઇસાઇક્લોઝોલ નામના ફંગીસાઇડ(ફૂગનાશક)નો ઉપયોગ કરે છે. અમેરિકાની ડૉવ કંપની તેનું ઉત્પાદન કરે છે, જે સસ્તી, વાપરવામાં સરળ અને સૌથી અસરકારક માનવામાં આવે છે.

મોટાપાયે, સારી ગુણવત્તાવાળો પાક ઉગાડવા માટે જંતુનાશકોનો ઉપયોગ ખૂબ જરૃરી છે. સમસ્યા એ છે કે કોઈપણ ખાદ્ય પદાર્થ ઊગી ગયા અને લણાઈ ગયા પછી પણ  જંતુનાશકોનું અમુક પ્રમાણ તો રહી જ જાય છે.  તેને મેક્સિમમ રેઝીડયુ લેવલ(એમઆરએલ) કહે છે.

જો ખાદ્ય પદાર્થની અંદર એમઆરએલનું પ્રમામ વધારે હોય, એટલે કે તેની ભીતર પેસ્ટિસાઇડ્સ કે ફંગીસાઇડ્સનું પ્રમાણ અમુક લિમિટ કરતા ઝાઝું હોય તો તે આરોગનારના શરીરને નુકસાન પહોંચાડે છે. આથી પ્રમાણિત એજન્સીઓ પાકમાં એમઆરએલ સતત ચેક કરતી રહેતી હોય છે. વિદેશમાં વાસ્તવમાં અને ભારતમાં કાગળ પર આનું કડક ચેકિંગ કરવામાં આવતું હોય છે!

યુરોપિયન યુનિયને અત્યાર સુધી એવો નિયમ રાખ્યો હતો કે તેમને ત્યાં આયાત થતા બાસમતી ચોખામાં ટ્રાઇસાઇક્લોઝોલ ફંગીસાઇડ્સનું પ્રમાણ ૧ પીપીએમ હોવું જોઈએ. હવે તેમણે નિયમ વધુ કડક કર્યા છે અને ૦.૦૧ પીપીએમ(પાર્ટ પર મિલિયન)થી વધારે પેસ્ટિસાઇડ્સવાળા બાસમતી ચોખા નહીં ચાલે તેવું ચોખ્ખું જણાવી દીધું છે.

ત્રણ વર્ષ પહેલા જ યુરોપિયન યુનિયને જણાવી દીધું હતું કે ૨૦૧૮થી તેઓ તેમના નિયમ કડક કરશે, કિન્તુ ભારતીય અમલદારો તરસ લાગે નહીં ત્યાં સુધી કૂવો ખોદવા તૈયાર નહોતા. ગત જુલાઈમાં એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસ્સ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી(એપીઇડીએ)ના અધિકારીઓ અને ઓલ ઇંડિયા રાઇસ એક્સપોર્ટિંગ એસોસિએશનના અધિકારીઓ જુલાઈમાં બ્રસેલ્સમાં વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા.

તેમને જણાવ્યું હતું કે ટ્રાઇસાક્લોઝોલનો ઉપયોગ એમ રાતોરાત બંધ નહીં થઈ શકે. વિકલ્પ શોધવા માટે કમસેકમ એક વર્ષનો વખત આપવામાં આવે, પરંતુ યુરોપિયન યુનિયનના અધિકારીઓ મસના ટસ થવા તૈયાર નથી.

યુરોપમાં પ્રતિકૂળ આબોહવાને લીધે ચોખાની ખેતી થઈ શકતી નથી આથી તેમને ડાઢની ખંજવાળ મટાડવા માટે આયાત પર આધાર રાખ્યા વગર છૂટકો નથી. ચોખાની ખેતી માટે થોડું હૂંફાળું અને ભેજવાળું વાતાવરણ જોઈએ, જે ત્યાં સંભવ નથી. જોકે ત્રણ અપવાદ છે. ઇટાલી, સ્પેન અને પોર્ટુગલે છેલ્લા થોડા વર્ષથી બાસમતી ચોખાની ખેતી શરૃ કરી છે.

તેઓ જાપાન દ્વારા વિકાસાવાયેલા જાપોનિકા બીયારણની વાવણી કરે છે. ત્રણે દેશો નહીં નહીં તો વર્ષે બે લાખ ટન ચોખાની નિપજ મેળવે છે.  તેઓ પણ એ જ કંપનીના ટ્રાઇસાઇક્લોઝોલ પેસ્ટીસાઇડ્સનો જ ઉપયોગ કરે છે. તેમણે પણ આપણી જેમ જ કડક બનાવાયેલા ધોરણોનો વિરોધ કર્યો હતો. તેમની પણ આપણી જેમ જ કોઈ વાત સાંભળવામાં આવી નહીં.

યુરોપિયન યુનિયનને વહેમ ઘૂસી ગયો છે કે ટ્રાઇસાઇક્લોઝોલના અવશેષથી કેન્સર થવાનું જોખમ રહે છે. તેનું પ્રમાણ ૧ પીપીએમમાંથી ૦.૦૧ પીપીએમ કરી દેવાથી આ ખતરો ટળી જશે.

કંપનીનો દાવો છે કે ઝૂલસા/પ્રધ્વંસ રોગની આ સૌથી અસરકારક દવા છે. અમેરિકાની એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સીએ આપેલા સર્ટિફિકેટના આધારે જ તેઓ આ દવા વેચે છે. યુરોપિયન યુનિયન અતિ ચોખલિયા વેડા કરી રહ્યું છે તેનો એક પુરાવો એ રીતે પણ મળે છે કે બાસમતીમાં ટ્રાઇસાઇક્લોઝોલનું પ્રમાણ ૩ પીએમ હોય ત્યાં સુધી અમેરિકાને તે ચોખા ખરીદવામાં કોઈ વાંધો નથી.

જાપાનને ૧૦ પીપીએમ હોય ત્યાં લગી કોઈ વાંધો નથી. એવું તો નથી ને કે જાપાનીઓ ૧૦ પીપીએમ ટ્રાઇસાઇક્લોઝોલવાળા ચોખા ખાઈ લે તોય તેમને કંઈ ન થાય અને યુરોપિયનો ૧ પીપીએવાળા ખાઈ લે તો પણ તેમને કેન્સર થઈ જાય! ફરીથી ખી...ખી...ખી...!

જર્મનીના કોલોન શહેરમાં દર બે વર્ષે અનુગા નામનો વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય આહાર મેળો થાય છે. ગત વર્ષે યોજાયેલા આ ફૂડ મેલામાં જોડાયેલા ૧૧૧ પ્રદર્શકોમાં એક ભારત પણ હતું. અખિલ ભારતીય ચોખા નિકાસકાર સંઘનો તેમાં એક સ્ટોલ હતો. એ વખતે પણ યુરોપિયન યુનિયનના અધિકારીઓને સમજાવવાની નિષ્ફળ કોશિશ થઈ હતી.

બેલ્જિયમ સ્થિત ભારતીય રાજદૂતે યુરોપિયન કમિશનને પત્ર લખ્યો હતો કે આયોગે ટ્રાઇસાઇક્લોઝોલ વિશેનો નિર્ણય કશું જાણ્યા વિના કર્યો છે.

યુરોપિયન કમિશન જણાવી રહ્યું છે કે તેઓ ૨૦૦૮થી ડૉવ કેમિકલ પાસે પરિક્ષણ અને સંશોધન પત્ર માગી રહ્યા છે, કિન્તુ તે આપતી ન હોવાથી આ પગલું લેવાની ફરજ પડી છે.

ટૂંકમાં અમેરિકાની કંપની અને યુરોપના અધિકારી વચ્ચેની અહમની લડાઈમાં ભારતના નિકાસકારોને માર પડી રહ્યો છે.

આપણી સમસ્યા એ છે કે આપણા ખેડૂતો નુકસાન ન જાય એની બીકે પાકમાં વધુ પડતા જંતુનાશકો છાંટી દે છે. કૃષિ મંત્રાલયે કિસાનોને તેમ ન કરવા અપીલ કરી છે, કિન્તુ તેની અસર કેટલી થશે એ તો કોને ખબર? વિજ્ઞાાનીઓએ સંશોધનમાં એવું તારણ મેળવ્યું છે કે લણણીના ૩૦ દિવસ પહેલા જો પીડકનાશકનો ઉપયોગ કરવામાં આવે તો પાકમાં તેનું પ્રમાણ ૧ પીપીએમ કરતાય નીચું જોવા મળી શકે છે. કિસાનોને આ પ્રકારના ટાઇમિંગ માટે સમજાવવા માટે એક ઝૂંબેશની જરૃર છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગાણા ચોખાના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.

યુરોપિયન યુનિયને રીજેક્ટ કરેલા ચોખા હવે ભારતમાં વેચાશે. તેમાં તો પેસ્ટીસાઇડ્સનું પ્રમાણ એટલું ચિંતાજનક નથી, પરંતુ અતિ જંતુુનાશકોવાળા અને નિકાસમાં ન ચાલે તેવા શાકભાજી, અનાજ, ફળો હંમેશા ભારતની બજારમાં જ ઠલવવામાં આવતા હોય છે. આપણે હોંશે હોંશે તે ખરીદીને ખાઈ લઈએ છીએ અને પછી અભૂતપૂર્વ રોગોનો શિકાર બનીએ છીએ. 

જેવીરીતે વિદેશમાં છે તે રીતે ભારતમાં પણ પાકમાં મેક્સિમમ રેઝિડયુ લેવલ માટેના નિયમો કડક હોવા જોઈએ. તેની પ્રામાણિક્તાપૂર્વક અને વ્યાપક ચકાસણી થવી જોઈએ. જે ખાદ્યાનમાં પેસ્ટીસાઇડ્સનું પ્રમાણ ઊંચું હોય તેને કોઈના પેટમાં નહીં, પરંતું ભોમાં ભંડારી દેવા જોઈએ, જેથી તૂટામણ અનુભવી રહેલા જાહેર આરોગ્ય ક્ષેત્ર પરનો બોજો હળવો થાય.

એક સવાલ એ પણ છે કે જો ચોખામાં ટ્રાઇસાઇક્લોઝોલના અવશીસ્ટનું સ્તર ન ઘટાડી શકાય તો તેનો કોઈ વિકલ્પ ખરો? ના, હાલ તો નહીં. કેટલાક લોકો તેની અવેજીમાં કાર્બનડેઝિમનો અથવા આઇસોપ્રોથિયોલેનનો ઉપયોગ કરે છે. અમેરિકામાં આ બંને કેમિકલ પ્રતિબંધિત છે. ભારત પણ કાર્બનડેઝિમ પ્રતિબંધિત કરવા તત્પર છે.

યુરોપમાં આઇસોપ્રોથિયોલેન પર પ્રતિબંધ નથી, કિન્તુ ખેડૂતોને કેમ કહેવું કે આટલા ચોખા અમેરિકા માટે ઉગાડો, આટલા ચોખા યુરોપ માટે ઉગાડો? આઇસોપ્રોથિયોલેન ફંગીસાઇડના અવશેષ ધરાવતા ચોખા શોધીને તે યુરોપ સાઇડ અને ટ્રાઇસાઇક્લોઝોલવાળા ચોખા શોધીને અમેરિકા બાજુ ડાઇવર્ટ કરવાનું કામ કઈરીતે સંભવ બને?  

જે નિકાસકારો માત્ર યુરોપિયન યુનિયનની નિકાસ પર ટકેલા હતા તેમના માટે આવનારા બે વર્ષ કપરાં છે. યુરોપિય સંઘની બજારમાં ભારતના બાસમતી ચોખાનું સ્થાન પાકિસ્તાનના સુપર કિસ્મના બાસમતી ચોખા લેશે. સુપર બાસમતીના બીજની વિશેષતા એ છે કે તેની ખેતીમાં પેસ્ટીસાઇડ્સનો ઉપયોગ કરવાની જરૃર પડતી નથી.

ભારત બે વર્ષમાં બાસમતી ચોખાનું એવું બીયારણ વિકસાવી લેશે કે જેમાં પેસ્ટિસાઇડ્સનો વપરાશ નહીં કરવો પડે. ત્યાં સુધી પાકિસ્તાનને જલસા. એક વખત કોઈ બજાર સર કરી લે પછી તેને રીકેપ્ચર કરવું અઘરું. આથી બે વર્ષ પછી પણ એ પડકાર તો રહેશે જ. આપણા સંશોધકોએ પાકિસ્તાન પાસેથી પ્રેરણા લઈને લાંબા દાણાવાળા બાસમતી ચોખાનું એવું બીયારણ વિકસાવવું જોઈએ કે જેમાં પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવાની જરૃર જ ન પડે.

આમેય જંતુનાશકોના ભારે ઉપયોગને કારણે ખેતી ઉદ્યોગો કરતા વધુ પ્રદૂષણ કરી રહી છે!

મેરી જાન તિરંગા હૈ

સાત ખંડના સાત શિખર સર કરતી વાયુ સેના

૨૦૦૫માં માઉન્ટ એવરેસ્ટ આરોહણ કર્યા પછી ઇંડિયન એર ફોર્સે એક નવો નિર્ધાર કર્યો. વિશ્વના સાતેય ખંડના એક-એક સર્વોચ્ચ શિખર સર કરી ત્યાં ત્રિરંગો લહેરાવવાનો. આ મિશન પૂરું થઈ ચૂક્યું છે. વાયુસેનાએ વિશ્વના સાતેય ખંડના સાત સર્વોચ્ચ શિખર પર ત્રિરંગો ફરકાવ્યો છે.

એશિયામાં માઉન્ટ એવરેસ્ટ, ઓસ્ટ્રેલિયાનો માઉન્ટ કોઝુસ્કો, દક્ષિણ અમેરિકામાં માઉન્ટ એકોનકાગુઆ, એન્ટાર્કટિકામાં માઉન્ટ વિન્સન માસિફ, યુરોપનો માઉન્ટ એલ્બરસ અને આફ્રિકાનો માઉન્ટ કિલિમાન્જરો સર કર્યો હતો. વાયુદળ  મિશન સેવન સમિટ પાર પાડનારું પ્રથમ ભારતીય ઓર્ગેનાઇઝેશન બન્યું છે.

આજની નવી જોક

છગન અને મગન અગાસીએ સૂતા હતા. અચાનક વરસાદ પડવા લાગ્યો

છગન (મગનને): હાલ હાલ, નીચે જતા રહીએ. વાદળાંમાં કાણાં પડી ગયાં છે.

એટલામાં વીજળી થઈ.

મગન: ચિંતા ન કર. વેલ્ડિંગવાળા આવી ગયા છે. હમણા બધું સરખું થઈ જશે!
 

Keywords network,04,january,2018,

Post Comments