Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમર્શ- ચંદ્રહાસ ત્રિવેદી

બ્રહ્મજ્ઞાાન જેવું ગહનજ્ઞાાન ઉદ્દાલક ઋષિએ તેમના પુત્ર શ્વેતકેતુને સહેજમાં સમજાવ્યુ

શૂન્ય વિસ્તરે ત્યારે બ્રહ્મ બને અને બ્રહ્મ સંકોચાય ત્યારે શૂન્ય બને. જે કંઈ દેખાય છે અને જે નથી દેખાતું તે સઘળું બ્રહ્મ છે. હવે તું બ્રહ્મમાં ભેદ કેવી રીતે કરી શકીશ ? બ્રહ્મમાં ભેદ કરવા માટે તારું અસ્તિત્વ બ્રહ્મથી ભિન્ન હોવું જોઈએ.

અ ધ્યાત્મ જગતમાં સૌને મૂંઝવતો મોટો પ્રશ્ન છે અસ્તિત્વ. અસ્તિત્વ એટલે સંસાર. આ સંસારની શરૃઆત ક્યારે થઈ, કેમ થઈ, કોણે કરી એ વિશે વિધ વિધ રીતે વિચાર કરવામાં આવ્યા છે, પણ હજુ સુધી કોઈને આ પ્રશ્નનું સચોટ સમાધાન મળ્યું હોય એમ લાગતું નથી. પરિણામે અસ્તિત્વ આજ સુધી એક રહસ્ય જ રહ્યું છે.

વિજ્ઞાાન પણ આ રહસ્યનો તાગ મેળવવા માટે ઘણા પ્રયોગો કરતું રહ્યું છે પણ હજુ સુધી તે કોઈ અંતિમ નિષ્કર્ષ ઉપર પહોંચી શક્યું નથી. આમ જોઈએ તો સામાન્ય માનવી માટે આ પ્રશ્ન એટલો મહત્ત્વનો ન લાગે, પણ સ્વસ્થ અને સમૃદ્ધ જીવનનો માર્ગ શોધવા માટે તે ઘણો મહત્ત્વનો છે.

આજે સંસારમાં આટલા બધા ધર્મો પ્રવર્તે છે અને લગભગ બધા ધર્મો એવો દાવો કરે છે કે અસ્તિત્વ વિશે તેઓ જે જાણે છે કહે છે તે જ સત્ય છે અને તેમને માટે અસ્તિત્વ એ પ્રશ્ન નથી, પણ વાસ્તવિકતામાં મોટા ભાગના ધર્મોએ પરમાત્માને સકળ સંસારનો સર્જક, પાલન અને વિસર્જન કરનાર માનીને સંતોષ લઈ લીધો છે.

એકવાર અસ્તિત્વ વિશે આ રીતે વિચાર કર્યા પછી આપણી પાસે સુખી થવા માટે એક જ વિકલ્પ રહે છે તે પરમ અસ્તિત્વને  રાજી રાખીને જીવવાનો. તો બીજ બાજુ બહુ અલ્પ સંખ્યક ચિંતકોએ ઘોષણા કરી કે અસ્તિત્વ અનાદિ અને અનંત છે. અસ્તિત્વ જે છે, જેવું છે તે રીતે તેનો સ્વીકાર કરીને જીવવા સિવાય આપણી પાસે અન્ય વિકલ્પ નથી. 

તો કેટલાક આર્ષદૃષ્ટાઓએ એ વાત કરી કે એમ અસ્તિત્વની શરણાગતિ સ્વીકારવા સિવાય જીવવાનો આપણી પાસે એક વિકલ્પ છે અને તે પુરુષાર્થ કરીને આપણી આ પરાધીનતામાંથી મુક્ત થઈ જવાનો અને તે માટે તેમણે વિચાર કર્યો અને તેના ઉપર કેવી રીતે આગળ વધી શકાય તેની વાત કરી.

અસ્તિત્વના આવા ગહન પ્રશ્ન ઉપર ઉપનિષદોએ ઘણું ચિંતન કર્યું છે. ઉપનિષદના ઋષિઓ આ રીતે ચિંતન કરી જે નિષ્કર્ષ ઉપર આવ્યા તે વિશે એક ઋષિનું આપણી પાસે કથાનક છે. આ કથાનક રસપ્રદ છે અને જિજ્ઞાાસુ વ્યકિતઓએ જાણવા જેવું અને વિચારવા જેવું છે. આ કથાનકની આજે અહીં આપણે વાત કરીએ.

ઋષિ ઉદ્દાલકનો પુત્ર શ્વેતકેતુ આશ્રમમાં રહીને સર્વ વિદ્યાઓ સંપાદન કરીને ઘરે પાછો આવે છે. અને પિતાને પગે પડીને તેમના આશીર્વાદ માગે છે. પુત્રને આશીર્વાદ આપતાં ઋષિ તેને કહે છે, આ સૌથી હેલાં તું મને એ કહે કે તેં બ્રહ્મને જાણ્યું કે નહિ. આટલો અભ્યાસ કર્યા પછી જો તને બ્રહ્મજ્ઞાાન થયું  ન હોય તો તારું બધું જ્ઞાાન અપૂર્ણ જ ગણાય. માટે તું પહેલાં બ્રહ્મજ્ઞાાનની વાત કર.''

શ્વેતકેતુએ કહ્યું,' આશ્રમમાં ગુરુએ મને ઘણી બધી વિદ્યાઓ શીખવી છે પણ બ્રહ્મજ્ઞાાન વિશે કંઈ કહ્યું નથી. તો પિતાશ્રી આપ જ મને તેનું જ્ઞાાન આપો. મારે મન પિતાથી મોટા કોઈ ગુરુ નથી.'

મહર્ષિએ આસપાસ નજર કરીને એક વડ તરફ આંગળી ચીંધતાં શ્વેતકેતુને કહ્યું,' જા, આ વડના ફળને ટેટાને તું લઈ આવ.'

શ્વેતકેતુ વડના એક પરિપકવ ટેટાને લઈ આવ્યો. ઉદ્દાલક ઋષિએ પુત્રને આજ્ઞાા કરી કે તું આ ટેટાને તોડી નાખ અને મને કહે કે તેમાં તને શું દેખાય છે ?

શ્વેતકેતુએ વડના ટેટાને તોડી નાખ્યો અને નિરીક્ષણ કરીને કહ્યું, ' પિતાશ્રી, તેમાં અસંખ્ય નાનાં બીજ છે, આ બીજને ઉગાડીએ તો તેમાંથી વડનું વૃક્ષ થાય.'

ઋષિએ કહ્યું, 'હવે તું આ બીજને મસળી નાખ અને મને કહે કે તેમાં તને શું દેખાય છે ? તેમાં તને વડ દેખાય છે ?'

શ્વેતકેતુ થોડીક વાર તે મસળી નાખેલ બીજ તરફ જોઈ રહ્યો. પછી તેણે કહ્યું, 'પિતાશ્રી, તેમાં કંઈ દેખાતું નથી.''

ઉદ્દાલકે પૂછયું તો મને એ કહે કે ' આ વટવૃક્ષ જેનો આ ટેટો છે તે થયું કેવી રીતે ?''

'પિતાશ્રી આ નાનકડા બીજમાંથી જ સમય જતાં આ વિશાળ વટવૃક્ષ ઊગી નીકળ્યું છે.'

ઋષિએ શ્વેતકેતુને કહ્યું, ' તું તો કહે છે કે આ બીજમાં  કંઈ નથી દેખાતું. તો પછી તેમાંથી આ વિશાળ વડલો કેવી રીતે ઊભો થયો ? જરા વિચાર કર.'

શ્વેતકેતુ સમાધાન માટે પિતાશ્રી સામે જોવા લાગ્યો. થોડીક વાર પછી ઋષિએ કહ્યું,' બસ, આજ રહસ્ય છે. જયાં તને કંઈ દેખાતું નથી અર્થાત્ કે જે શૂન્ય જેવું ભાસે છે તેમાંથી જ વૃક્ષ ઉગી નીકળે છે. એજ રીતે શૂન્યમાંથી જ સકળ સંસારનું સર્જન થાય છે.

અને આ વિશાળ વટવૃક્ષ જેવા સંસારનું સમય જતાં વિસર્જન થઈને તે પુન: શૂન્ય થઈ જાય છે. આપણે સૌ શૂન્યમાંથી આવીએ છીએ અને શૂન્યમાં સમાઈ જઈએ છીએ. તને જે શૂન્ય લાગે છે, તને જયાં કંઈ દેખાતું નથી તેમાં તું છે, હું છું અને સર્વ છે. તત્- ત્વમ્- અસિ.

શ્વેતકેતુએ વધારે મૂંઝાતાં કહ્યું,' પિતા શ્રી તમે તો મને બ્રહ્મજ્ઞાાનની વાત કરતા હતા અને અહીં તમે શૂન્યની વાત કરી. તો પછી બ્રહ્મ શું છે ?'

ઉદ્દાલકે કહ્યું, ' શૂન્ય વિસ્તરે ત્યારે બ્રહ્મ બને અને બ્રહ્મ સંકોચાય ત્યારે શૂન્ય બને. જે કંઈ દેખાય છે અને જે નથી દેખાતું તે સઘળું બ્રહ્મ છે. હવે તું બ્રહ્મમાં ભેદ કેવી રીતે કરી શકીશ ? બ્રહ્મમાં ભેદ કરવા માટે તારું અસ્તિત્વ બ્રહ્મથી ભિન્ન હોવું જોઈએ. સર્વ કંઈ બ્રહ્મની અંતર્ગત છે. બ્રહ્મથી ભિન્ન નથી કોઈ કર્તા કે નથી કોઈ ભોક્તા. તો પછી ત્યાં કર્મ પણ ક્યાં રહ્યું ? બસ, આટલી વાત તું સમજી લે પછી તારે સંસારમાં કંઈ સમજવાનું બાકી રહેશે નહિ.

શ્વેતકેતુએ નીચા નમીને પિતાશ્રીના ચરણ સ્પર્શ કર્યા. ત્યારપછી તે ઊભો થયો ત્યારે તેના મુખ ઉપર બ્રહ્મજ્ઞાાનની દિવ્ય આભા વર્તાતી હતી.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Post Comments