Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરક્ષા દળોના ઠેકાણા ઉપર હુમલા કરીને આતંકવાદીઓ સેનાને લલકારી રહ્યા છે?

જમ્મુ-કાશ્મીરમાં માત્ર ત્રણ દિવસની અંદર સુરક્ષા દળોના બે કેમ્પ પર આતંકવાદીઓના ફિદાઇન હુમલા

સુરક્ષા દળોના ઠેકાણા ઉપર થઇ રહેલા આતંકી હુમલા દર્શાવે છે કે આતંકીઓનો ઉદ્દેશ માત્ર લોકોના જીવ લેવાનો કે દહેશત ફેલાવવા પૂરતો સીમિત નથી રહ્યો ત્યારે પાકિસ્તાન વિરુદ્ધ એવી જડબેસલાક કાર્યવાહી કરવાની જરૃર છે

ફેબુ્રઆરી મહિનાના છ દિવસની અંદર જ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરમાં ત્રણ મોટા હુમલા કર્યા છે. આ તમામ હુમલા આર્મી કેમ્પ, સીઆરપીએફ કેમ્પ અને હોસ્પિટલ જેવા સરકારી સંસ્થાનો ઉપર કરવામાં આવ્યાં છે. જેનો મતલબ સ્પષ્ટ છે કે આતંકવાદીઓનો મકસદ માત્ર લોકોના જીવ લેવાનો કે દહેશત ફેલાવવાનો જ નહીં પરંતુ દેશના સુરક્ષા બળોને પડકાર આપવાનો છે. વર્ષની શરૃઆતે જ દક્ષિણ કાશ્મીરના લેથાપોરામાં આતંકવાદીઓએ બીએસએફના જવાનો ઉપર હુમલો કર્યો હતો. પહેલી જાન્યુઆરીએ થયેલી આ અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતાં અને ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતાં.

આતંકવાદીઓએ સુંજવાન કેમ્પ ઉપર હુમલા અંગે નિષ્ણાંતોનું માનવું છે કે આવા સ્થળો આતંકવાદીઓના હુમલા કરવા માટેના સોફ્ટ ટારગેટ છે. સેનાના જવાનો પોતાના પરિવાર સાથે રહેતા હોવાથી આવા કેમ્પો ઉપર હુમલા કરવાથી વધારે નુકસાન પહોંચાડી શકાય છે. બીજું એ કે આવા સ્થળે એટલી સતર્કતા અને ચોકસાઇ નથી હોતી જેટલી સરહદે કે થાણા ઉપર હોય છે. વળી આ આતંકવાદીઓ ફિદાઇન હોય છે એટલે કે તેઓ નક્કી કરીને જ આવ્યા હોય છે કે તેમને મરવાનું છે. એટલા માટે તેમની સંપૂર્ણ કોશિશ એ જ હોય છે કે મર્યા પહેલા બને એટલી વધારે તબાહી મચાવી શકે. આવા ફિદાયીન આતંકવાદીઓનું બીજું મકસદ હોય છે પબ્લીસિટી મેળવવાનું. જેટલી મીડિયામાં તેમની ખબરો આવતી રહે એટલું તેમને વધારે ને વધારે નુકસાન કરવા માટે ઉત્તેજન મળે છે. આવા આતંકવાદીઓને આવી પબ્લિસિટી મળે એ પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓને પણ ફાયદો કરાવે છે કે નવા નવા યુવાનો આવા આતંકવાદીઓ બનવા જોડાય છે.

ખરેખર તો કાશ્મીર મામલે મોદી સરકાર ખુદ ફસાઇ ગઇ હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. સરહદ ઉપર ગત ડિસેમ્બરથી જ પાકિસ્તાન દ્વારા મોટા પાયે સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સરહદે સતત ચાલી રહેલા ફાયરિંગના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ફારુખ અબ્દુલ્લા જેવા નેતા કાશ્મીર મામલે અલગતાવાદી નિવેદનો આપીને બળતામાં ઘી હોમી રહ્યાં છે. તો રાજ્યની વિધાનસભામાં પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્રોચ્ચાર થાય છે. સરવાળે એવું લાગે છે કે કાશ્મીર સમસ્યા ઉકેલાવાના બદલે વધારે જટિલ બની રહી છે અને સૌથી વધારે સવાલ કાશ્મીર અંગેની મોદી સરકારની નીતિઓને લઇને થઇ રહ્યાં છે.

ગયા શનિવારે સુંજવાનના આર્મી કેમ્પ ઉપર હુમલો થયો જેમાં છ જવાનો શહીદ થયા ગયા અને આતંકવાદીઓને ખતમ કરવાનું અભિયાન ત્રણ દિવસ ચાલ્યું. હજું એ ઓપરેશન ખતમ પણ નહોતું થયું ત્યાં શ્રીનગરના સીઆરપીએફ કેમ્પ ઉપર આતંકવાદી હુમલો થયો. આ એન્કાઉન્ટર પણ ૩૨ કલાક ચાલ્યું અને અઁતે બે આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો. બીજી બાજુ સરહદે ગત ડિસેમ્બરથી ફાયરિંગનો જે સિલસિલો ચાલુ થયો છે એ અટકાવાનું નામ નથી લેતો. નવા વર્ષમાં જ એટલે કે છેલ્લા સવા મહિનામાં જ દસ આતંકવાદી હુમલા થઇ ચૂક્યાં છે. અંકુશ રેખા ઉપર સતત ફાયરિંગના કારણે સરહદ પાસે રહેતા લોકોમાં ખોફનો માહોલ છે અને કેન્દ્ર સરકાર કહે છે કે દેશના સ્વાભિમાન સાથે કોઇ બાંધછોડ નહીં થાય અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

પરંતુ વિપક્ષો કહી રહ્યાં છે કે સરકાર માત્ર વાતો કરી રહી છે. આ સમય વાતો કરવાનો નહીં પરંતુ વળતો જવાબ આપવાનો છે. વિપક્ષો આક્ષેપ કરી રહ્યાં છે મોદી સરકારની નીતિઓના કારણે કાશ્મીર સમસ્યા ઉકેલાવાના બદલે વધારે ગુંચવાડાભરી બની ગઇ છે. સત્તાની બહાર રહેલા નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબદુલ્લા હવે પાકિસ્તાનનો રાગ આલાપતા કહે છે કે પાકિસ્તાન તરફથી થતી ઘૂસણખોરી અને આતંકવાદી હુમલા અટકવાના હોત તો અત્યાર સુધીમાં અટકી ગયા હોત પરંતુ હવે એવું થવાની શક્યતા નથી. તો જમ્મુ-કાશ્મીરના વર્તમાન મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પણ પાકિસ્તાન સાથે મંત્રણા કરવાની વકીલાત કરી રહ્યાં છે. મહેબુબા મૂફ્તી કહે છે કે તેમના પક્ષ પીડીપીએ ભાજપ સાથે ગઠબંધન જ એ શરતે કર્યું હતું કે કાશ્મીર સમસ્યાનો કોઇ ઉકેલ કાઢવામાં આવશે પરંતુ હવે તો પાકિસ્તાન સાથે વાતચીત કરવાની વાતને જ દેશદ્રોહ ગણવામાં આવે છે.

ભારત સરકાર વારંવાર કહી ચૂકી છે કે પાકિસ્તાન સાથે ત્યારે જ વાતચીત સંભવ બનશે જ્યારે સરહદપારથી ઘૂસણખોરી અને આતંકવાદ બંધ થશે. હવે સવાલ એ છે કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પ્રસરે અને સમસ્યાનું કાયમી સમાધાન આવે એ માટે મોદી સરકાર શું પગલા લેવાનું વિચારી રહી છે?

જમ્મુ-કાશ્મીરમાં લગાતાર થઇ રહેલા આતંકવાદી હુમલાઓ અને સરહદ પરના અવિરત યુદ્ધવિરામના પગલે સરકાર હવે પાકિસ્તાન સામે ગંભીર પગલા લેવાનું વિચારી રહી છે એવા સમાચાર સાંભળીને દેશના લોકોને સંતુષ્ટિ ભલે થાય પરંતુ એવા સવાલો પણ ઊઠી રહ્યાં છે કે આતંકવાદીઓ સુંજવાન જેવા હુમલા કરે એ પહેલા તેમની સાન ઠેકાણે લાવવાના પ્રયાસો શા માટે ન થયા? પાકિસ્તાનને સબક શીખવાડવા માટેનું ઠોસ કારણ મોજૂદ છે કે એક તરફ આતંકવાદી હુમલા થઇ રહ્યાં છે અને બીજી તરફ સરહદે સીઝફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. પાકિસ્તાને પોષેલા આતંકવાદીઓનું દુઃસાહસ તો જુઓ કે એક તરફ હજુ સુંજવાન કેમ્પમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર જારી છે અને બીજી તરફ શ્રીનગરમાં સીઆરપીએફના કેમ્પ ઉપર હુમલો થાય છે.

માત્ર ત્રણ દિવસની અંદર જ બે લશ્કરી ઠેકાણા ઉપરના આતંકી હુમલા થવા એ જ દર્શાવે છે કે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઇબા જેવા આતંકવાદી સંગઠનોના જોરે પાકિસ્તાને ભારત સામે જે પ્રોક્સી વૉર છેડયું છે એ હવે વધારે આક્રમક બન્યું છે. ખરેખર તો આરપારના જંગ કરતા આ પ્રોક્સી વૉર ભારતને વધારે ભારે પડી રહ્યું છે. હવે તો એ ક્રમ જ બની ગયો છે કે પાકિસ્તાન સરહદે સીઝફાયરનો ભંગ કરે તો ભારત સામે જવાબી કાર્યવાહી કરે અથવા તો આવા આતંકવાદી હુમલા થાય ત્યારે ભારત હુમલો કરનાર આતંકવાદીઓને ખતમ કરે અને એ કાર્યવાહીમાં સુરક્ષા દળોને કેટલાય જવાનો શહીદ થઇ જાય. પાકિસ્તાન જ્યારે જ્યારે કંઇ નાપાક પગલું ઉઠાવે ત્યારે ભારતે માત્ર તેની એ હરકતનો જવાબ આપીને બેસી જવાનું અને પાકિસ્તાન બીજો કોઇક અટકચાળો કરે એની રાહ જોવાની. લાંબા સમયથી દેશના લોકોની લાગણી છે કે પાકિસ્તાનના આવા નાપાક ઇરાદાઓને પારખીને તેની વિરુદ્ધ એવી જડબેસલાક કાર્યવાહી કરવામાં આવે કે તે ભારત વિરુદ્ધ કંઇ પણ આડુંઅવળું કરતા લાખ વખત વિચાર કરે.

છાશવારે થતા આતંકી હુમલાઓ બાદ પાકિસ્તાનને જવાબદાર ઠેરવવાના અને જવાબમાં પાકિસ્તાન દ્વારા એ હુમલાઓમાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા માંગવા એ જાણે ક્રમ બની ગયો છે. ભારતે અનેક વખત પાકિસ્તાનને પુરાવાઓ પણ આપ્યાં છે જે તેણે કદી ગણકાર્યા નથી. મસુદ અઝહર અને હાફિઝ સઇદ જેવા આતંકના આકાઓ સામે કાનૂની કાર્યવાહી કરવા માટેની આવશ્યકતા જણાવવાથી અત્યાર સુધી કંઇ જ હાંસલ થયું નથી કે નથી ભવિષ્યમાં થવાનું. જે દેશે આતંકવાદને જ પોતાની સુરક્ષા અને વિદેશ નીતિનો હિસ્સો બનાવી લીધો હોય એને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહેવાથી કશું વળવાનું નથી.

જ્યાં સુધી પાકિસ્તાનને ભારત વિરોધી હરકતો બદલ જોરદાર દંડ આપવામાં નહીં આવે ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં લોહિયાળ સંઘર્ષ અટકવાનો નથી. સરકારની એવી તે શી મજબૂરી છે કે પાકિસ્તાનને સબક શીખવાડવા માટે કોઇ કઠોર કૂટનીતિક પગલાં પણ લેવામાં આવતા નથી. છેલ્લા થોડા વર્ષોથી સેનાના ઠેકાણા ઉપર હુમલા કરવાના બનાવો વધ્યાં છે. પઠાણકોટ હુમલા બાદ અનેક વખત આર્મી કેમ્પ, સીઆરપીએફ કેમ્પ, પોલીસચોકીઓ અને પોલીસ મથકોને નિશાન બનાવવામાં આવ્યાં છે. આવા હુમલાઓનો પ્રતિકાર કરવાની સાથે સાથે સુરક્ષા દળોએ હવે એ પણ વિચારવાની જરૃર છે કે આતંકવાદીઓ આ રીતે અવારનવાર લશ્કરી ઠેકાણાઓ ઉપર હુમલા કરવામાં સફળ કેવી રીતે નીવડે છે? સુરક્ષા દળોના ઠેકાણા ઉપર થતા હુમલાનો ક્રમ બંધ થાય એ દિશામાં પણ સુરક્ષા તંત્રએ વિચારવાની જરૃર છે.

Keywords newsfocus,

Post Comments