Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

યુએસની નીતિથી ઇરાનને નફો, ભારતને ખોટ

ચાબહારમાં રોકાણ કરવામાં આપણે મોડું કર્યું અને ચીને લાભ ખાટી લીધો!

આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ગઈ કાલે જૂથબંધી ચાલતી હતી અને આજેય જૂથબંધી ચાલે છે. બીનજોડાણવાદ કેટલો બીનકારગત છે તે આપણે છેલ્લા ૭૦ વર્ષમાં સંપૂર્ણપણે જોઈ-જાણી લીધું છે.

એક રાષ્ટ્રના પ્રતિનિધિ તરીકે તમે કોઈ બીજા રાષ્ટ્ર સાથે કરાર કરો ત્યારે તમારે એ જોવું પડે છે કે એ તમારા ગુ્રપમાં પડે છે કે હરિફ ટોળકીમાં? માની લો કે પ્રતિસ્પર્ધી ટુકડીના કોઈ દેશ સાથે અગ્રીમેન્ટ કરો તો તે ઝાઝો ટકતો નથી. અસરકારક મુકામ લગી પહોંચી શકતો નથી.

ભારત-ઇરાન વચ્ચેના ચાબહાર બંદર કરારનું પણ આવું જ થયું. અમેરિકા-ઇરાન વચ્ચેની ખેંચાખેંચીમાં ભારતે આ બંદરગાહ પર રોકાણ અને તેના વ્યાપારિક લાભની તક ગુમાવી દીધી છે. બે બિલ્લી વચ્ચેની લડાઈમાં આપણે ફસાઈ ગયા છીએ અને ચીન નામનો વાનર ખાટી ગયો છે.

ચીને પાકિસ્તાનનું ગ્વાદર બંદર વિકસાવ્યું છે. એશિયા અને યુરોપમાં માલ પહોંચાડવા કાજે તે ખૂબજ ઉપયોગી છે. ભારતને એશિયા-યુરોપમાં વેપાર-વણજના પ્રસાર માટે આવા જ એક પોર્ટની જરૃર હતી. ઇરાનનું ચાબહાર આ માટે મોકાનું બંદર હતું.

ઇરાન દેશ પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યો હોવાથી અમેરિકાએ તેના પર વર્ષોથી આર્થિક પ્રતિબંધો મૂકેલા હતા. આ પ્રતિબંધો ભારત-ઈરાનના સંબંધોમાં 'રસ્તો બંધ'ના બોર્ડ સમાન હતા. દરમિયાન બરાક ઑબામાના નેતૃત્વમાં યુનાઇટેડ નેશન્સના પાંચ કાયમી સભ્ય દેશોએ મળી ઇરાનને પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવા સમજાવ્યું અને બદલામાં તેના પરના આર્થિક પ્રતિબંધ હળવા કરી દીધા.

ભારતે ઇરાન સાથે ચાબહાર બંદર વિકસાવવા કરાર કર્યા. ઑબામા સત્તામાંથી ગયા પછી અમેરિકાની નીતિઓ બદલાઈ અને નવા આવેલા પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની મતિ પણ. તેઓ સતત ખાંડા ખખડાવી રહ્યા છે તથા વારંવાર ઇરાન પર પુનઃ આર્થિક પ્રતિબંધ લાદવાની વાત કરે છે. દર ૯૦ દિવસે અમેરિકી પ્રમુખે ઇરાન સાથેની સમજૂતીને પ્રમાણિત કરવાની હોય છે તે તેમણે કરી નથી.

ભારત હવે ચાબહાર પોર્ટ પર રોકાણ કરવું કે નહીં એ બાબતે કપરી વિમાસણમાં છે. (ટુ બી, નોટ ટુ બી જેવી ગડમથલ) આપણા નેતાઓ અને રાજદ્વારીઓએ પહેલ-વહેલા તો એ ભૂલ કરી કે ઇરાન સાથે કરાર કર્યા.

તેમણે એ વિચારીને કરાર કર્યા હશે કે હવે યુનાઇટેડ સ્ટેટ્સ ઇરાન સામે કૂણુ પડી ગયું હોવાથી સંબંધો વિકસાવવામાં કોઈ વાંધો-વચકો નથી, પરંતુ આપણા નીતિકારોની આ ગણતરી ઊંધી પડી છે. અમેરિકા ફરીથી ઈરાનથી દૂર ને દૂર જઈ રહ્યું છે.

ઇરાને પ્રતિસ્પર્ધી ધરી રશિયા-ચીન સાથે સંબંધો બનાવી લીધા છે. તેથી ભારતના નીતિકારોની ગણતરી ઊંધી પડી ગઈ છે. વળી, ભારતની ઉલટી પડેલી ગણતરીનો ચીને ચતુરાઈપૂર્વક લાભ ઉઠાવી લીધો છે. કેવીરીતે એ સમજતા પહેલા અમેરિકાએ જાણે અજાણ્યે ઇરાનને પહોંચાડેલા ફાયદા વિશે જાણીએ.

ઇરાનનું અર્થતંત્ર પ્રતિબંધ વચાળે ખીલવા માટે ટેવાયેલું છે. અયાતોલ્લા ખામેની તેને પ્રતિરોધક અર્થતંત્ર (રેઝીસ્ટીવ ઇકોનોમી) કહે છે. તેઓ આર્થિક વિકાસ પણ કરી રહ્યા છે અને પુરપાટ વેગે શસ્ત્રાગાર ભરી રહ્યા છે.

અદ્યતન હથિયારો અને અત્યાધુનિક સૈન્ય(ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર- આઇઆરજીસી)ને કારણે હવે કોઈ દેશ ઈરાનને સહેલાઈથી ન હરાવી શકે. સાઉદી અરેબિયા સહિત છ ઇસ્લામિક દેશોએ કતારને એકલું પાડી દેતા ઈરાને તેની વહારે આવી અદ્ભૂત રાજદ્વારી દીર્ઘદૃષ્ટિના દર્શન કરાવ્યા છે. ખાડી દેશોમાં તેનો પ્રભાવ વધી ગયો છે.

અમેરિકા ઇરાનને સૌથી વધુ મદદરૃપ થયેલો શત્રુ છે. ઈરાનનો સૌથી મોટો દુશ્મન ઈરાક હતો. ૧૯૮૦થી ૧૯૮૮ લગી ચાલેલા ઈરાન-ઇરાક યુદ્ધમાં ઈરાનને ગંભીર નુકસાન થયું હતું. અખાત રાષ્ટ્રો અને અમેરિકાએ ઈરાકના સુન્ની શાસક સદ્દામ હુસૈનની સહાય કરી હતી.

૨૦૦૩માં અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશે ઇરાકમાંથી સદ્દામ હુસૈનને ઉખાડી ફેંકવાનો નિર્ણય લીધો તેનાથી સૌથી ઝાઝો લાભ જો કોઈને થયો હોય તો તે ઈરાનને.

અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કરીને ત્યાંના તાલીબાન શાસકોને હાંકી કાઢી ઈરાનને બીજો સૌથી મોટો ફાયદો પહોંચાડયો. કારણ કે તાલીબાન પણ શિયા બહુમતી ધરાવતા ઈરાનના જીવના ઘરાક છે. અમેરિકાએ આ બંને પગલાં ભલે પોતાના હિત માટે લીધા, પરંતુ અપ્રત્યક્ષ રીતે તેનો ફાયદો ઈરાનને મળ્યો છે.

બે કટ્ટર શત્રુઓના ખતરામાંથી મુક્ત થયા બાદ ઈરાને તેની આર્થિક અને સંરક્ષણ સ્થિતિ ઘણી મજબૂત કરી લીધી છે. હવે તેને યુનાઇટેડ સ્ટેટ્સનો ભય નથી. કારણ કે તેની સાથે ચીન-ઈરાન-સિરિયા અને તમામ શિયા રાષ્ટ્રો છે. માનો કે યુએસ તેના પર ફરીથી કડક પ્રતિબંધ લાગુ કરે તોય તે પોતાનો નિર્વાહ સરળતાથી કરી લે તેમ છે. હવે અમેરિકા પર તેનું ભૂંગળું ભાંગેલું નથી. તે પોતાનો નવો-સશક્ત ચોકો વિકાસવી ચૂક્યો છે.

છેવટે પાછા મૂળ મુદ્દા પર. ૨૦૧૬ના કરાર અનુસાર ભારતે દોઢ વર્ષમાં ચાબહાર પોર્ટના વિકાસ માટે સાડા આઠ કરોડ ડોલરનો ખર્ચ કરવાનો હતો. તેની ક્ષમતા વાર્ષિક ૨૫ લાખ ટનથી વધારીને ૮૦ લાખ ટન કરવાની હતી. જાહેદાન સુધી રેલલાઇન વિસ્તારવાની હતી.

ઇરાનને ૪૦ કરોડ ડોલરનું સ્ટીલ આપવાનો પ્રસ્તાવ કર્યો હતો અને રૃપિયા ૧૫ કરોડ ડોલરની લોન આપવાની પણ સહમતિ સધાઈ હતી. અમેરિકાની નીતિમાં આવેલા તફાવત્થી ભારત અવઢવમાં પડતા એક વર્ષથી આ પરિયોજના જ્યાંની ત્યાં પડેલી છે.

ચાબહાર પોર્ટ વિકસાવવાના બદલામાં ભારત અપેક્ષા રાખી રહ્યું હતું કે તેને રાહત દરે તેલ-વાયુ ક્ષેત્રોનું ઉત્ખનન કરવા મળે, પરંતુ યોજના આગળ વધી શકી ન હોવાથી લાભ ભારતના ભાગ્યમાંથી ચીનની ઝોળીમાં પગ કરી ગયો છે. ચીને ઓછી કિંમતે ઈરાનના ઓઇલ-ગેસ ક્ષેત્રો પ્રાપ્ત કરી લીધા છે. મોકાનો લાભ લેવાનું કોઈ ડ્રેગન પાસેથી શીખે! હાથમાં આવેલો ગુમાવી દેવાનું ભારત પાસેથી...

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- ડોનલ્ડ ટ્રમ્પના નજીકના સાથી પોલ મેનફોર્ટ અને રીક ગેટ્સ પર અમેરિકી ચૂંટણીમાં રશિયાની મદદ લીધી હોવાના આક્ષેપ મૂકવામાં આવ્યા છે. ટ્રમ્પના ચૂંટણી પ્રચારની જવાબદારી મેનફોર્ટે સંભાળી હતી. બંનેએ એફબીઆઈ સમક્ષ આત્મ સમર્પણ કર્યું છે. તેઓ રશિયન નેતાઓ સાથે સંપર્કમાં હતા કે તેમ એ વિશે પૂછપાછ કરવામાં આવી રહી છે.

- પાકિસ્તાની એરલાઇન્સ પીઆઇએનું વિમાન અબુધાબીથી રહિમ યાર ખાન એરપોર્ટની હવાઈ મુસાફરીએ નીકળ્યું હતું. અલ્પ દૃશ્યતાને કારણે તેનું લાહોર ખાતે તાકીદે ઊતરાણ કરવું પડયું હતું. ત્યાંથી મુસાફરોને ૬૨૫ કિ.મી.ની બાકી મુસાફરી બસથી કરવાનું કહેવામાં આવ્યું. ઉતારુઓએ આનાકાની કરતા પ્લેનનું એ.સી. બંધ કરી દેવાયું હતું.

- કર્મચારીઓને ધુમ્રપાનની લત છોડાવવા માટે 'પિયાલા ઇન્ક' નામની જાપાની કંપનીએ ગજબ નિર્ણય લીધો છે. સિગારેટ ન પીનાર કર્મચારીઓને વર્ષે છ રજા વધારાની આપવામાં આવશે.

- યુનાઇટેડ કિંગડમ અને સ્વિત્ઝરલેન્ડમાં 'બલુચિસ્તાનને આઝાદ કરો'ના પોસ્ટર લાગ્યા હતા. પ્રત્યુત્તરમાં સંરક્ષણ નિષ્ણાત જૈદ હામિદે કહ્યું કે પાકિસ્તાને અલગતાવાદીઓ અને આતંકવાદીઓની ગેન્ગ તૈયાર કરવી જોઈએ, જે આ બંને દેશની બરબાદી માટે કામ કરે.

- અમેરિકન સોસાઇટી ફોર રીપ્રોડક્ટિવ મેડિસિનના ડો.રીચર્ડ પોલ્સને સંભાવના વ્યક્ત કરી છે કે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ભવિષ્યમાં પુરુષો પણ ગર્ભવતી બની શકશે. સફળ બનતી જતી આ ટેકનિક ટ્રાન્સ વિમેન એટલે કે પુરુષમાંથી પરિવર્તિત થયેલી મહિલાના ગર્ભધારણ માટે પણ ઉપયોગી નીવડશે.

- ચીન તમામ પોપૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ પર બંધી મૂક્યા પછી અફઘાનિસ્તાને પણ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્સ ૨૦ દિવસ માટે પ્રતિબંધિત જાહેર કરી છે. અફઘાન સરકારના આ પગલાંને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની તરાપ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ મામલેે સરકારની ચારેકોરથી ટીકા પણ થઈ રહી છે.
 

Post Comments