Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રૂડના નીચા દામની કાંખઘોડી પર ટકેલું અર્થતંત્ર ભાવ વધતા કડડભૂસ થઈ જશે

-ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી યશવંત સિંહાની ચેતવણી

-ક્રૂડના ઘટેલા ભાવનો લાભ લઈને વિલંબમાં પડેલા પ્રોજેક્ટને ગતિ આપીને અર્થતંત્રને ગતિશીલ બનાવવાનો ને એન

અમદાવાદ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

ક્રૂડ તેલના ઘટેલા ભાવની એક કાંખઘોડી પર ભારતનું અર્થતંત્ર ટકેલું છે, ક્રૂડના ભાવ જે ઘડીએ વધી જશે ત્યારે ભારતનું અર્થતંત્ર કડડભૂસ કરતું તળિયે બેસી જશે, તેવી ચેતવણી આજે અહી એનડીએ સરકારના પૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ આપી હતી. કેન્દ્રની ભાજપ સરકારના શાસનમાં દેશના અર્થતંત્રમાં બધું ઠીકઠાક નથી. તેઓ આજે લોકશાહી બચાવો આંદોલનના ઉપક્રમે યોજાયેલા જાહેર વ્યાખ્યાનમાં બોલી રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારને બૅન્કોની ૮ લાખ કરોડની ફસાયેલી મૂડીની સમસ્યા અને ૨૦ લાખ કરોડના વિલંબમાં મૂકાયેલા પ્રોજેક્ટ્સ વારસામાં મળ્યા હતા. પરિણામે તેમના હાથમાં સત્તા આવી ત્યારે તેમને વારસામાં પોલીસી પેરાલિસિસની સ્થિતિ મળી હતી.

તેને કારણે જ બૅન્કોની એનપીએ-નોન પરફોર્મિંગ એસેટ્સમાં વધારો થયો હતો. આ તકલીફને તકમાં પલટીને અર્થતંત્રની શિકલ બદલી શકે તેવા પરિબળો નવી સરકાર માટે મોજૂદ હતા. તેઓ સત્તા પર આવ્યા ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ ઘટીને બેરલદીઠ ૨૯ ડૉલરની નીચામાં નીચી સપાટીએ આવી ગયા હતા. આ અગાઉ ક્રૂડના ભાવ ૧૧૦ ડૉલર સુધી ગયા હતા.

ક્રૂડ તેલના નીચા ભાવની સ્થિતિનો લાભ લઈને નવી રચાયેલી સરકારે લાંબાગાળાથી વિલંબમાં પડી ગયેલા પ્રોજેક્ટને સક્રિય કરી દઈને અર્થતંત્રને ગતિ આપવાની તક ગુમાવી દીધી છે. પ્રોજેક્ટ્સ હજીય અમલમાં આવ્યા નથી. અર્થતંત્રના ફંડામેન્ટલ્સ મજબૂત હોવાના નાણાં મંત્રી અરુણ જેટલીના દાવા પોકળ છે. નાણાંકીય ખાધ - ફિસ્કલ ડેફિસિટ ત્રણ ટકાની સપાટીએ હોવાનો તેમનો દાવો છે.

તેની સામે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ૧થી ૧.૨૫ ટકાની સપાટીએ છે. જીડીપીને દર ૬ ટકાની સપાટીથી નીચે આવી ગયો છે. વિદેશી રોકાણ ઘટીને તળિયે આવી રહ્યું છે. અર્થતંત્રની વર્તમાન સ્થિતિ તોફાન પૂર્વેની શાંતિ જેવી છે. બજાર ધીમી પણ મક્કમ ગતિએ નીચે આવવા માંડયા છે. અર્થતંત્ર કમ્ફર્ટ ઝોનમાં હોવાની લાગણી ધીરે ધીરે ઓસરી રહી છે. ફુગાવાના દર ધીમી ગતિએ વધી રહ્યા છે. સ્ટોકમાર્કેટ વધઘટ વધઘટ પછી નીચે આવવા માંડયા છે.

હવે ક્રૂડના ભાવ ૭૦ ડૉલરની સપાટીએ પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ પર ભારતનો કોઈ જ સીધો અંકુશ નથી. ક્રૂડના નીચા ભાવનો લાભ લેવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ચૂકી ગઈ છે. જો ક્રૂડના ભાવ હજી વધુ ઉપર જશે તો ભારતનું અર્થતંત્ર કડડભૂસ થઈ જશે. અત્યારની સ્થિત ચક્રવાત પૂર્વેની શાંતિ જેવી છે, એમ યશવંત સિંહાએ જણાવ્યું હતું.

ભારતનો વિકાસ ડોમેસ્ટિક ડિમાન્ડ અને ડોમેસ્ટિક એક્ટિવિટી પર નિર્ભર છે. ફોરેન ઇન્વોઈસ કે પછી ફોરેન ડિમાન્ડ પર જ નિર્ભર નથી. આ પરિસ્થિતિ નિર્માણ કરવામાં વર્તમાન સરકાર સફળ થઈ નથી. આંતરિક વ્યવસ્થાને મજબૂત કરવામાં વર્તમાન સરકાર સફળ થઈ નથી.

તેથી રોજગારીની નવી તક નિર્માણ થતી નથી. ભણીગણીને નવા તૈયાર થતાં યુવાનો માટે રોજગારી જ નથી. ૨૦૧૨માં સત્તા પર આવ્યા ત્યારે વિલંબમાં મૂકાયેલા પ્રોજેક્ટના ચાલુ કરીને સરકાર રોજગારી નિર્માણ કરીને અર્થતંત્રને વેગ આપી શકી હોત. પરંતુ સાડા ત્રણ વર્ષના શાસનમાં વર્તમાન સરકાર ખાસ કંઈ કરી શકી નથી.

સાત દાયકામાં કોઈએ ન કર્યું હોય તેવું દેખાડવાનો દંભ કરવા નોટબંધી કરી

આઝાદી પછીના સાત દાયકામાં એક પણ સરકારે તેમના જેવું કાર્ય નથી કર્યું તેવો આભાસ ઊભો કરવા માટે જ નોટબંધી કરવાનો તઘલઘી નિર્ણય વર્તમાન ભાજપ સરકારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

તેઓ આ પ્રકારે અન્યોથી વિશેષ પગલાં લઈ શકે છે તેવો દેખાવ ઊભો કરવા માટે જ રિઝર્વ બૅન્કના ગવર્નર કે પછી નાણાં મંત્રી અરુણ જેટલી મારફતે તેની જાહેરાત કરાવવાને બદલે પોતે જાતે જ તેની જાહેરાત કરી હતી. રાજાશાહીમાં પણ અનેક રાજાઓએ પોતાના સિક્કા બહાર પાડયા હતા. પરંતુ એક માત્ર મોહમ્મદ તઘલઘે તેના પોતાના સિક્કા જારી કરીને બીજાના તમામ સિક્કાઓ રદ કરી દીધા હતા. તેવું જ વર્તમાન વડા પ્રધાને કર્યું છે.

વર્તમાન વડાપ્રધાનની આ માનસિકતા પરથી તો એવું લાગી રહ્યું છે કે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળની ભાજપ સરકારે પણ કશું જ નહોતું કર્યું. ખરેખર તેમ જ હોય તો તેમણે અટલ બિહારી વાજપેયીના ભારતરત્નનો ખિતાબ શા માટે આપ્યો હતો.

માત્ર હું જ સાચો છું તેવી માનસિકતામાંથી વર્તમાન વડા પ્રધાને બહાર આવી જવું જોઈએ એમ પૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ જણાવ્યું હતું. લોકશાહીમાં કન્સેસસ એટલે કે સહમતી અને સર્વાનુમતિનો મહત્વ હોય છે. સહમતી એ લોકતંત્રનો પ્રાણ છે.

નોટબંધીને કારણે અર્થતંત્રને ૩.૫૩ લાખ કરોડનું નુકસાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે લાગુ કરેલી નોટબંધીનો નિર્ણય એક તઘલઘી નિર્ણય હતો. તેને પરિણામે નવી ચલણી નોટ છાપવા અને તેને એરલિફ્ટ કરીને રાતોરાત દેશના દરેક સેન્ટરો સુધી પહોંચાડવા માટે રૃા.૧.૨૮ લાખ કરોડના સીધા ખર્ચ ઉપરાંત કુલ રાષ્ટ્રીય ઉપજમાં ૧.૫ ટકાના થયેલા ઘટાડાને પરિણામે રૃા. ૨. ૨૫ લાખ કરોડનું નુકસાન થયું છે. આમ તેના થકી સીધું રૃા. ૩.૫૩ લાખ કરોડનું નુકસાન થયું હોવાનું એનડીએ સરકારના પૂર્વે નાણાં મંત્રી યશવંત સિંહાએ જણાવ્યુ હતું.

વિરોધ પક્ષને શત્રુ ગણી લેવો લોકશાહીમાં જરાય ઉચિત નથી

લોકશાહીમાં વિપક્ષને શત્રુ ગણવો જરાય ઉચિત નથી. સહુને સાથે લઈને આગળ વધીશું તો જ ભારત આગળ વધશે. તેમ નહિ કરવામાં આવે તો ભારત પરતંત્ર બની જશે. વિપક્ષ મુક્ત કે કોન્ગ્રેસ મુક્ત ભારતની વિચારધારાને જરાય ઉચિત નથી. ખરેખર વિકાસ સાધવો હોય તો સહુને સાથે લઈને ચાલતા શીખવું પડશે.

Post Comments