Zagmag

ગામડાની મજા!

By GS Team
7 Aug 20262 mins read
ગામડાની મજા!
  • અમે જલ્દી-જલ્દી ગરમાગરમ ભજિયાં ઉતાર્યા અને રાતની રસોઈ તૈયાર થઈ ગઈ. આવા ઠંડા પવનમાં ગરમાગરમ ભજિયાં ખાવાની મજા અને તેની સાથે મસ્ત મસાલેદાર ખાટી-મીઠી છાશે તો આનંદ બમણો કરી નાખ્યો!
  • હેત કિશોરકુમાર સાંગાણી

એ ક છોકરો શહેરમાં રહેતો હતો. તે દરરોજ પોતાની નિશાળે જતો અને ખૂબ જ મન લગાવીને ભણતો હતો. નિશાળેથી આવીને તે જમતો અને પછી થોડી વાર રમીને પોતાનું હોમવર્ક કરવા બેસી જતો. રાત્રે જમીને તે સમયસર સૂઈ જતો હતો.
પણ ચાલો, આજે હું તમને આ વ્યસ્ત શહેરથી ખૂબ દૂર એક શાંત અને સુંદર ગામડામાં લઈ જઉં. ભારત દેશના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ભાડેર ગામમાં સવાર થાય એટલે પક્ષીઓનો મધુર ટહુકો અને ગામમાં આવેલા ખોડિયાર માતાના મંદિરમાં આરતીનો પવિત્ર અવાજ સંભળાય છે.
આવી શાંતિ વચ્ચે સવારે મારી ઊંઘ ઊડતાં જ, મેં લીમડાની ડાળખી તોડીને દાતણ-પાણી કર્યાં. ત્યારબાદ ગાયના દેશી ઘીથી ચોપડેલી રોટલી અને સાથે ગરમાગરમ ચા પીને હું દાદાજી સાથે વાડીએ જવા માટે તૈયાર થઈ ગયો. વાડીએ જઈને મેં બધી ગાયોને નીરણ આપ્યો અને સીધેસીધી ખેતરમાંથી નીકળેલી તાજી માંડવી ફોલીને ખાવા લાગ્યો. આ તાજી સીંગ ખાવાનો અને સાથે ખુલ્લી હવાનો આનંદ કંઈક અદભુત જ હતો!
બપોર થતાં અમે ઘરે પહોંચ્યા. જમવામાં ભીંડાનું શાક અને રોટલી સાથે ઠંડી છાશ પીને મારું પેટ એટલું ભરાઈ ગયું કે હું ચાલી પણ નહોતો શકતો. અરે! ચિંતા ન કરો, મને પગમાં કંઈ તકલીફ નહોતી થઈ, પણ ગામની તાજી શાકભાજીનું શાક જોઈને હું એટલો હરખાઈ ગયો હતો કે ભૂલથી થોડું વધારે ખવાઈ ગયું હતું!
રાત્રે ઠંડા વાતાવરણ અને પવનના કારણે ઘરે ભજિયાં બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. દાદાજીએ સૌથી પહેલાં ચૂલામાં લાકડાં ગોઠવીને આગ સળગાવી અને એક નળી વડે ફૂંક મારીને ચૂલાની આગ તેજ કરી. હું પણ ચણાનો લોટ લઈને તૈયાર જ હતો. અમે જલ્દીથી ભજિયાંનું આખું મિશ્રણ તૈયાર કરી નાખ્યું. ત્યાં સુધીમાં દાદીમાએ કડાઈમાં તેલ ગરમ કરી દીધું હતું.
અમે જલ્દી-જલ્દી ગરમાગરમ ભજિયાં ઉતાર્યા અને રાતની રસોઈ તૈયાર થઈ ગઈ. આવા ઠંડા પવનમાં ગરમાગરમ ભજિયાં ખાવાની મજા અને તેની સાથે મસ્ત મસાલેદાર ખાટી-મીઠી છાશે તો આનંદ બમણો કરી નાખ્યો!
તમને શહેરમાં બધી જ સુખ-સુવિધાઓ તો ખૂબ મળશે, પણ જો સાચું સુખ, શાંતિ અને સાચો આનંદ જોઈતો હોય, તો છેલ્લે તો બધાને આપણું વહાલું ગામડું જ યાદ આવશે ને!