ખરેખરો વારસદાર

- શિવાએ છબી ઉપાડી. તેને થયું કે તે જીવતા શેઠ હીરાલાલને ઉપાડે છે. છબી કંઈક ભારે હતી. શિવો પણ ભારે હતો જ. તેનું હૈયું ભારે હતું. ન થવાનું થયું. તેના હાથમાંથી છબી સરકી ગઈ. પડી ગઈ.
- હીરાલાલ આ સગાંઓની દાનત જાણતા હતા
- લાખો કરોડોની રકમ તેમણે હીરામાં રોકી
- હરીશ નાયક
હીરાલાલનું અવસાન થયું.
જી હા, છેવટે હીરાલાલનું અવસાન થયું.
આમ તો હીરાલાલ હીરા જેવા માનવી, હીરાના જ માનવી કહો ને! જમીન, જાગીર, મકાન, પૈસો બધું જ તેમની પાસે. પણ તેમનો કોઈ વારસદાર ન હતો. તેમનો પોતાનો કોઈ દીકરો નહિ, દીકરી નહિ.
હીરાબહેનને મરી ગયાને સમય થઈ ગયો. એટલે દૂરનાં સગાં ઝઝૂમે. બધાંને એમ કે હીરાલાલનો વારસો આપણને મળે તો સારું.
એટલે હીરાલાલ જેવા માંદા પડે કે લોકો દોડી આવે. ખૂબ સેવાચાકરી કરે. અરે, સેવા કરવાય લડાલડી કરે. પણ મનમાં એક જ વાત કે આ ડોસો મરે તો સારું. આપણને ઝટ વારસો મળી જાય!
હીરાલાલ પહેલી વખત માંદા થયા, તે વખતની વાત ન પૂછો. એટલાં સગાં ભેગાં થયાં કે મેળો
જામી ગયો.
માંદગી લાંબી ચાલી. ધીરે ધીરે કંટાળીને લોકો વિદાય થયા - 'આ ડોસો મરે એવું લાગતું નથી' એવું તેઓ કહેતા ગયા.
બીજી માંદગી વખતે થોડાં સગાં ઓછાં થયાં.
એમ દરેક માંદગી વખતે સેવા કરનાર ઓછાં
થતાં ગયાં.
હીરાલાલ આ સગાંઓની દાનત જાણતા હતા. પણ મરવું કંઈ હાથની વાત છે?
હા, તેઓ બધાં સગાંઓને કહેતા - હું બધાંને કંઈકનું કંઈક આપી જઈશ.
છેવટે હીરાલાલ ખરેખરા માંદા પડી ગયા. મરવાની ઘડીઓ ગણાવા લાગી.
પણ હીરાલાલને હવે વાંધો ન હતો.
તેમણે મરવાની તૈયારી કરી રાખી હતી. તેમણે પોતાની બધી જમીન વેચી દીધી હતી. મકાનો વેચી દીધાં હતાં. અરે કૂવો, રહેંટ, ખળું, ગોદામ બધું જ વેચી દીધું હતું.
એ બધું વેચીને એમણે હીરા લીધા હતા. કીમતી હીરા. અણમોલ હીરા.
હીરાલાલ હીરાના પારખુ તોહતા જ. બધું વેચીને એવા હીરા લીધા કે જોઈ લો વાત. જેની પાસે એ હીરા આવે એ જ હીરાલાલ બની રહે.
લાખો કરોડોની રકમ તેમણે હીરામાં રોકી દીધી, અને એ હીરા અમુક જગાએ સંતાડી દીધા. કોઈને ખબર ન પડી કે એ હીરા કઈ જગાએ છે. અરે 'હીરા છે' એવું તો જાણનાર જ જાણે!
પછી બધાં સગાંને બોલાવી લીધાં. આ છેવટની વાત હતી. બધાં દોડતાં આવી ગયાં.
હીરાલાલ કહે - બધાં હાજર?
બધાં કહે - હા દાદાજી, બધાં હાજર.
હીરાલાલ કહે - ઠીક ભાઈ. વાત સાંભળો. તમને બધાંને આપનાર હું કોણ?
પણ હું કંઈ બધું સાથે તો લઈ જવાનો નથી. એટલે કહું છું કે જેને જે જોઈએ તે લઈ જાઓ. આ ઘરમાંથી, મારી પાસેથી, મારું કહેવાતું, જે જોઈએ તે લઈ જાઓ. જેને જે ગમે તે લઈ જવાની છૂટ. મારો હવે ભરોસો નહિ. તમે મારા જીવતાં જ લઈ શકો, મારા ગત થયા પછી શું કામ?
એટલું હી હીરાલાલ તો મરવા લાગી ગયા. હવે જિવાય તેમ હતું જ નહિ. અને આ બાજુ લોકો લૂટાંલૂટમાં પડી ગયા.
કોઈ ટેબલ, કોઈ ખુરશી, કોઈ હીંચકો, કોઈ પાટ, કોઈ પટારા, કોઈ ગાદલાં, કોઈ જાજમ, કોઈ ઘડિયાળ! જેને જે ગમે તે ખેંચતું થઈ ગયું.
જમીનજાગીર તો રહી ન હતી. લેવા જેવું કંઈ હતું જ નહિ. છતાં ડોસાએ કદાચ સંતાડી દીધું હોય. એ સંતાડેલો માલ કદાચ ગાદલાં, ગોદડાં, પાટપટારામાંથી મળેય ખરો!
હજી ડોસો જીવે જીવે તેટલામાં તો બધાં લઈને છૂ! જે હાથમાં આવી ગયું, તે લીધું અને…. એ આવજો.
કેટલાકે તો વળી બહાર જ હરાજી શરૂ કરી. લિલામની બોલી શરૂ થઈ.
શિવો આ બધું જોયા કરતો.
શિવો ઘરનો જૂનામાં જૂનો નોકર. ઘરડા હીરાલાલ સાથે રહીને તે પણ ઘરડો થયો હતો. તેને ન તો શેઠના માલમકાનમાં રસ કે ન તો શેઠના પેટીપટારાનો મોહ.
તેને તો એમ કે બસ, હું શેઠની સેવા કરું. શેઠની સાથે જીવું, શેઠની સાથે મરું.
શિવો શિવજીનો ભગત હતો. તેં આખો વખત શિવ શિવ બોલી રહેતો. તે શિવની પૂજા કરે અને શિવ શિવ બોલે. હા, શિવની છબીની સાથે શિવો શેઠજીની છબીની પૂજા જરૂર કરે. એ તેનો નિયમ, એ તેનું જીવન.
શેઠની રસોઈ, શેઠની પથારી, શેઠની દવા, શેઠની સેવા… બધું શિવાને માથે. શેઠ જાગે તે પહેલાં શિવો જાગે, શેઠ સૂએ પછી જ શિવો સૂએ.
ઘરની બધી ચીજો લૂંટાવા લાગી તેની શિવાને કંઈ ચિંતા નહિ. તેને કંઈ જોઈતું જ ન હતું. તેને કંઈ મેળવવું જ ન હતું. તેને તો એમ કે તેના શિવજીની અને શેઠજીની છબી કોઈ ન લે તો સારું. શેઠજી ન હોય તે વખતેય હું એ પૂજા ચાલુ રાખીશ.
અને એમ જ થયું. છબીઓમાં વળી કોને રસ હોય? શિવની છબી તો શહેરમાં જોઈએ તેટલી મળે. અને હીરાલાલની છબીમાં વળી હતુંય શું? એ છબીને કોઈ શું કરે?
એ છબી સામે જોઈ બધાં 'હીહ્' કરી દેતાં. શિવાનો જીવ બળી જતો.
હીરાલાલે લેવાનું કહી દીધું હતું એટલે બધાંએ લીધું. લઈ લીધું. લઈ લઈને ચાલતાં થઈ ગયાં. વેચવા જેવું વેચી દીધું.
અને…. બધાં ગયાં.
હીરાલાલની આંખ મીંચાઈ તે વખતે તેમનું કોઈ ન હતું. કોઈ સગું પાસે ન હતું.
એકલો શિવો 'શિવ શિવ' કરતો હતો. તેને એમ કે, શેઠજી જીવી જાય તો સારું. નહિ તો હું એકલો
પડી જઈશ.
પણ થયું એમ જ.
હીરાલાલ ગયા, શિવો એકલો રહી ગયો.
પોતાની પાસે જે હતું તેમાંથી શિવાએ શેઠનેવિદાય કરી દીધા. શેઠની અંતિમવિધિ જાતે જ પતાવી. અરે, પોતે વારસદાર હોય એમ શેઠનાં ધરમકરમ પણ પતાવી દીધાં.
હવે કંઈ બાકી ન હતું. એકલો શિવો રહી ગયો. અને રહી ગઈ બે છબી. શિવાએ 'શિવ શિવ' કરીને ભગવાન શિવની પહેલી છબી ઉપાડી. નમન-વંદન કરીને છબી લીધી. શિવાએ 'શિવ શિવ' કરીને, આંખમાં આંસુ સાથે બીજી છબી ઉપાડી. એ છબી તેનાથી ઉપાડી શકાઈ નહિ. તેનું હૈયું ભરાયું. તેનું મન 'હાહાકાર' કરી ગયું.
'માલિક… માલિક…!' કરીને તે છબીને ભેટી ગયો. એ દશામાં તેણે સારો એવો સમય વિતાવી દીધો.
પછી શિવાએ છબી ઉપાડી. તેને થયું કે તે જીવતા શેઠ હીરાલાલને ઉપાડે છે. છબી કંઈક ભારે હતી. શિવો પણ ભારે હતો જ. તેનું હૈયું ભારે હતું.
ન થવાનું થયું. તેના હાથમાંથી છબી સરકી ગઈ. પડી ગઈ. છબીને તેનાથી સંભાળી શકાઈ નહિ.
ખનખનનનન…!
છબીના કાચ તુટી ગયા. પાટિયાં-ચપાટિયાંય ઢીલાં થઈ ગયાં.
કાળજી સાથે રાખેલી એ ચીજમાંથી બહાર ડોકાયા હીરા, કીમતી હીરા, અણમોલ હીરા. ચળકતા ચમકતા ઝગારા મારતા હીરા.
શેઠ હીરાલાલે બધું વેચીને આ હીરા લીધા હતા. તેમનું બધું ધન આ હીરામાં સમાઈ જતું હતું.
હીરાઓ સાથે જ એક કાગળ હતો. શેઠે જાતે જ લખેલો કાગળ -
'જે આ છબી રાખશે તેને આ હીરા મળશે. તે મારો વારસદાર. મારું જે કંઈ હતું તે હવે આ હીરા છે.'
ભાંગેલી-તૂટેલી છબીને શિવાએ છાતીએ લગાડી. તે ખરેખર રડતો હતો. હીરા નીચે વેરાયા હતા. અને તે શેઠ હીરાલાલને કહેતો હતો - માલિક! માલિક!! મારી આવી કસોટી? મેં કંઈ મેળવવા તમારી સેવા કરી હતી? મારે તો તમે હતા, બધું જ હતું. મનેય બીજા જેવો ગણી લીધો માલિક?
શેઠની છબી હસતી હતી. તે કહેતી હતી - તને બીજા જેવો કોણ ગણે છે? હું? ના રે શિવા! તને હું બીજાથી જુદો જ ગણું છું. મારો વારસદાર, સાચો વારસદાર. મારો સગો. ભલા શિવા! માનવીને જીવવા માટેય કંઈ જોઈએ તો ખરું ને? માલિક હોય તો જવાબદારી માલિકની. પણ તે ન હોય તેવે વખતે ?
શિવો 'શિવ શિવ' અને 'માલિક માલિક' કરીને છબી છાતીએ લગાડતો હતો.




