સાચો ગરબો અને ચકુડી

- કિરીટ ગોસ્વામી
એક નાનકડું અને સુંદર ગામ હતું. આ ગામમાં ચકુડી નામની એક નાનકડી, ચંચળ અને વહાલસોયી છોકરી રહેતી હતી. ચકુડીને ગરબે ઘૂમવાનો ખૂબ જ શોખ હતો. નવરાત્રી નજીક આવે ત્યારથી જ તે ઘરમાં નાચવા-કૂદવા લાગતી અને અરીસા સામે ઊભા રહીને અવનવાં સ્ટેપ્સ શીખતી.
આ વર્ષે નવરાત્રી આવી રહી હતી. ચકુડીએ ટીવી પર અને શહેરોમાં યોજાતા 'ડિસ્કો દાંડિયા'ના મોટા મોટા કાર્યક્રમોના વીડિયો જોયા હતા. તેણે પોતાની દાદીમા પાસે જઈને હઠ પકડી, 'દાદીમા, આ વખતે તો મારે પણ નવરાત્રીમાં મોટા લાઉડસ્પીકરના અવાજે ડિસ્કો દાંડિયા રમવા જવું છે! ત્યાં કેવાં સરસ ફિલ્મી ગીતો વાગે છે અને અવનવી લાઇટો થાય છે!'
દાદીમાએ ચકુડીની વાત શાંતિથી સાંભળી. તેમણે ચકુડીને પ્રેમથી પાસે બેસાડી અને વહાલથી તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું, 'મારી વહાલી ચકુડી, તને ખબર છે ગરબો એટલે શું? તું જે ડિસ્કો દાંડિયા પાછળ ઘેલી થઈ છે, એ તો માત્ર ક્ષણિક મનોરંજન અને ઘોંઘાટ છે… પરંતુ આપણી સંસ્કૃતિના પાવન ગરબાનું મહત્ત્વ કંઈક સાવ અલગ જ છે.'
ચકુડીએ ઉત્સુકતાથી પૂછયું, 'એવું તે શું મહત્ત્વ છે, દાદીમા?'
દાદીમાએ સમજાવતાં કહ્યું, 'બેટા, 'ગરબો' શબ્દ મૂળ 'દીપગર્ભ' પરથી આવ્યો છે. માટીના કાણાંવાળા ઘડામાં જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યારે તે અંધકારને દૂર કરીને ચારેકોર દિવ્ય પ્રકાશ ફેલાવે છે. એ માટીનો ઘડો આપણું નશ્વર શરીર છે અને અંદર પ્રગટતો દીવો આપણો અમર આત્મા છે. આપણા પરંપરાગત ગરબા એ માત્ર નાચવા-કૂદવા માટે નથી, પણ એ તો મા આદ્યશક્તિને પ્રસન્ન કરવાનો અને તેમની ભક્તિ કરવાનો એક પવિત્ર અવસર છે.'
ચકુડી એકચિત્તે દાદીમાની વાત સાંભળી રહી હતી.
દાદીમાએ આગળ કહ્યું, 'જ્યારે આપણે તાળીઓના તાલે માતાજીની સ્તુતિ અને પ્રાચીન ગરબા ગાઈએ છીએ, ત્યારે આપણું અંતઃકરણ શાંત થાય છે અને આપણને જગદંબાના સાચા આશીર્વાદ મળે છે. ઘોંઘાટિયા ડિસ્કો દાંડિયામાં ભક્તિ ગાયબ થઈ જાય છે અને માત્ર દેખાડો રહી જાય છે. સાચો આનંદ તો મા અંબેની આરાધનામાં અને પરંપરાગત ગરબામાં જ સમાયેલો છે.'
દાદીમાની આ વાત ચકુડીના બાળહૃદયમાં ઊતરી ગઈ. તેને સમજાયું કે ગરબો એ કોઈ પશ્ચિમી ડાન્સ નથી, પણ મા શક્તિની આરાધના છે.
નવરાત્રીના પહેલા જ નોરતે ચકુડીએ સુંદર ચણિયાચોળી પહેર્યાં. તેણે ડિસ્કો દાંડિયાની જિદ્દ સાવ છોડી દીધી. તે ગામના ચોકમાં જ્યાં માતાજીની માંડવી પધરાવી હતી ત્યાં ગઈ. તેણે માટીના ગરબા સમક્ષ ભાવપૂર્વક દીપ પ્રગટાવ્યો અને હાથ જોડીને માતાજીને પ્રણામ કર્યા.
તે રાત્રે ચકુડીએ કોઈ પણ ફિલ્મી ગીતના ઘોંઘાટ વિના, ઢોલના ધીમા અને મધુર તાલે દાદીમાએ શીખવેલા પ્રાચીન ગરબા ગાયા. 'મા પાવા તે ગઢથી ઊતર્યાં…' અને 'તારા વિના શ્યામ મને…' જેવા પરંપરાગત ગીતો પર તેણે આખી રાત તાળીઓના તાલે રાસ લીધો.
તેના ચહેરા પર એક અનોખું તેજ અને અંતરમાં દિવ્ય પ્રસન્નતા હતી. તેને લાગ્યું કે જાણે સાક્ષાત મા અંબા તેના પર પ્રસન્ન થઈને સ્નેહના આશીર્વાદ વરસાવી રહ્યાં છે!
ચકુડીને સાચી સાંસ્કૃતિક પરંપરા નિભાવતી જોઈને દાદીમાનું હૃદય પણ ગર્વ અને હર્ષથી છલકાઈ ગયું.




