Zagmag

ટીનુની પરીક્ષા

By GS Team
31 Oct 20263 mins read
ટીનુની પરીક્ષા
  • 'તું કેટલો હોશિયાર છે અને તારે હજુ કેટલું નવું શીખવાનું બાકી છે. પરીક્ષાના માર્ક્સ એ તારી જિંદગીનું મૂલ્ય નક્કી નથી કરતા. તું ફક્ત તારી મહેનત પર ધ્યાન આપ, પરિણામ પર નહીં.'
  • કિરીટ ગોસ્વામી

એક નાનકડા ગામમાં ટીનુ નામનો એક ભોળો અને હોશિયાર છોકરો રહેતો હતો. ટીનુ આમ તો ભણવામાં ઘણો સારો હતો, પણ જેવો 'પરીક્ષા' શબ્દ સાંભળે કે તરત તેના હાથથપગ ધૂ્રજવા લાગતા. પરીક્ષાના ડરથી તે રાત્રે સૂઈ ન શકતો અને જે કંઈ ભણ્યો હોય તે બધું ભૂલી જતો.
ગામની શાળામાં એક નવા શિક્ષક આવ્યા, જેમનું નામ હતું આનંદ સર. આનંદ સર ખૂબ જ પ્રેમાળ અને સમજદાર હતા. તેમણે ગણતરીના દિવસોમાં જ ટીનુનો આ ડર પારખી લીધો.
એક દિવસ શાળા છૂટયા પછી આનંદ સરે ટીનુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછયું, 'ટીનુ, તું પરીક્ષાથી આટલો બધો કેમ ડરે છે?'
ટીનુએ નીચું જોઈને ધૂ્રજતા અવાજે કહ્યું, 'સર, મને એમ થાય છે કે જો હું નાપાસ થઈશ તો બધા મારી મજાક ઉડાવશે. પરીક્ષા મને એક બહુ મોટા રાક્ષસ જેવી લાગે છે!'
આનંદ સર હસ્યા અને ટીનુને વહાલથી પાસે બેસાડીને કહ્યું, 'અરે ટીનુ! પરીક્ષા કોઈ રાક્ષસ નથી. ચાલ, હું તને એક વાર્તા કહું.'
સરે વાર્તા શરૂ કરી- 'એક મોટું જંગલ હતું. ત્યાં ચીકુ નામનો એક નાનો વાંદરો રહેતો હતો. ચીકુને ઝાડ પર કૂદકા મારવા બહુ ગમતા, પણ તેને હંમેશાં ડર રહેતો કે જો તે પડી જશે તો બીજાં પ્રાણીઓ તેના પર હસશે. એક દિવસ જંગલમાં 'કૂદવાની હરીફાઈ' યોજાઈ. ચીકુ તો ડરનો માર્યો સંતાઈ ગયો.
ત્યાં એક ઘરડા અને સમજદાર હાથીદાદા આવ્યા. તેમણે ચીકુને કહ્યું, 'બેટા, આ હરીફાઈ તને હરાવવા માટે નથી, પણ તેં આખા વર્ષમાં કેટલા સરસ કૂદકા મારતાં શીખ્યું છે તે જોવા અને તારી શક્તિને ઓળખવા માટે છે.' ચીકુને હાથીદાદાની વાત સમજાઈ ગઈ. તે હરીફાઈમાં ઊતર્યાે અને કોઈ પણ જાતના ડર વિના પોતાના જીવનનો સૌથી ઉત્તમ કૂદકો માર્યાે! તે જીત્યો કે હાર્યાે એ મહત્વનું નહોતું, પણ તેનો ડર હંમેશ માટે ગાયબ થઈ ગયો હતો.'
વાર્તા પૂરી કરીને આનંદ સરે ટીનુના ખભા પર હાથ મૂક્યો અને સમજાવ્યું, 'ટીનુ, પરીક્ષા પણ આ હરીફાઈ જેવી જ છે. તે તારો દુશ્મન નથી, પણ મિત્ર છે. તે તને એ બતાવે છે કે તું કેટલો હોશિયાર છે અને તારે હજુ કેટલું નવું શીખવાનું બાકી છે. પરીક્ષાના માર્ક્સ એ તારી જિંદગીનું મૂલ્ય નક્કી નથી કરતા. તું ફક્ત તારી મહેનત પર ધ્યાન આપ, પરિણામ પર નહીં.'
આનંદ સરની આ સરળ અને પ્રેમાળ શીખ ટીનુના દિલને સ્પર્શી ગઈ. તેને સમજાયું કે પરીક્ષાથી ડરવાની કોઈ જરૂર નથી.
તે પછીના અઠવાડિયે જ્યારે પરીક્ષા આવી, ત્યારે ટીનુ ડરવાના બદલે ચહેરા પર આત્મવિશ્વાસભર્યા સ્મિત સાથે વર્ગખંડમાં ગયો. તેણે શાંતિથી પેપર લખ્યું. તે દિવસે ટીનુ માત્ર પરીક્ષામાં જ ઉત્તીર્ણ નહોતો થયો, પણ આનંદ સરની મદદથી પોતાના મનના સૌથી મોટા ડરને હરાવવામાં પણ સફળ થયો હતો.