સુરત રેલવે સ્ટેશન પર 80 દિવસનો મેગા બ્લોક: ડિસેમ્બરથી પ્લેટફોર્મ-1ની 139 ટ્રેનો ઉધના-ઉત્રાણ શિફ્ટ થશે, જાણો શિડ્યુલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Railway Station 80 Day Block : સુરત રેલવે સ્ટેશન પર ચાલી રહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH) પ્રોજેક્ટને સાકાર કરવા માટે પ્લેટફોર્મ નંબર-1 તોડીને નવું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી માટે ડિસેમ્બર મહિનામાં સુરત સ્ટેશનના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો 80 દિવસનો બ્લોક લેવામાં આવશે. પશ્ચિમ રેલવેના આ નિર્ણયને રેલવે બોર્ડની મંજૂરી મળી ગઈ છે, જેના પરિણામે અમદાવાદ, રાજસ્થાન અને દિલ્હી તરફ જતી કુલ 139 ટ્રેનોને ઉધના અને ઉત્રાણ સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે, જ્યારે વંદે ભારત અને રાજધાની સહિત 44 ટ્રેનો પ્લેટફોર્મ-1 ને બદલે પ્લેટફોર્મ-2 પરથી દોડશે.
કયા સ્ટેશન પર કેટલી ટ્રેનો શિફ્ટ થશે
- ઉધના સ્ટેશન પર શિફ્ટ થનારી ટ્રેનો (કુલ 89 ટ્રેનો): દિલ્હી, રાજસ્થાન અને અમદાવાદ તરફ જતી 89 ટ્રેનો ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ-1 પર રોકાશે.
- અવંતિકા એક્સપ્રેસ (12961)
- દાદર-અમદાવાદ સુપરફાસ્ટ (12901)
- અવધ એક્સપ્રેસ (19037)
- ગુજરાત એક્સપ્રેસ (22953)
- બાંદ્રા-જયપુર એક્સપ્રેસ (19724)
- દેહરાદૂન એક્સપ્રેસ (19019)
- બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ (19203)
- ભુજ એસી સુપરફાસ્ટ (22903)
- વલસાડ-હરિદ્વાર એક્સપ્રેસ (12911)
- ઉત્રાણ સ્ટેશન પર શિફ્ટ થનારી ટ્રેનો (કુલ 50 ટ્રેનો): 50 ટ્રેનોને ઉત્રાણ સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવી છે.
- લોકશક્તિ એક્સપ્રેસ (19017)
- સૌરાષ્ટ્ર મેલ (22945)
- ગુજરાત ક્વીન (19033)
- બાંદ્રા-ભુજ સ્પેશિયલ (09011)
- પુણે-અમદાવાદ અહિંસા એક્સપ્રેસ (22186)
- બાંદ્રા-જામનગર હમસફર (22923)
- નિઝામુદ્દીન રાજધાની (12431)
- મડગાંવ રાજધાની (22413)
- સુરત સ્ટેશનના પ્લેટફોર્મ-2 પર આવનારી ટ્રેનો (કુલ 44 ટ્રેનો): 44 ટ્રેનો સુરત સ્ટેશનના પ્લેટફોર્મ-2 પરથી સંચાલિત થશે.
- મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત (20901)
- મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત (22961)
- શતાબ્દી એક્સપ્રેસ (12009)
- તેજસ રાજધાની (12951)
- અગસ્ત ક્રાંતિ તેજસ (12953)
- ડબલ ડેકર એક્સપ્રેસ (12931)
ત્રણ તબક્કામાં 80 દિવસનું નિર્માણ કાર્ય થશે
- પ્રથમ 10 દિવસ: પ્લેટફોર્મ-1 ની સુવિધાઓ હટાવીને OHE (ઓવરહેડ ઇક્વિપમેન્ટ) ફાઉન્ડેશનની તૈયારી કરાશે.
- 11 થી 25 દિવસ: પ્લેટફોર્મ-1 ની બેરિકેડિંગ કરીને હાલના પ્લેટફોર્મ, છત, શેડ, દુકાનો અને વોટર સપ્લાયનું માળખું તોડી પાડવામાં આવશે અને ભૂમિગત સેવાઓનું નિર્માણ થશે.
- 26 થી 62 દિવસ: બાકીનું સિવિલ અને સ્ટ્રક્ચરલ કાર્ય તેમજ કોન્કોર્સની બીમ-કોલમ લોન્ચિંગની કામગીરી હાથ ધરાશે.
- 62 થી 80 દિવસ: બ્લોકના કામને અંતિમ ઓપ આપીને રિસ્ટોરેશન વર્ક શરૂ કરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના CPROએ જણાવ્યું હતું કે, આ બ્લોક કાર્યક્રમને ઉચ્ચ સ્તરેથી મંજૂરી મળી ગઈ છે. ડિસેમ્બરમાં કઈ ચોક્કસ તારીખથી આ ફેરફાર લાગુ થશે તેની અંતિમ તિથિ આગામી એક સપ્તાહમાં નક્કી કરીને મુસાફરોને તેની આગોતરી જાણ કરવામાં આવશે.




