World

સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ રૂપિયા 80 કરોડમાં વેચાયું

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
ન્યૂયોર્કમાં ક્રિસ્ટીઝ ખાતે યોજાયેલી હરાજીમાં વિશ્વપ્રસિદ્ધ કલાકાર એન્ડી વોરહોલની 1962ની "કેમ્પબેલ્સ સૂપ કેન" પેઇન્ટિંગે ઇતિહાસ રચ્યો છે. 40 લાખ ડોલરથી શરૂ થયેલી આ બોલી 90.26 લાખ ડોલર (આશરે 80 કરોડ રૂપિયા)માં વેચાઈ હતી. વોરહોલે હાથથી બનાવેલી આ અનોખી કૃતિએ કળાજગતમાં ભારે ચર્ચા જગાવી, જે રોજિંદા જીવનની વસ્તુઓને કળાનું સ્વરૂપ આપવાની તેમની વિશિષ્ટ શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ રૂપિયા 80 કરોડમાં વેચાયું
  • એન્ડી વોરહોલની ૧૯૬૨માં બનાવેલી કૃતિ
  • ન્યૂ યોર્કના ક્રિસ્ટીઝ ખાતે ૪૦ લાખ ડોલરથી શરૂ થયેલી બોલી ૯૦.૨૬ લાખ ડોલરે પહોંચી

ન્યૂ યોર્ક : સુપરમાર્કેટમાં સામાન્ય રીતે થોડા ડોલરમાં મળતા સૂપના ડબ્બાની તસવીરની કિંમત કરોડો રૂપિયા હોઈ શકે? ન્યૂયોર્કમાં યોજાયેલી હરાજીમાં આ સવાલનો જવાબ મળ્યો છે. વિશ્વપ્રસિદ્ધ કલાકાર એન્ડી વોરહોલની ૧૯૬૨માં બનાવેલી કેમ્પબેલ્સ સૂપ કેન પેઇન્ટિંગ ૯૦.૨૬ લાખ ડોલર એટલે કે અંદાજે રૂ. ૮૦ કરોડથી વધુમાં વેચાઈ છે. ૬૪ વર્ષ જૂની આ કૃતિએ હરાજીમાં કળાપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. ક્રિસ્ટીઝના ન્યૂયોર્ક ખાતે યોજાયેલી હરાજીમાં આ પેઇન્ટિંગની બોલી ૪૦ લાખ ડોલરથી શરૂ થઈ હતી. સ્પર્ધાત્મક બોલી બાદ તે ૯૦.૨૬ લાખ ડોલર થઈ હતી. આ પેઇન્ટિંગની ખાસિયત એ છે કે વોરહોલે તેને હાથથી તૈયાર કરી હતી. તેમણે લિનન પર કેસિન અને ગ્રેફાઇટનો ઉપયોગ કરીને સૂપના ડબ્બાનું ચિત્ર બનાવ્યું હતું. વોરહોલની આ કૃતિ તેમની જાણીતી કેમ્પબેલ્સ સૂપ કેન શ્રેણીનો ભાગ છે. પાછળથી તેમણે આ જ વિષય પર સિલ્કસ્ક્રીન પ્રિન્ટિંગ દ્વારા અનેક કૃતિઓ બનાવી હતી.
એન્ડી વોરહોલે કળાની પરંપરાગત વ્યાખ્યાથી અલગ રસ્તો અપનાવ્યો હતો. તેમણે રોજિંદા જીવનમાં જોવા મળતી વસ્તુઓ, જાહેરાતો, ખાદ્ય પદાર્થોના પેકેટ અને ફિલ્મી કલાકારોને પોતાની કળાનો વિષય બનાવ્યા હતા. કેમ્પબેલ્સ સૂપના ડબ્બા પણ તેમની આવી જ કલ્પનાનું પરિણામ હતા. વોરહોલે એક વખત જણાવ્યું હતું કે તેઓ લગભગ ૨૦ વર્ષ સુધી દરરોજ બપોરે કેમ્પબેલ્સ સૂપ પીતા હતા. આ સામાન્ય વસ્તુને તેમણે પોતાની કળા દ્વારા વૈશ્વિક ઓળખ અપાવી હતી.