સિંહ જેવી હઠ... ગોરા, તું હઠ !

- જૈન વડાએ વધુમાં વધુ કારીગરો અને મજૂરોને કામે લગાડયા. સૌપ્રથમ તેમણે મંદિરની ફરતે મજબૂત કોટ બનાવવાનું શરૂ કર્યું. માત્ર બાર જ કલાકની અંદર એટલો મજબૂત, પહોળો અને ઊંચો કોટ ચણી દીધો કે ગોરાઓનાં ઘોડા તેની અંદર પ્રવેશી શક્યા નહીં!
અમદાવાદ!
એક જાણીતું અને પ્રતિતિ જૈન કુટુંબ.
તેમની પાસે જમીનનો એક મોટો ટુકડો હતો. જમીનના એ ખુલ્લા મેદાનમાં અંગ્રેજ ગોરાઓ પોલોની રમત રમતા. ત્યારે દેશમાં ગોરાઓનું રાજ અને તેમની જ દાદાગીરી ચાલતી હતી.
એક વાર કુટુંબીઓએ મનોમન એવું નક્કી કર્યું કે આ મેદાન છે ત્યાં એક ભવ્ય જિનાલય બનાવવું. તેમણે ગોરાઓને સ્પષ્ટ કહી દીધું- 'હવે તમારી રમત બંધ કરો, અહીં પવિત્ર મંદિર બનશે.'
ગોરાઓ તો જિદ્દી અને અહંકારી હતા. તેઓ બોલ્યા- 'અહીં મંદિર નહીં બને, અમારી રમત ચાલુ જ રહેશે.'
ખૂબ સમજાવ્યા છતાં ગોરાઓ માન્યા નહીં. 'પણ જમીન કોની છે?' કહીને જૈન શ્રેીએ તો મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરી દીધું.
ગોરાઓ વિફર્યા. દિવસના અંતે જેટલું મંદિર ચણાય, તેટલું રાતના અંધારામાં તેઓ તોડી પાડતા!
પરંતુ જૈન શ્રેી પણ હાર માને તેવા નહોતા. તેઓ રોજ સવારે પુનઃ મંદિર બાંધવાનું કામ શરૂ કરી દેતા. ગોરાઓ પણ એટલા જ વકરી બેઠા હતા- તેઓ નિયમિત રાત્રે આવીને મંદિરનું ચણતર તોડયા વગર રહેતા નહીં!
અંતે નક્કી થયું કે હવે આ વાતનો કાયમી ફેંસલો લાવવો જ પડશે.
જૈન વડાએ વધુમાં વધુ કારીગરો અને મજૂરોને કામે લગાડયા. સૌપ્રથમ તેમણે મંદિરની ફરતે મજબૂત કોટ બનાવવાનું શરૂ કર્યું. માત્ર બાર જ કલાકની અંદર એટલો મજબૂત, પહોળો અને ઊંચો કોટ ચણી દીધો કે ગોરાઓનાં ઘોડા તેની અંદર પ્રવેશી શક્યા નહીં!
કોટ ન તૂટે પછી અંદરનું મંદિર કેવી રીતે તૂટે? કોટની સુરક્ષા વચ્ચે મંદિરનું નિર્માણકાર્ય પણ અવિરત ચાલતું રહ્યું.
આખરે ગોરાઓને નમવું પડયું અને પોતાની હાર સ્વીકારવી પડી.
અને એ પરાજયની વચ્ચે પણ તે વખતના અંગ્રેજ ગવર્નરે મુક્તકંઠે પ્રશંસા કરતાં કુટુંબના વડાને કહ્યું- 'તમે તો ખરેખર હઠીલા સિંહ જેવા છો!'
તે દિવસથી એ કુટુંબનું નામ 'હઠીસિંહ' પડી ગયું. આજે અમદાવાદમાં એ ઐતિહાસિક કુટુંબની યશગાથા પણ મોજૂદ છે અને તેમણે બનાવેલું જગવિખ્યાત 'હઠીસિંહનું દેરું' પણ ગૌરવભેર અડીખમ ઊભું છે.




