Zagmag

પૃથ્વીબહેનની રાખડી

By GS Team
21 Aug 20263 mins read
TukuTouch Logo
રક્ષાબંધનના પવિત્ર તહેવારે પૃથ્વીબહેન પોતાના ચાંદભાઈને રાખડી બાંધવા આકાશમાં પહોંચ્યા. પવનની મદદથી, વાદળો અને તારાઓને પાર કરીને, તેઓ ચાંદભાઈ પાસે ગયા. પૃથ્વીબહેને પ્રેમથી રાખડી બાંધી અને ચાંદભાઈએ તેમને શીતળ ચાંદનીની ભેટ આપી. આ દ્રશ્ય જોઈને આકાશ આનંદથી ઝૂમી ઉઠ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

પૃથ્વીબહેનની રાખડી

ડૉ. પારુલ અમિત 'પંખુડી'
આકાશમાં એ દિવસે કંઈક અલગ જ ચમક હતી. સૂરજ વહેલો ઊગ્યો હતો અને વાદળો જાણે સફેદ રેશમી કપડાં પહેરીને આકાશમાં ફરતાં હતાં. પવન પણ ધીમે ધીમે ગીત ગાતો હતો.
કારણ હતું રક્ષાબંધનનો તહેવાર!
પૃથ્વીબહેન આજે ખૂબ ખુશ હતાં. તેણે પોતાની લીલી સાડી પહેરી, માથે ફૂલનો ગજરો સજાવ્યો અને હાથમાં સુંદર રાખડીની થાળી લીધી. થાળીમાં હતી રંગબેરંગી રાખડી, ચોખા, કંકુ, મીઠાઈ અને એક નાનકડી સરપ્રાઈઝ ગિફ્ટ!
પૃથ્વીબહેન આકાશ તરફ જોઈને બોલ્યાં, 'આજે તો હું મારા ચાંદભાઈને રાખડી બાંધીને જ રહીશ!'
પણ ચાંદભાઈ ક્યાં હતા? ચાંદ તો દિવસ દરમિયાન દેખાતા જ નહોતા!
પૃથ્વીબહેને વાદળબહેનને પૂછયું, 'વાદળબહેન, મારા ચાંદભાઈ ક્યાં છે?'
વાદળબહેન હસીને બોલ્યાં, 'એ તો દિવસ દરમિયાન ઊંઘે છે! રાત્રે જ આવશે.'
'અરે! પણ રાખડી તો આજે જ બાંધવાની છે!' પૃથ્વીબહેન ચિંતિત થયાં. તેમણે નક્કી કર્યું કે આજે પોતે જ ચાંદભાઈ
પાસે જશે.
પૃથ્વીબહેને પોતાની આસપાસ ફરતા પવનભાઈને કહ્યું, 'પવનભાઈ, મને ચાંદભાઈ સુધી લઈ જશો?'
પવનભાઈ બોલ્યા, 'બેસી જાઓ મારી પીઠ પર!'
પવન વેગથી દોડયો. પૃથ્વીબહેન ઉપર, ઉપર અને ઉપર જવા લાગ્યાં. સૌપ્રથમ તેઓ વાદળોના રાજ્યમાં પહોચ્યાં.
'વાદળબહેન, રસ્તો આપો!'
વાદળોએ મસ્તીથી રસ્તો કરી આપ્યો. આગળ તારાઓની ટોળકી મળી.
એક નાનકડો તારો બોલ્યો, 'પૃથ્વીબહેન, તમે ક્યાં જાઓ છો?'
'મારા ચાંદભાઈને રાખડી બાંધવા!'
તારો ખુશ થઈને બોલ્યો, 'અમે પણ તમારી સાથે આવીએ?'
'હા, હા! તમે તો મને બહુ વહાલા છો!'
તારાઓની ટોળકી પૃથ્વીબહેન સાથે આગળ ચાલી. થોડે દૂર એક મોટો કાળો વાદળનો ગોળો આવ્યો. રસ્તો બંધ!
પૃથ્વીબહેન બોલ્યાં, 'હવે શું કરવું?'
ત્યારે પવનભાઈએ જોરથી ફૂંક મારી - ફૂસસસ… વાદળ ગોળ થઈને એક તરફ ખસી ગયું અને સામે દેખાયો ચમકતો ચાંદ!
ચાંદભાઈ આરામથી ઝૂલામાં ઝૂલી રહ્યા હતા. પૃથ્વીબહેનને જોઈને તેઓ ચોંકી ગયા, 'અરે! પૃથ્વીબહેન! તમે અહીં?'
પૃથ્વીબહેન હસીને બોલ્યાં, 'આજે રક્ષાબંધન છે ને! હું તમને રાખડી બાંધવા આવી છું.'
ચાંદભાઈની આંખોમાં ખુશીની ચમક આવી, 'મારી બહેન મને રાખડી બાંધવા આટલે દૂર આવી?'
'ભાઈ માટે તો આટલું શું, આખું આકાશ પણ પાર કરી જાઉં!'
પૃથ્વીબહેને ચાંદભાઈને કંકુ કર્યું, ચોખા ચોંટાડયા અને પ્રેમથી રાખડી બાંધી.
ચાંદભાઈએ પણ બહેનને એક સુંદર ભેટ આપી.
'આ શું છે?' પૃથ્વીબહેને પૂછયું.
ચાંદભાઈ બોલ્યા, 'આ ચાંદનીની ભેટ છે. જ્યારે પણ તું થાકી જાય, ત્યારે મારી ચાંદની તને શીતળતા આપશે.'
પૃથ્વીબહેન ખુશ થઈ ગયાં. પણ ત્યાં જ એક નાનકડો તારો બોલ્યો, 'ચાંદભાઈ, મને પણ રાખડી જોઈએ!'
બીજો તારો બોલ્યો, 'મને પણ!'
ત્રીજો બોલ્યો, 'મારે પણ!'
થોડી જ વારમાં બધા તારાઓ ચાંદની આસપાસ ભેગા થઈ ગયા.
ચાંદભાઈ હસ્યા, 'અરે ભાઈ! આજે તો મારી બહેન એક જ રાખડી લાવી છે!'
પૃથ્વીબહેન બોલ્યાં, 'રાખડી તો એક છે, પણ પ્રેમ બધાં માટે છે.' એટલું કહી તેણે થાળીમાં રહેલા રંગીન દોરામાંથી નાના-નાના ટુકડા કર્યા અને દરેક તારાને પ્રેમનો એક નાનો દોરો બાંધી દીધો.
આકાશમાં આનંદ છવાઈ ગયો. તારાઓ ટમટમ કરવા લાગ્યા, પવનભાઈ ગીત ગાવા લાગ્યા અને વાદળબહેન ઢોલ વગાડવા લાગ્યાં. ચાંદભાઈ તો એટલા ખુશ થયા કે આખી રાત આકાશમાં વધુ ને વધુ ચમકતા રહ્યા.
પૃથ્વીબહેન પાછાં જવા લાગ્યાં ત્યારે ચાંદભાઈએ પૂછયું, 'બહેન, તું મને દર વર્ષે રાખડી બાંધવા આવીશ ને?'
પૃથ્વીબહેન હસીને બોલ્યાં, 'જ્યાં સુધી તું આકાશમાં ચમકતો રહીશ, ત્યાં સુધી હું તારી રાહ જોતી રહીશ.'
ચાંદભાઈ બોલ્યા, 'અને જ્યાં સુધી તું ધરતી પર હરિયાળી ફેલાવતી રહીશ, ત્યાં સુધી હું તારા પર ચાંદની વરસાવતો રહીશ.'
બંનેએ એકબીજાને હાથ હલાવ્યો. પૃથ્વીબહેન પવનભાઈની સાથે પાછી ધરતી પર આવ્યાં.
તે રાત્રે બાળકો જ્યારે આકાશમાં ચમકતો ચાંદ જોઈ રહ્યા હતા, ત્યારે તેમને લાગ્યું કે ચાંદ આજે કંઈક વધારે જ ખુશ છે.
એક બાળકે આકાશ તરફ જોઈને કહ્યું, 'મમ્મી! આજે ચાંદામામાને કોણે રાખડી બાંધી હશે?'
મમ્મી હસીને બોલી, 'એ તો પૃથ્વીબહેન જ જાણે!'
…અને ચાંદભાઈ આકાશમાંથી મીઠું હસ્યા - ટમટમ… ટમટમ…