Zagmag

કાગળની હોડી

By GS Team
8 Aug 20262 mins read
કાગળની હોડી
  • 'કાબરબેન, સસલાભાઈ… એમાં શું ઉદાસ થાઓ છો? પહેલી વારમાં હોડી ન બની તો ફરીથી પ્રયત્ન કરવાનો. આમ ઉદાસ થઈને બેસી ન જવાય! લાવો,ફરીથી અમે તમને શીખવાડીએ.'
  • મેહુલ સુતરિયા

જંગલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. ચારેબાજુ પાણી જ પાણી થઈ ગયું હતું. મોરના ટેહૂંક…ટેહૂંક… અવાજથી જંગલ ગૂંજી ઊઠયું. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આવા વરસાદમાં બતકબેનને રમવા જવાની ખૂબ ઈચ્છા થઈ.
બતકબેનના મમ્મી કહે, 'ચાલુ વરસાદમાં બહાર ના જવાય, પલળશો તો બીમાર પડી જશો.'
એટલામાં તો બતકબેનનાં મિત્રો પોપટભાઈ, કાબરબેન, કોયલબેન, સસલાભાઈ બધાં બતકબેનને વરસાદમાં રમવા બોલાવવા આવ્યાં.
હવે તો બતકબેન કોઈનું માને? તેઓ તો ફટ દઈને તેમના મિત્રો સાથે રમવા ને વરસાદમાં નહાવા નીકળી પડયાં.
વરસાદ પડવાથી જંગલના રસ્તા પરથી જાણે નદીઓ વહેવા લાગી.
બતકબેન બોલ્યાં, 'ચાલો, આજે આપણે કાગળની હોડી બનાવીને પાણીમાં તરતી મૂકીએ, બહુ મજા આવશે!'
પોપટભાઈ, કાબરબેન, કોયલબેનને સસલાભાઈ એકસાથે બોલી ઉઠયા, 'પણ અમને તો કાગળમાંથી હોડી બનાવતાં નથી આવડતું.' બતકબેન બોલ્યાં, ' અરે, એમાં શું મોટી વાત છે! ચાલો, હું તમને બધાંને એક કાગળ આપું છું. હું કાગળમાંથી હોડી કેવીરીતે બનાવું છું, તે બરાબર જોજો.. હોં!'
બતકબેન તો કાગળમાંથી હોડી બનાવવા લાગ્યાં. બતકબેન જેમ કાગળને વાળે તે પ્રમાણે પોપટભાઈ, કાબરબેન, કોયલબેનને સસલાભાઈ કરવા લાગ્યાં.
પોપટભાઈ અને કોયલબેન તો સરસ હોડી બનાવી દીધી, પણ કાબરબેન અને સસલાભાઈથી હોડી બરાબર ન બની.
કાબરબેન અને સસલાભાઈ તો ઉદાસ થઈ ગયાં.
તેમને ઉદાસ જોઈને બતકબેન, પોપટભાઈ અને કોયલબેન બોલ્યાં, 'કાબરબેન, સસલાભાઈ… એમાં શું ઉદાસ થાઓ છો?પહેલીવારમાં હોડી ન બની તો ફરીથી પ્રયત્ન કરવાનો. આમ ઉદાસ થઈને બેસી ન જવાય! લાવો, ફરીથી અમે તમને શીખવાડીએ.'
થોડી મથામણ પછી કાબરબેન અને સસલાભાઈથી પણ સરસ હોડી બની ગઈ. તેઓ બંને આનંદથી ઝૂમી ઉઠયાં.
તેમને ઝૂમતાં જોઈને બતકબેન, પોપટભાઈ અને કોયલબેન પણ ખુશ થઈ ગયાં.
બધાએ પોતે બનાવેલી હોડી પાણીમાં વહેતી મૂકી. પાણીમાં હોડીને તરતી જોઈને બધાં હરખાઈને ગાવા લાગ્યાં-
'હોડી અમારી સરરર.. જાય,
કોઇથી એ તો ના રોકાય,
પાણીમાં એ તો તરતી જાય,
અમને સૌને હરખાવતી જાય..!'