Zagmag

આપણા સ્વાતંત્ર્ય નાયકો : વિષ્ણુશરણ દુબલિશ

By GS Team
30 Oct 20262 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો : વિષ્ણુશરણ દુબલિશ
  • વિષ્ણુશરણે કબૂલાત કરી કે હા, પોતે બીડી પીએ છે. જેલરે સાફ સાફ કહી દીધું કે અહીં બીડી પીવાની મનાઈ છે. તમારે બીડી પીવી હોય તો આંદામાનની જેલમાં જાવ, ત્યાં બીડી પીવાની મનાઈ નથી. જવાબમાં વિષ્ણુશરણે સંભળાવ્યું, એવું હશે તો હું આંદામાન જઈશ.

પ્રજાતંત્ર સંઘ વિષ્ણુશરણ દુબલિશ હઠીલા સ્વભાવના ક્રાંતિકારી હતા. બીડી ન છોડવા માટે તેમણે નૈની જેલમાંથી આંદામનની જેલમાં જવાની સજા સ્વીકારી લીધેલી. ઉત્તરપ્રદેશના મેરઠના તેઓ વતની. ગાંધીજીની હાકલ સાંભળીને અસહકારના આંદોલનમાં કૂદી પડેલા. એક સરઘસનું નેતૃત્વ કરવા બદલ તેમને દોઢ વર્ષ માટે જેલમાં પૂરવામાં આવેલા. આ જેલમાં ક્રાંતિકારી શચીન્દ્રનાથ સાન્યાલ પણ સજા ભોગવી રહ્યા હતા. પરસ્પર સંપર્ક વધતાં બંને મિત્રો બની ગયા. જેલમાંથી છૂટયા પછી વિષ્ણુશરણ શચીન્દ્રનાથ દ્વારા સ્થાપવામાં આવેલા હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘનાં સભ્ય બની ગયા.
રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વ હેઠળ મેરઠમાં સરકારી ટપાલકચેરી પર ધાડ પાડવામાં આવી તો વિષ્ણુશરણ તેમાં અગ્રેસર રહ્યા. કાકોરી રેલધાડમાં તેમને સામેલ કરવામાં નહોતા આવ્યા. છતાં હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના સભ્ય હોવાને કારણે તેમને દસ વર્ષની કારાવાસની સજા સંભળાવી નૈનીની જેલમાં ધકેલી દેવામાં આવ્યા. વિષ્ણુશરણને બીડી પીવાનું વ્યસન હતું. નૈની જેલમાં કેદીઓને બીડી પીવાની ચુસ્ત મનાઈ હતી. પરંતુ વિષ્ણુશરણ ચોરીછૂપીથી બીડી પી લેતા. એકવાર ગવર્નર સાહેબની જેલની મુલાકાત દરમિયાન વિષ્ણુશરણની કોટડીમાંથી બીડીનાં ઠૂંઠાં મળી આવ્યાં. જેલરે પૂછતાછ કરી તો વિષ્ણુશરણે કબૂલાત કરી કે હા, પોતે બીડી પીએ છે. જેલરે સાફ સાફ કહી દીધું કે અહીં બીડી પીવાની મનાઈ છે. તમારે બીડી પીવી હોય તો આંદામાનની જેલમાં જાવ, ત્યાં બીડી પીવાની મનાઈ નથી. જવાબમાં વિષ્ણુશરણે સંભળાવ્યું, એવું હશે તો હું આંદામાન જઈશ. બાકી બીડી તો મારાથી નહિ છૂટે.
બસ આટલા કારણસર વિષ્ણુશરણને નૈનીજેલમાંથી આંદામાનની જેલમાં મોકલી આપવામાં આવ્યા. એ વખતે આંદામાનની જેલ પૃથ્વી પરનાં નરક તરીકે ઓળખાતી. પરંતુ આ ક્રાંતિકારીએ એક મામૂલી વ્યસન ખાતર એ સજાને સામેથી વહોરી લીધી. આ અગાઉ તેમને જેલમાં તોફાન કરાવવા બદલ આંદામાનની જેલમાં મોકલી આપવાની સજા થયેલી. જે પાછળથી માફ થયેલી. પરંતુ આ વખતે તો તેમને કાળાપાણીની સજા થઈ જ રહી. ૧૯૩૭માં તેઓ જેલમાંથી છૂટયા. પછીથી કોંગ્રેસમાં સક્રિય બન્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમને નજરકેદ કરવામાં આવ્યા. યુદ્ધ પૂરું થયા પછી જ છોડવામાં આવ્યા. દેશ આઝાદ થતાં તેઓ કોંગ્રેસ વતી મેરઠમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા. પછીથી કોંગ્રેસ સાથે મતભેદ થયા. એમને વાંધો એ વાતનો હતો કે કોંગ્રેસ પક્ષ ક્રાંતિકારીઓ આદર્શ પર કેમ નથી ચાલતો?

  • જિતેન્દ્ર પટેલ