આપણા સ્વાતંત્ર્ય નાયકો : વારીન્દ્રનાથ ઘોષ

- અંગ્રેજો સાથે શિવાજીની માફક ગેરીલા યુદ્ધ કરવું જોઈએ એવા વિચારો વારીન્દ્રના મનમાં સતત આવતા રહ્યાં. આ વિચારે એ વડોદરા છોડી બંગાળ આવ્યા. પૂરા બંગાળનું એમણે ભ્રમણ કર્યું. આ અરસામાં જ લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડયા.
વારીન્દ્રનાથ ઘોષ અરવિંદ ઘોષના નાનાભાઈ થતા હતા. એમનાં પિતા પાશ્ચાત્ય કેળવણીના પ્રખર હિમાયતી હતા. ઈંગ્લેન્ડનું તો એમને એવું ઘેલું લાગેલું કે બાળકને ઈંગ્લેન્ડનું નાગરિકત્વ અપાવવા એના જન્મ પહેલાં પોતે પત્નીને ઈંગ્લેન્ડ મોકલી આપેલાં. આમ વારીન્દ્રનો જન્મ ઈંગ્લેન્ડમાં થયેલો. માત્ર જનમે જ નહિ, વિચાર, વ્યવહાર, આહાર, શિક્ષણ જેવી તમામ બાબતે વારીન્દ્ર પર અંગ્રેજી સંસ્કૃતિની ભારોભાર અસર હતી. વારીન્દ્રના જીવનમાં પશ્ચિમ તરફથી પૂર્વ તરફનો વળાંક એમના મોટા ભાઈ અરવિંદને કારણે આવ્યો. અરવિંદ ઈંગ્લેન્ડ છોડી સ્વદેશ આવ્યા તો એમની સાથે વારીન્દ્ર પણ આવ્યા. અરવિંદ વડોદરાની કોલેજમાં પ્રિન્સિપાલ બન્યા. વારીન્દ્રે ત્યાં રહીને સંગીતની સાધના કરી. ઈતિહાસનો પણ ગહન અભ્યાસ કર્યો. જેમ જેમ ઈતિહાસ વાંચતા ગયા તેમ તેમ એમના મનમાં અંગ્રેજો પ્રત્યે ધૃણા પેદા થતી ગઈ. શિવાજીના ચરિત્રથી તો એ ખૂબ પ્રભાવિત થયા. આપણે પણ અંગ્રેજો સાથે શિવાજીની માફક ગેરીલા યુદ્ધ કરવું જોઈએ એવા વિચારો એમના મનમાં સતત આવતા રહ્યાં. આ વિચારે જ એ વડોદરા છોડી બંગાળ આવ્યા. પૂરા બંગાળનું એમણે ભ્રમણ કર્યું. આ અરસામાં જ લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડયા. અંગ્રેજ સરકારની આ ભાગલાવાદી નીતિ સામે બંગાળની પ્રજામાં રોષની જ્વાળા ફાટી નીકળી હતી. આ પરિસ્થિતિનો લાભ લઈ વારીન્દ્ર બંગાળના તમામ ક્રાંતિકારીઓને એક મંચ પર ભેગા કર્યા. સંગઠનને અનુશીલન સમિતિ એવું નામ આપ્યું. વારીન્દ્રે 'યુગાંતર' નામનું એક માસિક પણ શરૂ કર્યું. આ સિવાય એક આશ્રમ પણ ચાલુ કર્યો. આ આશ્રમ વાસ્તવમાં બોમ્બ બનાવવાનું કારખાનું હતું. બોમ્બ દ્વારા તેઓ કોલકત્તાનાં જિલ્લા જજ કિંગ્સ ફોર્ડને નિશાન બનાવવા માગતા હતા. કિંગ્સ ફોર્ડ બંગાળમાં ક્રાંતિકારીઓને કઠોર દંડ દેવા માટે પંકાયેલો હતો. પરંતુ આ કિંગ્સ કોર્ડને ઠાર કરવામાં ક્રાંતિકારીઓ સફળ ન રહ્યા. ગફલતથી તેમના દ્વારા કિંગ્સ ફોર્ડને બદલે બે અંગ્રેજ મહિલા પર બોમ્બ ફેંકાઈ ગયો. આ હત્યાકાંડને પગલે આખા બંગાળમાં સનસનાટી મચી ગઈ. સરકારે અનુશીલન સમિતિના ક્રાંતિકારીઓને વીણીવીણીને જેલમાં ભેગા કરવા માંડયા. અલીપુર બોમ્બ કેસ નામથી એક અભિયોગ ચલાવવામાં આવ્યો. જેમાં વારીન્દ્રને આજીવન કારાવાસની સજા સંભળાવી આંદામાનની જેલમાં મોકલી આપવામાં આવ્યા. આંદામાનની જેલમાં વારીન્દ્ર હસતા મોઢે યાતના સહન કરી. પ્રથમ વિશ્વ યુદ્ધ પછી વારીન્દ્રને જેલમુક્ત કરવામાં આવ્યા. ત્યાર પછી તેઓ પણ અરવિંદની માફક પોંડીચેરી આશ્રમમાં જતા રહ્યા. જ્યાં તેમણે પ્રસિદ્ધ પુસ્તક મારી નિર્વાસન કહાની લખ્યું.
- જિતેન્દ્ર પટેલ




