Zagmag

આપણા સ્વાતંત્ર્ય નાયકો

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
વાંચી અય્યરે 17 જૂન, 1911ના રોજ ટિન્નેવેલીના ક્રૂર કલેક્ટર રોબર્ટ વિલિયમ એશની માંચી સ્ટેશન પર હત્યા કરી હતી. જ્યોર્જ પંચમની તાજપોશી પહેલાં અંગ્રેજ અધિકારીને ઝાટકો આપવા પોંડિચેરીમાં ક્રાંતિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. એશની હત્યા બાદ વાંચી અય્યરે પોતાને ગોળી મારી શહીદી વહોરી લીધી.

Summarized by AI; it may make mistakes. Check important info

આપણા સ્વાતંત્ર્ય નાયકો

વાંચી અય્યર
દક્ષિણ ભારતમાંથી જે ગણ્યા-ગાંઠયા ક્રાંતિકારીઓ આવેલા તેમાંના એક તે વાંચી અય્યર. અભ્યાસ માટે લંડન ગયેલા. ત્યાં વીર સાવરકરના સંપર્કમાં આવતાં અભિનવ ભારતના સભ્ય બનેલા. સ્વદેશ પાછા ફર્યા પછી દક્ષિણ ભારતમાં ભારતમાતા સંઘના નામથી એક સંગઠન ઊભું કરી ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપતા હતા.
આ સમયગાળામાં ઈંગ્લેન્ડનો સમ્રાટ જ્યોર્જ પંચમ પોતાની તાજપોશી કરાવવા ભારત આવી રહ્યો હતો. તેનું સ્વાગત કઈ રીતે કરવું એ નક્કી કરવા પોંડિચેરીમાં ક્રાંતિકારીઓની બેઠક મળી. કોઈ અંગ્રેજ અધિકારીની હત્યા કરી જ્યોર્જ પંચમને આવતાંની સાથે ઝાટકો આપવો એવો નિર્ણય લેવાયો. હત્યા માટે ટિંન્નેવેલીનાં ક્રૂર કલેક્ટર રોબર્ટ વિલિયમ એશની પસંગી કરવામાં આવી. તે સ્વદેશી આંદોલન નિર્મમતાપૂર્વક કચડી રહ્યો હતો. કેટલાય ક્રાંતિકારીઓને તેણે કઠોર સજા કરી હતી. સૌ પ્રથમ તો કલેક્ટર એશને લેખિત ચેતવણી આપવામાં આવી. 'ભારતમાતા સંઘનાં અમે સૌ સભ્યો આપને ચેતવણી આપીએ છીએ કે આપ ક્રાંતિકારીઓ પ્રત્યેની દમનની નીતિ તજી દો નહિતર અમે તમારા ધડથી માથાને અલગ કરીને ટુકડે ટુકડા કરી નાખીશું.'
આ પત્રથી અંગ્રેજ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો. એશે પોતાની આસપાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો. ધમકીભર્યા પત્રની તપાસ ઈન્સ્પેક્ટર જનરલને સોંપવામાં આવી. તોયે ક્રાંતિકારીઓ સહેજે ગભરાયા નહિ. વંદેમાતરમ્ શીર્ષકથી એક પત્રિકા છપાવી ઠેર ઠેર વહેંચવામાં આવી. જેમાં અંગ્રેજશાસનને જડમૂળથી ઉખેડી નાંખવાની યુવાનોને હાકલ કરવામાં આવી હતી. આવા જોશીલા વાતાવરણમાં જ વાંચી પોતાના શિકારને પકડી પાડયો.
૧૭ જૂન, ૧૯૧૧નાં બપોરનાં બે વાગ્યાનો સમય હતો. એશ પોતાની પત્ની સાથે ટિન્નેવેલીથી આવતી ગાડીમાં માંચી સ્ટેશને ઊતર્યો. ત્યાંથી એણે ટયૂટીકોરિન જવા બીજી ગાડી પકડવાની હતી. તેની સાથે એક નોકર પણ હતો. પોતાની ગાડીની રાહ જોતો પ્લેટફોર્મ પર પડેલી એક ખાલી ગાડીના પ્રથમ વર્ગમાં બેસી ગયો. બાજુમાં તેની પત્ની બેઠી. નોકર તેમનો સામાન ટયૂટીકોરિન જવા ગાડી જે પ્લેટફોર્મ પર આવવાની હતી ત્યાં ગોઠવવામાં પડયો. એશની પત્નીનું ધ્યાન આ નોકર પર હતું. એશ ત્યારે એકચિત્તે પેપર વાંચી રહ્યો હતો. આ સમયે વાંચી અય્યરે સ્ફૂર્તિથી એશ જે ડબામાં બેઠો હતો તે ડબામાં ચડીને તેની છાતીમાં ધડાધડ બે ગોળી ધરબી દીધી. એશ ત્યાં જ ઢળી પડયો. તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યો તોયે બચ્યો નહિ. ગોળીનો અવાજ સાંભળીને પોલીસ ત્યાં દોડી આવી. વાંચી અય્યર રેલવેના વિશ્રામગૃહમાં ભરાઈ ગયા. પરંતુ પોલીસે ત્યાં એમને ઘેરી લીધા. પોલીસને હાથે મરવા કરતાં એમણે પોતાના હાથે જ ગોળી ખાઈને મોત વ્હાલું કર્યું.

  • જિતેન્દ્ર પટેલ