Zagmag

વાંદરાભાઈની ટોળી

By GS Team
7 Aug 20263 mins read
વાંદરાભાઈની ટોળી
  • મોનુ વાંદરાને અચાનક શિયાળના હસવાનો અવાજ સંભળાયો. મોનુભાઈ અવાજ તરફ આગળ વધ્યા. સામેનું દૃશ્ય જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ!
  • પ્રજ્ઞા કેયૂર પુરોહિત 'શિવપ્રિયા'

એક હતું વિશાળ જંગલ. જંગલમાં બધાં પ્રાણીઓ સંપીને રહેતાં હતાં. કોઈને પણ જ્યારે મુશ્કેલી આવે, ત્યારે વાંદરાભાઈની ટોળીને યાદ કરતાં. વાંદરાભાઈની ટોળી બધાની મુશ્કેલી ચપટી વગાડતાં જ દૂર કરી દેતી. જંગલમાં દૂર-દૂર સુધી વાંદરાભાઈની ટોળીની ચર્ચા થતી. જંગલના રાજા સિંહ પણ સમસ્યાના ઉકેલ માટે આ ટોળીને જ બોલાવતા અને તેમના પર ખૂબ ભરોસો રાખતા. બધાં એક જ ગીત ગાતાં-
'વાંદરાભાઈની ટોળી,
જંગલમાં સૌથી ન્યારી!
હોય જ્યારે મુશ્કેલી,
આવે દોડી-દોડી.'
વાંદરાભાઈની ટોળીમાં પાંચ વાંદરાઓ હતા - સોનુ, મોનુ, ટોનુ, ચંપુ અને ટોળીનો મુખ્ય જગ્ગુ. આ પાંચેય વાંદરાઓ ખૂબ ચપળ અને હોશિયાર હતા. તેઓ જંગલના ખૂણે-ખૂણાથી વાકેફ હતા. જંગલનું રક્ષણ કરવું એ જ તેમનું મુખ્ય કામ હતું.
એક વખત જંગલમાં ઘણા દિવસો સુધી મુશળધાર વરસાદ વરસ્યો. બધાં પ્રાણીઓ ખૂબ મૂંઝાઈ ગયાં. બધાંનું ભોજન પણ ખૂટી ગયું હતું. વાંદરાભાઈની ટોળી સતત બધાની મદદે હતી. રાજા સિંહ સાથે મળીને તેમણે બધાં પ્રાણીઓને પૂરતી મદદ કરી અને ભોજન પહોંચાડયું.
વાંદરાભાઈની ટોળી એક રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ઝાડ નીચે બેઠેલાં સસલીબેન મળ્યાં. સસલીબેનનો રડવાનો અવાજ સાંભળી વાંદરાભાઈએ તેમની સમસ્યા પૂછી.
સસલીબેન રડતાં-રડતાં બોલ્યાં, 'આ ભારે વરસાદમાં અમારું ઘર ધોવાઈ ગયું અને મારાં બે બચ્ચાં ક્યાંય મળતાં નથી. પાણી સાથે ક્યાં વહી ગયાં હશે, તેનો કોઈ પત્તો નથી. અમે તેમને બે દિવસથી શોધી રહ્યા છીએ.'
આ સાંભળીને વાંદરાભાઈની ટોળી તાત્કાલિક બચ્ચાંની શોધમાં દોડી. ટોળીના પાંચેય વાંદરાઓ અલગ-અલગ દિશામાં નીકળી ગયા. મોનુ વાંદરાને અચાનક શિયાળના હસવાનો અવાજ સંભળાયો. મોનુભાઈ અવાજ તરફ આગળ વધ્યા. સામેનું દૃશ્ય જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ! શિયાળે સસલાના એક બચ્ચાને પકડી રાખ્યું હતું અને તેના ઘરે લઈ જવાની તૈયારી કરતું હતું. તેની પાસે માત્ર એક જ બચ્ચું હતું. મોનુભાઈને ખૂબ ચિંતા થવા લાગી કે બીજું બચ્ચું નહીં મળે તો સસલીબેનને શું કહીશું?
મોનુ વાંદરો હંમેશાં પોતાની પાસે એક દોરડું રાખતો. તેણે ઝડપથી શિયાળ તરફ દોરડું ફેંકીને તેને બાંધી દીધો. શિયાળ છટપટવા લાગ્યો. તે દોરી ખોલી શકે, તે પહેલાં જ મોનુ વાંદરાએ સસલાના બચ્ચાને બચાવી લીધું અને પોતાની સાથે લઈ ગયો.
બીજી તરફ જગ્ગુ વાંદરાને પણ એક ઝાડ નીચે દબાયેલું સસલાનું બીજું બચ્ચું મળી ગયું. જગ્ગુ વાંદરો પણ સસલાનું એક જ બચ્ચું જોઈને મૂંઝવણમાં પડી ગયો અને બીજા બચ્ચાની ચિંતા થવા લાગી. તે એક બચ્ચાને લઈને સસલીબેન પાસે આવ્યો. ત્યાં મોનુ વાંદરો પણ બીજું બચ્ચું લઈને આવી ગયો! બંને બચ્ચાંને સલામત જોઈ પાંચેય વાંદરાઓએ રાહતનો શ્વાસ લીધો. સસલીબેન પણ પોતાનાં બંને બચ્ચાંને જોઈ હરખાઈ ગયાં અને વાંદરાભાઈની ટોળીનો આભાર માની ગાવા લાગ્યાં-
'વાંદરાભાઈની ટોળી,
સંકટમાં આવે દોડી.
સહુને લાગે વ્હાલી,
આફતને ટાળી દે નિરાળી.'
વાંદરાભાઈની ટોળીએ શિયાળને પકડીને રાજા સિંહ સમક્ષ હાજર કર્યાે. રાજા સિંહે શિયાળને તેના ખરાબ વર્તન માટે એક અઠવાડિયા સુધી ભૂખ્યા રહેવાની સજા આપી. સંકટના સમયમાં સૌની નિ:સ્વાર્થ સેવા કરવા બદલ રાજા સિંહે વાંદરાભાઈની ટોળીનું ભવ્ય સન્માન કર્યું. જંગલનાં તમામ પ્રાણીઓ આનંદિત થઈ ગયાં અને સૌએ એકસાથે ગાયું-
'વાંદરાભાઈની ટોળી,
જંગલમાં સૌથી ન્યારી!
હોય જ્યારે મુશ્કેલી,
આવે દોડી-દોડી.'