મોબાઈલનો ચસ્કો

- બીજા જ બોલ પર મોન્ટુ ક્લીન બોલ્ડ થઈ ગયો-શૂન્ય રને આઉટ! આખું મેદાન સ્તબ્ધ થઈ ગયું અને પછી લોકો હસવા લાગ્યા. ત્યાર બાદ બોલિંગમાં પણ તેનો પનો ટૂંકો પડયો. બેઠાડુ જીવનને કારણે એક ઓવર ફેંકતાં ફેંકતાં તો તે હાંફી ગયો.
- પૂજા સોની
એક ગામમાં ચિન્ટુ અને મોન્ટુ નામના બે પાકા મિત્રો રહેતા હતા. બંને એક જ સ્કૂલમાં અને એક જ વર્ગમાં સાથે ભણતા.
ચિન્ટુ ખૂબ હોશિયાર હતો. ભણવામાં હંમેશાં પહેલો નંબર લાવે અને શાળાની દરેક પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહે. જ્યારે મોન્ટુ ભણવામાં સાધારણ હતો, પણ ક્રિકેટનો બાદશાહ! એની ઘાતક બોલિંગ સામે સારા સારા બેટ્સમેનો ટકી ન શકતા. સ્કૂલની લગભગ દરેક ક્રિકેટ મેચમાં તે 'મેન ઓફ ધ મેચ' બનતો.
એક વખત આંતરશાળા ક્રિકેટ સ્પર્ધામાં મોન્ટુએ પોતાની સ્કૂલને શાનદાર વિજય અપાવ્યો અને ચેમ્પિયન ટ્રોફી જીતી લાવ્યો. ઘેર આવીને તેણે મમ્મી આગળ હઠ પકડી, 'મમ્મી જો, હું મોટી ટ્રોફી જીતીને લાવ્યો છું! હવે મને સ્માર્ટફોન લઈ જ આપવો પડશે. મારા બધા દોસ્તો પાસે ફોન છે, માત્ર મારી પાસે જ નથી. જો ફોન નહીં લાવી આપો તો હું સ્કૂલે નહીં જાઉં!'
મમ્મીએ શાંતિથી સમજાવ્યો, 'બેટા, તું હજુ નાનો છે, ફોનની જરૂર નથી.'
પણ મોન્ટુ એકનો બે ન થયો. આખરે મમ્મીએ વિવશ થઈને ફોન અપાવ્યો અને તાકીદ કરી, 'બેટા, ફોન દિવસમાં માત્ર એક જ કલાક વાપરવાનો અને અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવાનું!'
મોન્ટુએ તે વખતે તો ઉત્સાહમાં હા પાડી દીધી, પરંતુ હાથમાં સ્માર્ટફોન આવ્યા પછી મોન્ટુ પર જાણે મોબાઇલનું ભૂત સવાર થઈ ગયું! સવાર-સાંજ વિડીયો ગેમ્સ, યૂટયૂબ અને રીલ્સ જોવામાં જ સમય વેડફવા લાગ્યો. ન તો લેસન કરતો કે ન મેદાન પર ક્રિકેટની પ્રેક્ટિસ કરવા જતો. મમ્મી સાદ પાડીને કહે, 'મોન્ટુ, હવે ફોન મૂકી દે!' તો સામેથી એક જ રટણ ચાલતું, 'બસ બે જ મિનિટ, મમ્મી!'
ચિન્ટુ રોજ તેને બોલાવવા આવતો, 'ચાલ મોન્ટુ, મેદાનમાં પ્રેક્ટિસ કરવા જઈએ, બધા તારી રાહ જુએ છે.' પણ મોન્ટુ ઉડાઉ જવાબ આપતો, 'તું જા, હું ઓનલાઇન વીડિયો ગેમમાં સદી ફટકારી રહ્યો છું. અસલી ક્રિકેટ તો આ છે!'
ધીમે ધીમે બેઠાડુ જીવનથી મોન્ટુનું વજન વધવા લાગ્યું, આંખો નબળી પડી અને અભ્યાસમાં તો તેનો છેલ્લો નંબર આવવા માંડયો.
એવામાં સ્કૂલમાં મહત્ત્વની જાહેરાત થઈ- આ વખતે જિલ્લા કક્ષાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ આપણી શાળાના મેદાન પર રમાવાની હતી. જિલ્લા કલેક્ટર પોતે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના હતા અને વિજેતા ટીમને રૂપિયા ૫૧,૦૦૦નું રોકડ ઇનામ તથા ભવ્ય ટ્રોફી મળવાની હતી.
બધા વિદ્યાર્થીઓ રોમાંચિત થઈ ગયા. ચિન્ટુ અને મોન્ટુ બંનેએ ટીમમાં નામ નોંધાવ્યાં.
ચિન્ટુ રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને દોડવા જતો, આકરી પ્રેક્ટિસ કરતો અને સાંજે નિયમિત અભ્યાસ કરતો. જ્યારે મોન્ટુ? આખી રાત પલંગમાં પડી રહીને ગેમ્સ રમતો અને સવારે છેક મોડેથી ઊઠતો.
આખરે ટુર્નામેન્ટનો ફાઈનલ દિવસ આવી પહોંચ્યો. મેદાન પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલું હતું. મોન્ટુની ટીમનો દાવ આવ્યો. બધા દર્શકોને આશા હતી કે આજે મોન્ટુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવશે.
મોન્ટુ ક્રીઝ પર બેટિંગ કરવા ગયો. પહેલો બોલ ફેંકાયો, પણ મોન્ટુનું ધ્યાન રમતમાં ક્યાં હતું? એનું ધ્યાન તો પેન્ટના ખિસ્સામાં વારંવાર વાઇબ્રેટ થતા ફોન પર હતું, જેમાં ગેમની નોટિફિકેશન્સ આવી રહી હતી!
બીજા જ બોલ પર મોન્ટુ ક્લીન બોલ્ડ થઈ ગયો-શૂન્ય રને આઉટ! આખું મેદાન સ્તબ્ધ થઈ ગયું અને પછી લોકો હસવા લાગ્યા. ત્યાર બાદ બોલિંગમાં પણ તેનો પનો ટૂંકો પડયો. બેઠાડુ જીવનને કારણે એક ઓવર ફેંકતાં ફેંકતાં તો તે હાંફી ગયો.
મોન્ટુની નિષ્ફળતાથી ટીમ સંકટમાં મુકાઈ ગઈ. પરંતુ બીજી તરફ ચિન્ટુએ અદ્ભુત રમત દાખવી. તેણે ધારદાર બોલિંગ અને સંયમિત બેટિંગ વડે પોતાની ટીમને અશક્ય લાગતી જીત અપાવી દીધી!
મુખ્ય મહેમાનના હસ્તે ચિન્ટુને શ્રે ખેલાડીની ટ્રોફી અને મેડલ એનાયત થયાં. આખું ગ્રાઉન્ડ 'ચિન્ટુ… ચિન્ટુ…'ના નારાથી ગુંજી ઊઠયું. મોન્ટુ મેદાનના એક ખૂણામાં ઊભો ઊભો પશ્ચાત્તાપનાં આંસુ સારી રહ્યો હતો.
ઘેર જઈને તેણે નીચું માથું રાખી મમ્મીના હાથમાં ફોન સોંપી દીધો અને રડતાં રડતાં કહ્યું, 'મમ્મી, મને માફ કરી દો. મોબાઈલના રવાડે ચડીને હું મારી વાસ્તવિક પ્રતિભા ભૂલી ગયો હતો. હવે હું ફોનને ત્યાં સુધી હાથ નહીં લગાડું જ્યાં સુધી હું મારી જાત પર નિયંત્રણ રાખતાં ન શીખી જાઉં. હવેથી હું મન લગાવીને ભણીશ અને મેદાન પર પરસેવો પાડીને સાચી રમત રમીશ.' મમ્મીએ વાત્સલ્યપૂર્વક તેને છાતી સરસો ચાંપી લીધો.
બોધઃ સ્ક્રીનની વર્ચ્યુઅલ રમત માત્ર સમયનો વ્યય છે. જીવનની ખરી સફળતા તો વાસ્તવિક મહેનત અને સમર્પણથી જ હાંસલ થાય છે.




