Zagmag

આળસુ પોપટ

By GS Team
7 Aug 20262 mins read
આળસુ પોપટ
  • કિરણબેન પુરોહિત

સુંદરવન જંગલમાં એક ઘટાદાર ઝાડ ઉપર ઘણાં પક્ષીઓ રહેતાં હતાં. તેમાં ખૂબ બધા પોપટ પણ હતા. મીઠુ પોપટ એમાંનો એક.
મીઠુ ખૂબ બોલકણો હતો. તેનો અવાજ ખૂબ મધુર હતો. તે ઝાડ પર બેઠો બેઠો સુંદર ગીતો ગાયા કરતો. બધાં પક્ષીઓને તેનાં ગીતો સાંભળવાં બહુ ગમતાં. મીઠુમાં એક મોટી ખામી હતી કે તે આળસુ બહુ હતો. તેને બહુ મહેનત કરવી ગમતી ન હતી.
ઝાડ ઉપરનાં બધાં પક્ષીઓ સવારે ઊઠીને પોતાનો માળો સાફ કરતાં અને પછી ખોરાકની શોધમાં ઊડી જતાં. મીઠુ આરામથી સૂઈ રહેતો. નિરાંતે ઊઠીને તે ડાળી ઉપર બેસી રહેતો. પોતાનો ખોરાક શોધવા માટે પણ તેને મહેનત કરવી ગમતી ન હતી.
તેના મિત્રો જે ખોરાક લાવતા તેમાંથી વધ્યું-ઘટયું હોય તે ખાઈ લેતો. તેના મિત્રો હંમેશાં સલાહ આપતા કે, 'મીઠુ, આટલી બધી આળસ રાખવી તે સારી વાત નથી.' ચકલી, કાગડાભાઈ, કાબરબેન બધાં મીઠુને બહુ સમજાવતાં, પણ તે કોઈની વાત સાંભળતો નહીં.
ચોમાસું આવતાં બધાં પક્ષીઓ તેમના માળામાં ખોરાક ભેગો કરવા લાગ્યાં. ક્યારેક ચોમાસામાં બહુ વરસાદ આવે તો ખોરાક માટે બહાર જવામાં તકલીફ પડે છે. બધાએ મીઠુને પણ ખોરાક ભેગો કરવાની સલાહ આપી, પણ મીઠુએ કોઈની વાત સાંભળી નહીં.
બે દિવસ ખૂબ વરસાદ આવ્યો. બધાં પક્ષીઓ ઠંડીને લીધે તેમના માળામાં બેસી રહ્યાં. તેમને ખોરાક માટે જવાની જરૂર ન હતી, કેમ કે બધાએ અગાઉથી ખોરાક ભેગો કરીને રાખ્યો હતો. મીઠુને બહુ ભૂખ લાગી. કોઈ માળાની બહાર દેખાતું ન હતું. મીઠુને પોતાની આળસને લીધે ખૂબ પસ્તાવો થયો. મીઠુ વિચારવા લાગ્યો, 'વરસાદ બહુ આવે છે, હું ખોરાક માટે શું કરીશ?'
ભૂખ સહન ન થતાં મીઠુ વરસાદમાં પણ થોડે દૂર આવેલા જામફળના ઝાડ પાસે પહોંચી ગયો. વરસાદને લીધે તેને ખૂબ ઠંડી લાગવા માંડી. જામફળના ઝાડ ઉપર તે થોડાંક જામફળ ખાઈને એક ડાળી ઉપર સૂઈ ગયો. બીજે દિવસે તેની તબિયત બગડી ગઈ. તેના મિત્રો તેને શોધવા લાગ્યા.
થોડા દિવસ પછી તબિયત સારી થતાં મીઠુ પોતાના માળામાં આવ્યો. તેને સમજાઈ ગયું કે આળસ રાખવાથી તે ખૂબ હેરાન થઈ ગયો. મીઠુ આળસ છોડીને મહેનત કરવા લાગ્યો. પોતાનો માળો સાફ રાખવા લાગ્યો અને બધાં સાથે નિયમિત ખોરાક માટે જવા લાગ્યો. હવે મીઠુ બધાં સાથે કામ કરતો અને ખુશ રહેતો.