Zagmag

ગણપતિ બાપ્પાનો ખાલી લાડુ

By GS Team
11 Sep 20264 mins read
ગણપતિ બાપ્પાનો ખાલી લાડુ
  • તે દોડીને પોતાના રૂમમાં ગયો. થોડી વારમાં હાથમાં એક નાનો કાગળ લઈને આવ્યો. કાગળ પર લખેલું હતું- 'ગણપતિ બાપ્પા, બધાને ખુશ રાખજો.' આકાશે કાગળને ખૂબ જ કાળજીથી વાળ્યો અને લાડુની અંદર મૂકી દીધો.
  • …પણ આકાશનું મન માનતું નહોતું. થોડી વારમાં આરતી પૂરી થઈ. બધાને પ્રસાદ મળ્યો. આકાશના હાથમાં પણ લાડુનો એક ટુકડો આવ્યો. તેણે ધીમેથી તેને જોયો. અને અચાનક તેની આંખો પહોળી થઈ ગઈ!

નિલેશ અંતાણી
'મ મ્મી! આ વખતે ગણપતિ બાપ્પા માટે સૌથી મોટો લાડુ હું બનાવીશ!' આકાશે રસોડામાં પગ મૂકતાં જ જાહેરાત કરી.
મમ્મી હસી, 'અરે વાહ! પણ લાડુ બનાવવો એટલો સહેલો નથી હોં!'
'કેમ નહીં? ગોળ, ઘી, લોટ… બધું ભેગું કરવાનું અને પછી ગોળ ગોળ!' આકાશે હાથથી લાડુ જેવો ગોળો બનાવી બતાવ્યો.
બાજુમાં ઊભેલી તેની નાની બહેન મીરા તરત બોલી, 'અને ખાવાનો સૌથી મોટો ભાગ તારો!'
'એ તો… ગણપતિ બાપ્પાનો પ્રસાદ હશે!' આકાશે આંખ મારી.
ગણેશ ચતુર્થીને હવે માત્ર બે દિવસ બાકી હતા. આખી સોસાયટીમાં ઉત્સાહ હતો. ક્યાંક રંગીન કાગળનાં તોરણ બનતાં હતાં, ક્યાંક ગણપતિજી માટે નાનો મંડપ તૈયાર થતો હતો. બાળકો તો સવારથી સાંજ સુધી દોડાદોડ કરતાં.
આકાશની એક ખાસ ઈચ્છા હતી કે આ વખતે ગણપતિ બાપ્પાને કંઈક એવું આપવું જે કોઈએ પહેલાં ન આપ્યું હોય. તેને વિચાર આવ્યો, 'હું બાપ્પાને એક ખાસ લાડુ આપીશ. એવો લાડુ કે એની અંદર સરપ્રાઈઝ હશે!'
મીરા બોલી, 'લાડુની અંદર શું હશે?'
'એ તો સરપ્રાઈઝ છે!'
'પણ મને કહી દે.'
'ના.'
'પછી હું બાપ્પાને કહી દઈશ!'
'તું બહુ ખરાબ બહેન છે!'
બંને હસી પડયાં.
બીજે દિવસે આકાશે મમ્મીની મદદથી લાડુ બનાવવાનું શરૂ કર્યું. ઘી ગરમ થયું. લોટ શેકાયો. સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ. આકાશે એક મોટો લાડુ બનાવ્યો. પછી તેની વચ્ચે નાનો ખાડો પાડયો.
'હવે આમાં હું મારી સરપ્રાઈઝ મૂકીશ.'
તે દોડીને પોતાના રૂમમાં ગયો. થોડી વારમાં હાથમાં એક નાનો કાગળ લઈને આવ્યો. કાગળ પર લખેલું હતું-'ગણપતિ બાપ્પા, બધાને ખુશ રાખજો.'
આકાશે કાગળને ખૂબ જ કાળજીથી વાળ્યો અને લાડુની અંદર મૂકી દીધો.
'હવે લાડુ તૈયાર!'
મીરાએ પૂછયું, 'બાપ્પા આ કાગળ વાંચશે કેવી રીતે?'
આકાશ થોડી વાર વિચારમાં પડયો, 'બાપ્પા ભગવાન છે. તેમને બધું ખબર હોય!'
બીજે દિવસે સોસાયટીમાં ગણપતિજીની સ્થાપના થઈ. ઢોલ વાગ્યા. બાળકો નાચ્યાં. ફૂલોની સુગંધથી આખું વાતાવરણ ખુશનુમા બની ગયું. આકાશે પોતાનો ખાસ લાડુ બાપ્પાની મૂત આગળ મૂક્યો.
પણ ત્યાં જ એક ગરબડ થઈ.
સોસાયટીના મંડપની બહાર રમતાં રમતાં એક નાનો છોકરો પડી ગયો. તેના ઘૂંટણમાં થોડું વાગ્યું. તે રડવા લાગ્યો. બધા લોકો પૂજાની તૈયારીમાં વ્યસ્ત હતા.
આકાશ તરત તેની પાસે દોડી ગયો, 'અરે, રડતો નહીં! આવ, હું તને પાણી આપું.'
તેણે પાણી આપ્યું. મીરા દોડી આવી અને પોતાનો રૂમાલ આપ્યો, 'આ બાંધી દે.'
થોડી વારમાં છોકરો હસવા લાગ્યો.
આકાશ પાછો મંડપમાં આવ્યો. ત્યાં જોયું તો તેનો મોટો લાડુ ગાયબ!
'મારો લાડુ ક્યાં ગયો?' તે ગભરાઈ ગયો.
મંડપમાં બધાને પૂછયું. કોઈને ખબર નહોતી.
આકાશની આંખોમાં આંસુ આવી ગયાં, 'બાપ્પા માટે મેં ખાસ બનાવ્યો હતો…'
એટલામાં સોસાયટીના મનજીકાકા હસતાં હસતાં બોલ્યા, 'આકાશ, તારો લાડુ તો રસોડામાં છે.'
'રસોડામાં?'
'હા. પ્રસાદ વહેંચવાનો હતો એટલે બધા લાડુ ત્યાં મૂક્યા છે.'
આકાશ દોડયો. પણ રસોડામાં જઈને જોયું તો તેના લાડુના ટુકડા થઈ ગયા હતા!
'અરે!' તે દુખી થઈ ગયો, 'હવે તો સરપ્રાઈઝ પણ ગયું!'
મમ્મીએ તેને સમજાવ્યું, 'બેટા, પ્રસાદ વહેંચાય એમાં દુખી થવાનું નહીં.'
પણ આકાશનું મન માનતું નહોતું.
થોડી વારમાં આરતી પૂરી થઈ. બધાને પ્રસાદ મળ્યો. આકાશના હાથમાં પણ લાડુનો એક ટુકડો આવ્યો. તેણે ધીમેથી તેને જોયો. અને અચાનક તેની આંખો પહોળી થઈ ગઈ!
લાડુના ટુકડાની વચ્ચે નાનકડો વળેલો કાગળ દેખાતો હતો!
'મમ્મી! મારો કાગળ!'
કાગળ ખોલ્યો. અંદર લખેલું હતુંથ 'ગણપતિ બાપ્પા, બધાને ખુશ રાખજો.'
આકાશ ખુશ થઈ ગયો. એટલામાં તેની નજર પેલા નાના છોકરા પર પડી. તે હવે બીજાં બાળકો સાથે હસી રહ્યો હતો.
આકાશને કંઈક સમજાયું. તે મમ્મી પાસે દોડયો, 'મમ્મી!'
'શું થયું?'
'મને લાગે છે કે બાપ્પાએ મારો લાડુ ખાઈ લીધો!'
મમ્મી હસી, 'પણ બાપ્પાએ તો તને કંઈક બીજું પણ આપ્યું.'
'શું?'
'જ્યારે તું પેલા છોકરાને મદદ કરવા દોડયો હતો ને, ત્યારે તું પોતે જ બાપ્પાની ખુશી બની ગયો હતો.'
આકાશ થોડી વાર ચૂપ રહ્યો. પછી તે ગણપતિજી સામે ઊભો રહ્યો. હાથ જોડીને બોલ્યો, 'બાપ્પા, હવે પછી હું તમને લાડુ જ નહીં… કોઈને ખુશી પણ આપીશ.'
મીરા પાછળથી બોલી, 'પણ લાડુ આપજે. મને લાડુ બહુ ગમે!'
આકાશ હસી પડયો, 'હા, તારા માટે બે!' ગણપતિજી સામે દીવો ઝળહળતો હતો. અને એવું લાગતું હતું જાણે બાપ્પા પણ હસીને કહી રહ્યા હોય- 'મારો સાચો પ્રસાદ તો એ જ છે, જે વહેંચવાથી વધે!'