Zagmag

અલબેલી મૈયા પધારોને

By GS Team
9 Oct 20265 mins read
અલબેલી મૈયા પધારોને
  • 'માતાજીની વિદાયવેળાએ ભક્તોની આંખો અશ્રુભીની થઈ જાય છે. સૌ હાથ જોડીને પ્રાર્થના કરે છે - 'હે મા જગદંબા! કંકુ પગલે અમારા ઘેર દીકરી સ્વરૂપે સદા બિરાજમાન રહેજો, અને અજાણતાં થયેલા કોઈ પણ અપરાધ માટે અમને ક્ષમા કરજો!'
  • ભારતી પી. શાહ

આસો માસની નવલી નવરાત્રિ એટલે મા અંબાના તમામ ભક્તોના થનગનતા હૈયાંનો પરમપ્રિય તહેવાર! આ પાવન પર્વના આગમન પૂર્વે જ લોકોની આંખોમાં અનેરો ઉલ્લાસ અને આતુરતા છલકાવા માંડે છે. બજારમાં રાસ-ગરબાને અનુરૂપ ટ્રેડિશનલ વસ્ત્રો, ચણિયાચોળી, આભૂષણો અને કલાત્મક દાંડિયાની ખરીદી માટે ભારે ભીડ જામે છે.
આ વખતે નવરાત્રિ માણવા માટે પરિન અને રિવા બંને ભાઈ-બહેન ખાસ વિદેશથી વતન આવ્યાં હતાં. સાવ નાની વયે જ વિદેશમાં સ્થાયી થયેલાં હોવાથી ગુજરાતની ભવ્ય નવરાત્રિના માહોલથી બંને સાવ અજાણ હતાં. તેથી પરિન અને રિવા આ મહોત્સવ માણવા અત્યંત ઉત્સુક હતાં. બંનેને આવેલાં જોઈને તેમના પિત્રાઈ ભાઈ-બહેનો સૂરજ, નાઈશા, સાયશા, દિશિતા અને ધુ્રવ અત્યંત ખુશ થઈ ગયાં. આ વખતે નવરાત્રિમાં બરાબરનો રંગ જામશે એ વિચારે જ બાળકોના પગમાં થનગનાટ વ્યાપી ગયો. વળી, પરિન અને રિવાની ફઈઓ રાજશ્રી, રીના અને પાયલ તેમના માટે ખાસ પરંપરાગત બાંધણી અને આભલાં ભરેલાં ગામઠી વસ્ત્રો લઈ આવી, ત્યારે તો બાળકો ખુશીથી ઝૂમી ઊઠયાં. ઘરમાં ચારેકોર આનંદનો માહોલ છવાઈ ગયો.
નવરાત્રિ શરૂ થવાના બે-ત્રણ દિવસ અગાઉથી પરિન અને રિવા સોસાયટીના કમ્પાઉન્ડમાં જઈને બેસતાં અને માતાજીના બંધાતા મંડપને તાકી રહેતાં. સોસાયટીમાં મંડપ બાંધવાની જવાબદારી નિલયકાકા, પરાગકાકા અને કેતનકાકાના શિરે હતી. તેમના માર્ગદર્શન હેઠળ કારીગરોએ ભવ્ય મંડપ તૈયાર કરી દીધો. ત્યારબાદ મંડપને રંગબેરંગી રોશની અને કલાત્મક ડેકોરેશનથી સજાવવામાં આવ્યો. આસોપાલવ અને ગલગોટાનાં તોરણોથી આખો મંડપ શોભી ઊઠયો.
નવરાત્રિ આસો સુદ એકમથી શરૂ થતી હોવાથી, પહેલા નોરતે સોસાયટીના તમામ રહીશો વહેલી સવારે નવાં વસ્ત્રો સજીને માતાજીના મંડપે પહોંચી ગયા. શુભ મુહૂર્તમાં અંબેમાની માંડવીનું શાસ્ત્રોક્ત સ્થાપન કરવામાં આવ્યું. માંડવીમાં માતાજીની મનોહર છબી અને માટીનો કલાત્મક ગરબો પધરાવવામાં આવ્યાં. વિધિવત્ પૂજા-અર્ચના બાદ ભાવપૂર્ણ આરતી થઈ અને સૌને પ્રસાદ વહેંચાયો. રાત્રિના ગરબાની આતુરતાપૂર્વક રાહ જોતાં સૌ પોતપોતાને ઘેર ગયાં.
બાળકો ઘેર પાછાં ફર્યાં ત્યારે બિપિનદાદા હોલમાં બેસીને શાંતિથી છાપું વાંચી રહ્યા હતા. પરિન ઉત્સુકતાથી બોલ્યો, 'દાદા, આ નવરાત્રિના ધામક મહત્ત્વ અને તેની પાછળ રહેલી કથા વિશે અમે કશું જ જાણતાં નથી. તો તમે અમને બધું વિગતવાર સમજાવોને, અમને જાણવાની ખૂબ ઇચ્છા છે!'
'હા દાદા… અમારે પણ આ બધું વિસ્તારથી સાંભળવું છે!' રિવા, નાઇશા અને સાયશા એકીસાથે બોલી ઊઠયાં.
બિપિનદાદાએ સ્મિત વેરતાં કહ્યું, 'ભલે બાળકો, બપોરે જમી-પરવારીને તમે બધાં મારા રૂમમાં આવજો. હું તમને નવરાત્રિ વિશે વિગતવાર સમજાવીશ.'
દાદાના કહ્યા મુજબ બપોરે બધાં બાળકો બિપિનદાદાના ઓરડામાં પહોંચી ગયાં અને તેમની આસપાસ ગોઠવાઈ ગયાં. દાદાએ વાર્તાલાપ શરૂ કર્યાે…
'બાળકો, નવરાત્રિ એ ગુજરાતનો પ્રાણવાન અને જગવિખ્યાત લોકોત્સવ છે. આ તહેવારમાં શેરીએ-શેરીએ અને સોસાયટીઓમાં માતાજીના ગરબી-મંડપ બંધાય છે. ઘટસ્થાપન પછી સવાર-સાંજ માતાજીની આરતી અને સ્તુતિ થાય છે. અંબામાના અસંખ્ય ભક્તો નવ દિવસના કઠિન ઉપવાસ કરે છે અને મંત્રોચ્ચાર કરે છે. આઠમના પાવન દિવસે ઠેરઠેર હવન-યજ્ઞા યોજાય છે. ચારેતરફ અત્યંત પવિત્ર અને ભક્તિમય વાતાવરણ છવાઈ જાય છે. નવરાત્રિમાં મોડી રાત સુધી પરંપરાગત ગરબા અને દાંડિયા-રાસની રમઝટ બોલે છે. હવે તો શહેરોમાં ક્લબો અને પાર્ટી પ્લોટમાં પણ વિશાળ આયોજનો થાય છે, જ્યાં ખ્યાતનામ ગાયકોના સૂર સાથે યુવાવર્ગ ઉત્સાહપૂર્વક રાસ રમે છે.'
રિવાએ નિર્દોષ ભાવે પૂછયું, 'દાદા, બધા લોકો રાત્રે ગરબા-રાસ રમે છે, તેની પાછળનો મૂળ હેતુ શું છે?'
દાદાએ વહાલથી કહ્યું, 'બેટા, ગરબા-રાસ એ માત્ર નાચવા-કૂદવાની રમત નથી. એ તો સંગીતના તાલે માતાજીની થતી સામૂહિક ભક્તિ અને આરાધના છે. એક રીતે કહો તો એ મા શક્તિનાં ભજન જ છે.'
નાઇશાએ પ્રશ્ન કર્યાે, 'દાદા, મેં કેટલીક જગ્યાએ લોકોને ફિલ્મી ગીતોના તાલે ગરબે ઘૂમતાં જોયા છે, એ યોગ્ય કહેવાય?'
દાદાએ ગંભીર થઈને સમજાવ્યું, 'બાળકો, નવરાત્રિ એ પવિત્ર ધામક પર્વ છે. જગદંબાની ઉપાસનાના આ ઉત્સવમાં ફિલ્મી ગીતો ક્યારેય ન શોભે. આદ્યશક્તિ અંબામાતાએ અસુર મહિષાસુર સામે નવ દિવસ સુધી ભીષણ યુદ્ધ કર્યું હતું અને દસમા દિવસે તેનો વધ કરી પ્રજાને આસુરી ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. તેથી માતાજીના ગૂઢ પરાક્રમો અને ગુણગાન ગાવાને બદલે સસ્તા ફિલ્મી ગીતો પર નાચવું એ સંસ્કૃતિનું અપમાન ગણાય. આપણી પરંપરાગત કાવ્યરચનાઓ જ ગરબાનો સાચો આત્મા છે.'
સાયશા બોલી, 'દાદા, અંબામાને શક્તિસ્વરૂપા કેમ કહેવામાં આવે છે?'
'શાસ્ત્રો મુજબ, નવરાત્રિમાં જગતજનની અંબા પોતે ભક્તોના કલ્યાણ અર્થે અને સંકટો હરવા પૃથ્વી પર પધારે છે. નવરાત્રિ એટલે શક્તિ, ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ. નવ દિવસની સાધનાથી મનુષ્યને આંતરિક શક્તિ મળે છે, મન ચેતનવંતું બને છે અને જીવનમાં નકારાત્મકતા સામે લડવાનું મનોબળ પ્રાપ્ત થાય છે.'
દિશિતાએ પૂછયું, 'દાદા, લોકો અંબામા ઉપરાંત બહુચરમા, કાળકામા કે ચામુંડામા જેવાં જુદાં જુદાં નામો શા માટે લેતા હોય છે?'
દાદાએ સમજાવ્યું, 'બેટા, આદ્યશક્તિ એક જ છે, પણ તેમનાં કાર્યાે અને સ્વરૂપો અનેક છે. અંબાજી, બહુચરાજી, કાળિકા, ચામુંડા કે દુર્ગા-બધાં એ એક જ પરમ ચેતનાનાં વિવિધ રૂપો છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે-
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા…
સ્વયં દેવતાઓએ પણ આસુરી વૃત્તિઓનો નાશ કરવા માટે આ દૈવી મહાશક્તિની જ આરાધના કરવી પડી હતી.'
ધુ્રવે પૂછયું, 'દાદા, નવરાત્રિ પૂર્ણ થાય પછી શું વિધિ હોય છે?'
'દસમા દિવસે એટલે કે વિજયાદશમીએ માતાજીની માંડવીનું વિસર્જન કરવામાં આવે છે, જેને આપણે ભાવપૂર્વક 'માતાજીને વળાવવાં' કહીએ છીએ. માતાજીની વિદાયવેળાએ ભક્તોની આંખો અશ્રુભીની થઈ જાય છે. સૌ હાથ જોડીને પ્રાર્થના કરે છે - 'હે મા જગદંબા! કંકુ પગલે અમારા ઘેર દીકરી સ્વરૂપે સદા બિરાજમાન રહેજો, અને અજાણતાં થયેલા કોઈ પણ અપરાધ માટે અમને ક્ષમા કરજો!'
પરિન પ્રભાવિત થઈને બોલ્યો, 'દાદા, તમે અમને નવરાત્રિનું સાચું ગૌરવ સમજાવ્યું! હવે અમને ખબર પડી કે આ પર્વ કેટલું મહાન છે.'
દાદાએ સ્મિત સાથે કહ્યું, 'પરિન અને રિવા, તમને જો પરંપરાગત બે-તાળી કે ત્રણ-તાળીના સ્ટેપ્સ ન આવડતા હોય, તો દિશિતા દીદી પાસેથી અત્યારે જ શીખી લો, જેથી રાત્રે મંડપમાં ગરબે ઘૂમવાની સાચી મજા પડે!'
'ચોક્કસ દાદા! અમે હમણાં જ પ્રેક્ટિસ શરૂ કરીએ છીએ!' કહી બાળકો હસતાં હસતાં ઓરડામાંથી બહાર દોડી ગયાં.
આ જગત જ્યારે ભૌતિકતા અને તનાવથી ઘેરાયેલું છે, ત્યારે નવરાત્રિ એ સંસ્કૃતિનું અમૂલ્ય ઘરેણું બનીને મનને શાંતિ આપે છે. સાચા હૃદયથી મા શક્તિની ઉપાસના કરી, ચારેતરફ સાવ અને પ્રેમ ફેલાવવાની શક્તિ આપણે મા અંબા પાસેથી માંગીએ-એ જ સાચી નવરાત્રિ છે.