નંદનવનમાં ભજીયાંનો પ્રોગ્રામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જતિન ભટ્ટ 'નિજ'
એક વખત ગરબડ ગધેડો એક ઘરની બહાર ઊભો હતો. એણે બારીમાંથી જોયું કે એક બહેન ગરમાગરમ ભજિયાં બનાવવાની તૈયારી કરતાં હતાં. ગરબડ ગધેડાએ ભજિયાં બનાવવાની બધી જ પ્રક્રિયા બારીકીથી જોઈ લીધી. એટલામાં ઘરનો માલિક આવી ચડયો. એણે ગરબડ ગધેડાની પીઠ પર સોટી ફટકારી. ગરબડ ગધેડો તો જાય ભાગ્યો… જાય ભાગ્યો… તે સીધો નંદનવનમાં પહોંચ્યો!
તે સમયે સમ્રાટ સિંહ પોતાની પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને સભા સંબોધી રહ્યા હતા-
'મિત્રો, ચોમાસું શરૂ થઈ ગયું છે… ચારે બાજુ આપણી વનરાજી સોળે કળાએ ખીલી ઊઠી છે. હું આપ સૌની સામે એક પ્રસ્તાવ મૂકી રહ્યો છું. આશા છે કે આ વિચાર આપ સૌને ગમશે.'
'કહો મહારાજ, કહો!'
સમ્રાટ સિંહે ખોંખારો ખાધો, ઘૂંટડો પાણી પીધું અને સૌની સામે જોઈને બોલ્યા-
'આવા મસ્ત વાતાવરણમાં આપણે બધાં ભેગાં થઈને ભજિયાં બનાવી ખાઈએ તો કેવું રહે?
આ સાંભળી આખી સભા આનંદની કિલકારીઓથી ગૂંજી ઊઠી-
'વાહ મહારાજ! આપે તો અમારા મનની વાત કહી દીધી! પણ મહારાજ, આ ભજિયાં બનાવશે કોણ?'
'હું બનાવીશ!'
બધાની નજર ગરબડ ગધેડા તરફ ગઈ. તે બહુ હાંફતો હતો. બધાંએ હાંફવાનું કારણ પૂછયું ત્યારે ગરબડે કહ્યું, 'હું એક ઘરમાં ભજિયાં બનાવવાની આખી રીત જોતો હતો. બરાબર એ જ વખતે માલિકે લાકડી મારી મને ભગાડયો. પણ મને ભજિયાં બનાવતાં પૂરેપૂરું આવડી ગયું છે. બસ, હું કહું તે મુજબ બધો સામાન લઈ આવો!'
બધાં પશુ-પંખીઓએ નંદનવનના મેદાનમાં તૈયારી શરૂ કરી. માટીનો મોટો ચૂલો બનાવ્યો અને એમાં સૂકાં લાકડાં ગોઠવ્યાં. કલબલ કાબર, કાલુ કાગડો અને પિમ્પો પોપટ ભેગાં થઈ એમની ચાંચો વડે ઊંચકીને એક મોટી કડાઈ લઈ આવ્યાં. હક્કો હાથી તેલનું પીપ લઈ આવ્યો, તો સમ્રાટ સિંહ અને શિરી સિંહણ ઘરેથી ચણાનો લોટ અને મસાલા લઈ આવ્યાં. સીલી શિયાળ કાંદા-બટાકા લઈ આવ્યું. બીજાં પશુ-પંખીઓ પણ મેથીની ભાજી અને રતાળુ લઈ આવ્યાં. આમ, ભજિયાં બનાવવાની બધી સામગ્રી હાજર થઈ ગઈ.
ગરબડ ગધેડો વટથી ધોતિયું પહેરીને ચૂલા પાસે બેઠો. બે ચકમક પથ્થર અફળાવી ચૂલો પેટાવ્યો અને કડાઈમાં તેલ રેડયું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં એણે ચણાના લોટનું ખીરું તૈયાર કરી લીધું.
તેલ બરાબર ગરમ થયું છે કે નહીં તે ચકાસવા એણે થોડું ખીરું તેલમાં નાખ્યું. તરત જ ભજિયું તળાઈને તેલ પર તરવા માંડયું.
બધાં પશુ-પંખીઓ ગરબડની આ રસોઈકળા જોઈને દંગ રહી ગયાં!
ગરબડે પહેલાં બટાકાનાં ભજિયાં બનાવ્યાં. ત્યાર પછી કાંદાનાં ભજિયાં, મેથીના ગોટા, રતાળુની પૂરી જેવાં જાતજાતનાં ભજિયાં તળી કાઢયાં. લીલાં મરચાં તળ્યાં અને છાશમાં ચણાનો લોટ મેળવી ગરમાગરમ કઢી બનાવી દીધી.
એક કપાયેલા ઝાડના થડને ડાઇનિંગ ટેબલ બનાવ્યું. ખાખરાનાં પાન પર બધાં ભજિયાં પીરસ્યાં અને પાંદડાંના પડિયા બનાવી તેમાં કઢી રેડી આપી.
'મહારાજ, ભજિયાં તૈયાર છે! આપ આજ્ઞાા કરો એટલે બધાં ભજિયાં પર તૂટી પડે!'
'હા, પણ તેં કોઈ ગરબડ તો નથી કરી ને? કારણ કે તારું નામ જ ગરબડ ગધેડો છે!'
'અરે નહીં મહારાજ, આપ આરોગશો તો ખુશ-ખુશ થઈ જશો, એની મારી ખાતરી!'
'સારું, સારું… તો મારાં વહાલાં પશુ-પંખીઓ, ભજિયાં પર તૂટી પડો!'
રાજાનો હુકમ મળતાં જ બધાં પશુ-પંખીઓ ભજિયાં પર તૂટી પડયાં.
પણ આ શું! જેવાં ભજિયાં મોઢામાં મૂક્યાં કે તરત બધાં 'થૂં… થૂં…' કરીને બહાર થૂંકવા લાગ્યાં! સમ્રાટ સિંહે પણ મોં બગાડીને ભજિયું થૂંકી નાખ્યું!
ગરબડને સમજ ન પડી કે બધાં કેમ થૂંકે છે. એણે પોતે એક ભજિયું ચાખ્યું તો એણે પણ તરત થૂંકી કાઢયું!
સમ્રાટ સિંહ તાડૂક્યા, 'અલ્યા ગરબડ, તેં આ ખીરામાં કેટલું મીઠું નાખ્યું હતું?'
ગરબડ બોલ્યો, 'મહારાજ, એક નાની ડોલ ભરીને!'
'એક ડોલ?!' બધાં પશુ-પંખીઓ એકસાથે ચીસો પાડી ઊઠયાં.
'એમાં એવું થયું મહારાજ… પેલી બહેન જ્યારે મીઠું નાખવા જતી હતી ત્યારે જ મને લાકડી પડી ને હું ભાગ્યો! એટલે એ બહેને કેટલું મીઠું નાખ્યું એ જોવાનું ચૂકાઈ ગયું. મને થયું કે સ્વાદ માટે વધારે સારું, એટલે મેં આખી ડોલ ઠાલવી દીધી! ક્ષમા મહારાજ, ક્ષમા!'
સિંહ ગર્જ્યો, 'તું કાયમ આવી ગરબડ જ કરે છે, એટલે જ તારું નામ ગરબડ છે! લાવો લાકડી, આજે તો આને બરાબરનો પાઠ ભણાવું!'
'નહીં મહારાજ, નહીં!' કરતો ગરબડ ગધેડો ચારે પગે ઠેકડા મારતો એવો ભાગ્યો… એવો ભાગ્યો… કે એનું ધોતિયું પણ છૂટી ગયું અને એ જોતજોતામાં જંગલની ઝાડીઓમાં છૂ થઈ ગયો!




