AI મિત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કિરણબેન પુરોહિત
ગીર જેવા એક હરિયાળા જંગલમાં બધાં પ્રાણીઓ હળીમળીને રહેતાં હતાં. સિંહરાજ, હાથીદાદા, મોનુ વાંદરો, મીઠ્ઠુ પોપટ અને ચીંકી ચકલી-બધાં હંમેશાં એકબીજાની મદદ કરતાં.
એક દિવસ જંગલની શાળામાં ઘુવડ શિક્ષકે બધાંને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) વિશે જાણકારી આપી.
ઘુવડ બોલ્યું, 'આજના જમાનામાં AI આપણો સારો મિત્ર બની ગયો છે. તે ખૂબ બુદ્ધિશાળી છે, પણ તેનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ.'
મોનુ વાંદરો બોલ્યો, 'શું એ બધું જ જાણે છે?'
ઘુવડ હસીને કહે, 'આ છે AI મિત્ર. આ કોઈ જાદુગર નથી, પણ વિવેકપૂર્વક ઉપયોગ કરીએ તો નવું શીખવામાં મદદ કરનાર એક સ્માર્ટ સાધન છે. તે ક્યારેક ભૂલ પણ કરી શકે છે, એટલે હંમેશાં જાતે વિચારવું, ચકાસવું અને પોતાના મગજનો ઉપયોગ કરવો.'
બધાં પ્રાણીઓને ઘુવડ શિક્ષકની વાતમાં રસ પડવા લાગ્યો. સૌની ઉત્સુકતા વધતાં બધાં AI વિશે ધ્યાનથી સમજવા લાગ્યાં.
થોડા દિવસ પછી મીઠ્ઠુ પોપટને નવી ભાષાના શબ્દો શીખવા હતા. AIની મદદથી તેને ગીતો, જોડકણાં અને નવા શબ્દો યાદ રાખવાની સરળ રીત મળી ગઈ. મીઠ્ઠુ પોપટ તો રાજી-રાજી થઈ ગયો. તેણે બધાં પશુ-પંખીઓને કહ્યું કે નવું શીખવું હવે રમત જેવું સહેલું લાગે છે!
એક દિવસ જંગલમાં ધોધમાર વરસાદ પડયો. નદી પરનો લાકડાનો જૂનો પુલ તૂટી ગયો. સિંહરાજને ચિંતા થઈ કે બધાં પ્રાણીઓને સામે કાંઠે જવું હોય તો નદી કેવી રીતે પાર કરશે?
હાથીદાદાએ કહ્યું, 'ચાલો, AI મિત્રની સલાહ લઈએ.'
AIએ મોટા પથ્થરો, ઝાડની મજબૂત ડાળીઓ અને જાડાં થડનો યોગ્ય ઉપયોગ કરવાનો ઉપાય સૂચવ્યો. બધાં પ્રાણીઓએ ભેગાં થઈને AIની સૂચના મુજબ એક પાકો પુલ બનાવી દીધો.
થોડા દિવસ પછી જંગલમાં ચિત્રસ્પર્ધા યોજાઈ. ઘણાં પ્રાણીઓએ ભાગ લીધો. સ્પર્ધાનો વિષય હતો- 'ભવિષ્યનું જંગલ'.
મોનુ વાંદરાએ AIની મદદ લીધી. AIએ તેને વધુ વૃક્ષો, વરસાદી પાણીનો સંગ્રહ, પક્ષીઓના માળા અને સ્વચ્છ નદી અંગે સરસ વિચારો આપ્યા. મોનુ વાંદરાએ સુંદર રંગો પૂરીને અદ્ભુત ચિત્ર તૈયાર કર્યું. બીજાં બધાંએ પણ પોતાની આવડત મુજબ ચિત્રો બનાવ્યાં. સ્પર્ધામાં મોનુ વાંદરાનો પ્રથમ નંબર આવ્યો અને તેને સરસ ઇનામ મળ્યું.
આમ, AIની મદદથી જંગલનાં પ્રાણીઓ અને પક્ષીઓને ઘણું નવું શીખવા અને જાણવા મળ્યું.
ઘુવડ શિક્ષકે છેલ્લે સૌને સમજાવતાં કહ્યું, 'AI પાસેથી આપણને શીખવા અને જાણવા ઘણું મળે છે, પણ સાચું જ્ઞાાન તો પ્રેમ, દયા, હિંમત, સચ્ચાઈ અને સહકારમાં રહેલું છે. કોઈ પણ યંત્ર આ ગુણોની જગ્યા લઈ શકતું નથી. આથી AIનો ઉપયોગ જરૂર કરો, પણ ખૂબ વિવેકપૂર્વક કરો.'
ઘુવડની આ વાત સાંભળી બધાં પશુ-પંખીઓ તાળીઓ પાડવા લાગ્યાં.
તે દિવસથી જંગલમાં બધાંએ AI ને એક સાચો સહાયક બનાવી લીધો. પ્રાણીઓ અને પક્ષીઓ તેનો ઉપયોગ સમજદારીથી કરવા લાગ્યાં, અને તેના કારણે આખું વન 'સ્માર્ટ જંગલ' બની ગયું!




