Zagmag
સુખ આપતી કાંટાની પથારી
By GS Team
18 Sep 20262 mins read
બોલઘાટના ગણેશનાથ જંગલમાં રહી ભજન-કીર્તન કરતા. તેમની ખ્યાતિ સાંભળી છત્રપતિ શિવાજીએ તેમને પંઢરપુર જતા માર્ગમાં પોતાના નિવાસસ્થાને પધારવા વિનંતી કરી. શિવાજીએ ગણેશનાથ માટે ભવ્ય પલંગ તૈયાર કરાવ્યો, પણ તેમણે કાંકરા, પથ્થરો અને કાંટાઓ પર શયન કર્યું. ગણેશનાથે સાદાઈ અને સુખ-દુઃખના સમન્વયનું મહત્વ સમજાવ્યું, જેનાથી પ્રેરિત થઈ શિવાજી પણ સાદી પથારીમાં સૂવા લાગ્યા.
Summarized by AI; it may make mistakes. Check important info
બોલઘાટના ગણેશનાથ જંગલમાં રહી ભજન-કીર્તન કરતા. તેમની ખ્યાતિ સાંભળી છત્રપતિ શિવાજીએ તેમને પંઢરપુર જતા માર્ગમાં પોતાના નિવાસસ્થાને પધારવા વિનંતી કરી. શિવાજીએ ગણેશનાથ માટે ભવ્ય પલંગ તૈયાર કરાવ્યો, પણ તેમણે કાંકરા, પથ્થરો અને કાંટાઓ પર શયન કર્યું. ગણેશનાથે સાદાઈ અને સુખ-દુઃખના સમન્વયનું મહત્વ સમજાવ્યું, જેનાથી પ્રેરિત થઈ શિવાજી પણ સાદી પથારીમાં સૂવા લાગ્યા.
Summarized by AI; it may make mistakes. Check important info

- હરીશ નાયક
બોલઘાટના ગણેશનાથ !
જુદી જ જાતના માનવી હતા. રહે જંગલમાં. ભજન-કીર્તન કરે. ગામોમાં રાતના ભજન પતે કે જંગલની પોતાની ઝૂંપડીમાં જઈ આરામ કરે.
જોતજોતામાં ગણેશનાથની કીર્તિ ચોમેર ફેલાઈ ગઈ. એ ત્યાગી અને ભક્ત માનવી મહાત્માના નામે ઓળખાવા લાગ્યા.
એકવાર છત્રપતિ શિવાજી પંઢરપુર જતા હતાં. ગણેશનાથજીનાં દર્શન કરવાનું મન તેમને પણ થયું. તેઓ ગણેશનાથનાં દર્શન કરી ખુશ થઈ ગયા. ભજન સાંભળી એટલા રાજી થયા કે પગે પડયા, કહેવા લાગ્યા - 'મહારાજ ! એક વાર મારા નિવાસસ્થાને પધારો !'
ગણેશનાથજીએ ઘણી આનાકાની કરી, પણ શિવાજીએ વાત ના માની. કહ્યું - 'એકવાર તો તમારે તમારા ચરણકમળની રજકણથી મારું નિવાસસ્થાન પવિત્ર કરવું જ પડશે.'
ગણેશનાથજી તૈયાર થયા. શિવાજીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તેમની પાસે ઘણાબધાં ભજનો સાંભળ્યા.
રાતના સેવકોને કહ્યું - 'તમે મને મહારાજ કહો છો પણ સાચા મહારાજ તો ગણેશનાથજી જ છે. એટલે એમનો બંદોબસ્ત ખરેખરો કરજો.'
રાતના ગણેશનાથનો સૂવાનો સમય થયો.
આહ ! જે પલંગ તેમને માટે હતો એ રાજાઓથી પણ ચઢિયાતો હતો, રેશમી તળાઈઓ, સુંવાળાં ઓશીકાં, ઝાલરવાળી ચાદરો, આજુબાજુ મહેકતાં ફૂલ.
શિવાજી કહે - 'મહારાજ ! આશા રાખું કે આપને જરૂર જરૂર નિરાંતની ઊંઘ આવશે.'
એમ કહી તેઓ તો ગયા. સવારે વહેલા જાતે જ ગણેશનાથજીની સેવામાં હાજર થઈ ગયા. પૂછ્યું - 'ઊંઘ તો આવી હતી ને મહારાજ ?'
'ખૂબ મજેથી' ગણેશનાથજીએ કહ્યું.
પણ અંદર જઈ શિવાજીએ જોયું તો તાજ્જુબી પામી ગયા. પેલી પુષ્પશય્યામાં પુષ્પોને બદલે કાંકરા, પથરા અને કાંટાઓ હતા.
બહાર આવીને તેમણે સ્વામીજીને પૂછ્યું - 'શું આપે આ રીતે શયન કર્યું હતું ?'
હસીને ગણેશનાથજી કહે - 'હા શિવાજી, હું એ જ રીતે શયન કરું છું.'
'કારણ….?'
'કારણ એટલું જ કે એકવાર સુખની આદત પડી જાય પછી માનવી નાજુક બની જાય છે. દુખની સહનશક્તિ માટે તે નકામો બની જાય છે. માનવીએ સુખ અને દુખ વહેંચીને જીવન જીવવાનું છે. માત્ર સુખનો જ વિચાર કર્યા કરીએ અને સુખ જ ભોગવ્યા કરીએ તો પછી દુખ વખતે ભાંગી પડીએ છીએ. અરે નાનું સરખું દુખ પણ સહન થતું નથી. એટલે જ જ્યારે સુખ મળે ત્યારે દુખની સાથે તેનું મિશ્રણ કરીને જ તેનો લાભ લેવાનો છે !'
તેમણે આગળ કહ્યું - 'શિવાજી ! સાદાઈ જેવું જીવન બીજું એકે નહિ, જે કાયમ મને બધી જગાએ મળી શકે તેમ છે. એ જ જીવનથી ટેવાવું જોઈએ. જેનો લાભ આપણને મળે અને બીજાઓ જેનાથી વંચિત રહી જાય એ સુખ પણ સ્વાર્થનો જ એક પ્રકાર છે. એ સુખ સુખ નથી, એટલેસ્તો હું જંગલમાં રહેવું પસંદ કરું છું.'
'તમે સાચે જ મહાત્મા છો.' શિવાજીએ કહ્યું -
પણ મહાત્મા એ ખ્યાતિ સાંભળવા રોકાયા નહિ. પોતાની ખ્યાતિ સાંભળવા ઉભા રહે તો પછી તે મહાત્મા શાના ?
કહે છે કે ત્યાર પછી મહારાજ શિવાજી પણ કંતાન જેવી સાદી પથારીમાં જ સૂવા લાગ્યા હતા.




