Window Seat

નરેન્દ્ર દાભોલકર

By GS Team
28 Nov 20264 mins read
નરેન્દ્ર દાભોલકર
  • વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
  • 'આસ્થા એટલે શંકાથી શીઘ્ર સમાધાન સુધીની યાત્રા. વિજ્ઞાન એટલે સવાલથી વધુ મોટા સવાલ સુધીની યાત્રા. વિજ્ઞાન સુસાધ્ય નહિ, કષ્ટસાધ્ય છે.'

ત બીબી ડોક્ટર તરીકે સેવા આપ્યા પછી ડો. નરેન્દ્ર દાભોલકર સમાજસુધારમાં જોડાયા હતા. તેમણે બાવાઓ, કાળો જાદુ, 'ચમત્કારિક' ઇલાજ, માનવ બલિદાન અને ધર્મના નામે નબળા લોકોના શોષણ સામે જાહેર ઝુંબેશ ચલાવી હતી. પરિણામ સ્વરૂપે ૨૦૧૩માં પૂણેના ઓમકારેશ્વર બ્રિજ પર તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના ૧૧મા સ્મૃતિદિને વરુણ ગ્રોવરે આપેલું વક્તવ્ય ટૂંકાવીને અહીં મૂક્યું છે, તેમના જ શબ્દોમાં-
'જેમણે દાભોલકરની હત્યા કરી તેઓ માનતા હતા કે આસ્થા એક ઉચ્ચ સ્થાને બિરાજે છે, વિજ્ઞાન તો એનું પગલૂછણિયું માત્ર. તેમણે જે હથિયાર વાપર્યું તેની વાત કરીએ તો ગન પાવડર નવમી સદીમાં ચીની વૈજ્ઞાનિકોએ બનાવ્યો. પહેલી બંદૂક ચીની વૈજ્ઞાનિકોએ બારમી સદીમાં બનાવી. બંદૂક બનાવવા માટે વિજ્ઞાનની ઘણી સમજ જોઈએ. પ્રોજેક્ટાઇલ મોશન, કાઇનેટિક્સ, માઇનિંગ એંજિનિયરિંગ, ફાઉન્ડ્રી, થર્મોડાયનેમિક્સની જાણકારી જોઈએ. સાવ અહિંસક વ્યક્તિની હત્યા કરવા માટે ઉશ્કેરી શકનાર પાસે પણ જીવવિજ્ઞાનની સમજ હોવી જોઈએ કે મગજમાં આવો ભયંકર ગુસ્સો પેદા કરવાની રાસાયણિક પ્રક્રિયા કેમ કરાવવી. તો હત્યારાઓ પોતાના હાથમાં આવું વિજ્ઞાન સર્જિત ઓજાર લઈને આવ્યા, એ બતાવવા માટે કે વિજ્ઞાન અતિ તુચ્છ છે. હત્યારાઓ સમજતા નથી કે વિચારકને મારવાથી વિચાર મરતો નથી, બલકે વધારે મજબૂત થાય છે. લોકો વારંવાર એ વિચારનું વાંચન-ચિંતન કરે છે.'
આસ્થા (જેનું સંગઠિત સ્વરૂપ છે ધર્મ) અને વિજ્ઞાન વચ્ચે સ્પર્ધા શું કામ ચાલે છે? ગ્રોવર કહે છે, '૨૧ સપ્ટેમ્બર ૧૯૯૫ને દિવસે ભારતમાં ગણેશજી દૂધ પીવા લાગ્યા. હું ને મારો ભાઈબંધ મંદિરે ગયા. ગણેશજીએ મારું દૂધ ન પીધું ત્યારે ભાઈબંધ બોલ્યો કે તારું મન સાફ નથી. રાતે દૂરદર્શન પર ચાર વૈજ્ઞાનિકોએ સમજાવ્યું, 'કેપિલરી એક્શન અને સરફેસ ટેન્શનને લીધે ગણેશજી દૂધ પીતા હતા.' (તે વખતના દૂરદર્શન પર આટલું બતાવી શકવાની આઝાદી હતી.) આદિમાનવના મગજમાં પ્રશ્નો ઊઠવા લાગ્યા- વીજળી કેમ ચમકે છે? માણસ કેમ મરે છે? કેટલાંક આનો ઉત્તર શોધતાં વિજ્ઞાનને માર્ગે વળ્યા, તો કેટલાંકે ધર્મને આગળ કરી જવાબો શોધ્યા- ઝીયુસ (ઇન્દ્ર) વીજળી ચમકાવે છે, પોસાઇડન (વરુણ) સાગર સંભાળે છે. આરંભનાં વર્ષોમાં વિજ્ઞાન પાસે ઘણા ઉત્તરો નહોતા ત્યારે ધર્મનો દબદબો હતો. પાછલા ત્રણસો- ચારસો વર્ષોમાં એન્ટી બાયોટિક્સ, વાઢકાપ, ઔદ્યોગિક ક્રાંતિ ઇત્યાદિને કારણે વૈજ્ઞાનિક વિચારે કાઠું કાઢયું છે.જો ધાર્મિક લોકોનો દાવો હોય કે સકળ સૃષ્ટિ અમારા ભગવાને બનાવી છે, તો વિધર્મી લોકોને કોણે બનાવ્યા? જો એમને બનાવનાર ભગવાન જુદા હોય તો શું દેશોના, શહેરોના, મહોલ્લાઓના જુદા જુદા ભગવાનો વચ્ચે વિભાગો પડાયા? દરેક ધર્મવાળા એવું શું કામ કહે છે કે બીજાઓને પણ બનાવ્યા તો અમારા ભગવાને જ, પણ તેઓ ઠીકઠાક બન્યા નથી. શું આવું કારણ આપીને નફરત કરવી
ઠીક છે?'
ગ્રોવર આગળ કહે છે, 'ગોડ ક્રીએટેડ મેન ઇન હિઝ ઓન ઇમેજ, એવું બાઇબલનું વચન છે. ઈશ્વરે માણસને પોતાની છબી જેવો બનાવ્યો. તે જ રીતે માણસે ઈશ્વરને પોતાની છબી જેવો બનાવ્યો. આપણે ઘડેલા ઈશ્વર આપણા જેટલા જ ભલા કે ઉદાર કે ક્રોધી છે. કોવિડના સમયે આગેવાનોએ કેવા કેવા ઉપાયો બતાવ્યા? કોકે કહ્યું, બાર કલાક બસ ઘરમાં બેસી રહો, બીજા દિવસથી કોવિડ ગાયબ! એક પ્રધાને કહ્યું, 'ભાભી' બ્રાન્ડના પાપડ ખાઓ. કોઈ બોલ્યા, કીચડમાં આળોટો. કોવિડ કાળમાં ગોવાના એક રહેવાસીએ દાવો કર્યો કે મને સપનામાં કોવિડની દવાની ફોર્મ્યુલા મળી ગઈ છે. પ્રધાન તે માણસને મળવા ગયા. પેલાએ ફોર્મ્યુલા બતાવી- લીંબુ નીચોવવું, આદુ મેળવવું, લસણ અને હળદર, કડીપત્તા, કોથમીર, ફુદીનો. પ્રધાન મહાશયે આ ફોર્મ્યુલા લેબોરેટરીમાં મોકલી.'
'આસ્થા એટલે શંકાથી શીઘ્ર સમાધાન સુધીની યાત્રા. વિજ્ઞાન એટલે સવાલથી વધુ મોટા સવાલ સુધીની યાત્રા. વિજ્ઞાન સુસાધ્ય નહિ, કષ્ટસાધ્ય છે.'
ગ્રોવરના વક્તવ્યમાં આપણે બે'ક વાતો ઉમેરી શકીએ. કેટલાંક લોકો વિજ્ઞાનને ઉતારી પાડતાં પૂછે છે કે ઈશ્વરે જીવન ન સરજ્યું હોય તો કોણે સરજ્યું? સૃષ્ટિનાં ઘણાં રહસ્યો આપણે ઉકેલ્યાં તેમ કદાચ આનો ઉત્તર પણ શોધીશું. વીસમી સદીના છઠ્ઠા દાયકામાં રસાયણશાસ્ત્રી હેરોલ્ડ ઉરેએ ધારણા કરી હતી કે પૃથ્વીના પ્રારંભકાળના વાતાવરણમાં ઝાઝે ભાગે હાઇડ્રોજન હશે, વીજળી અને સૂર્યપ્રકાશને લીધે થયેલી રાસાયણિક પ્રક્રિયાથી વિધવિધ મોલિક્યુલ બન્યા હશે. તેમના વિદ્યાર્થી સ્ટેન્લી મિલરે અને આઠમા દાયકામાં કાર્લ સેગને આ દિશામાં પ્રયોગો કર્યા હતા. તેમણે પૃથ્વીના પ્રારંભકાળના વાતાવરણમાં હતા તે વાયુઓનું (હાઇડ્રોજન, હાઇડ્રોજન સલ્ફાઇડ, જળ, એમોનિયા, મીથેન) ચંબુમાં મિશ્રણ કર્યું. પછી તેમાંથી (વીજળીના પર્યાયરૂપે) તણખા પસાર કર્યા, અથવા (સૂર્યપ્રકાશના પર્યાયરૂપે) અલ્ટ્રાવાયોલેટ કિરણ પસાર કર્યા. પરિણામ શું આવ્યું? ચંબુમાંના વાયુઓનું મિશ્રણ પહેલાં અદ્રશ્યમાન હતું, પરંતુ તણખા પસાર કર્યાની દસ મિનિટમાં ચંબુની અંદરની સપાટી પર ઘટ્ટ કથ્થઈ દ્રવ્ય બાઝવા લાગ્યું,જેમાં જીવકોષના ઘટક જેવાં પ્રોટીન અને ન્યુક્લેઇક એસિડ હતાં. શું કસનળીમાં જીવનની ઉત્પત્તિ કરી શકાઈ છે? ના, પરંતુ એવાં ઘટકો ઉત્પન્ન થતાં જોવાયાં છે, જેમાંથી કાળક્રમે એકકોષી જીવ બન્યા હોય.
મનને શાંતિ અને સમાધાન મળતાં હોય તો આપણે જરૂર આસ્થા રાખીએ, પણ વિજ્ઞાનનો આદર કરવાનું ન ચૂકીએ.