આત્મકથા : ઇતિહાસના બંધ દરવાજાની ચાવી

- સુપર હિટ નીવડેલી બે આત્મકથા : ઉસ્માન ખ્વાજાએ ક્રિકેટના મેદાનને અને સોનિયા ગાંધીએ રાજકીય વર્તુળમાં ચર્ચા જગાવી
- વિવિધા-ભવેન કચ્છી
- રાજકારણની અંતરંગ દુનિયાને ઉઘાડી પાડતી આત્મકથા ઘણી વખત રહસ્ય કથા જેવી વધુ લાગે છે
હા લમાં બે આત્મકથાનક પુસ્તકો ભારે ચર્ચામાં છે.ખ્વાજા અને સોનિયા ગાંધીની આત્મકથાએ પ્રકાશન જગતમાં આશા જગાવી છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર ઉસ્માન ખ્વાજાના પુસ્તક 'Sabr' ને કારણે ક્રિકેટ જગતમાં હલચલ મચી છે. ૨૦૧૮માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેમેરોન બેનક્રોફ્ટને સેન્ડપેપર વડે બોલ સાથે ચેડાં કરતા કેમેરામાં ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યાર પછી સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટ સામે કાર્યવાહી થઈ. સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો અને બેનક્રોફટ પર નવ મહિનાનો પ્રતિબંધ મૂકાયો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટની પ્રતિષ્ઢાને મોટો આંચકો લાગ્યો. ત્યાર પછી વર્ષો સુધી આ ઘટના અંગે ચર્ચા થતી રહી, પરંતુ જવાબદારી મુખ્યત્વે આ ત્રણ ખેલાડીઓની આસપાસ જ રહી. હવે આઠ વર્ષ પછી ખ્વાજાએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે બોલ સાથે ચેડાં કરવાની વાત માત્ર આ ત્રણ ખેલાડીઓ પૂરતી મર્યાદિત નહોતી. તેના કહેવા પ્રમાણે અગાઉની પોર્ટ એલિઝાબેથ ટેસ્ટમાં પણ બોલ પર કાચ કાગળ ઘસવાનો કાંડ થયો હતો એટલું જ નહીં ટીમમાં આ અંગે મીટીંગ યોજાઈ હતી અને તમામ ખેલાડીઓ તેમાં સામેલ હતા. ખ્વાજાએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેણે ત્યારે જ આખી ટીમે સામૂહિક જવાબદારી સ્વીકારવી જોઈએ એવી વાત કરી હતી, પરંતુ તેની વાતને પૂરતું સમર્થન મળ્યું નહોતું. આ ખુલાસા પછી ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કમિન્સ અને હેઝલવુડે તેની વાતનો વિરોધ કર્યો છે. તેઓએ કહયું કે અમે બોલ ટેમ્પર કરવાનો છે તે વાતથી તદ્દન અજાણ હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની અગાઉની તપાસના તારણો બદલવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે. એટલે આ દાવાઓ અંગે મતભેદ હજી યથાવત્ છે.
સોનિયાની જર્ની
સોનિયા ગાંધીનું પુસ્તક 'Belonging: A Journey of Love'. ૧૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ પ્રકાશિત થયું. આ ૫૪૪ પાનાંના સ્મૃતિગ્રંથમાં સોનિયા ગાંધીએ પોતાના જીવનની એવી ઘટનાઓને સ્પર્શી છે જેનો ઉલ્લેખ જાહેર જીવનમાં ભાગ્યે જ કર્યો હતો. ઇટાલીના નાના શહેરમાંથી ભારત આવવું, રાજીવ ગાંધી સાથેનો સંબંધ, ઇન્દિરા ગાંધી સાથેનું જીવન, પરિવારની અંદરની લાગણીઓ, રાજકીય જવાબદારીઓ અને બે મોટી હત્યાઓએ તેમના જીવનને કેવી રીતે બદલી નાખ્યું તેની વાતો પુસ્તકમાં છે. આ પુસ્તકમાં એક ચોંકાવનારો અંગત પ્રસંગ ૧૯૬૯નો છે. સોનિયા અને રાજીવ ગાંધીના પ્રથમ સંતાનનો જન્મ સમય પહેલાં થયો હતો અને થોડા સમય પછી તેનું અવસાન થયું હતું. સોનિયાએ આ અંગત દુ:ખ વિશે પ્રથમ વખત આટલી વિગતવાર વાત કરી છે. જાહેર જીવનમાં દાયકાઓ સુધી રહેલી વ્યક્તિના જીવનમાં આવી અંગત ઘટના કેટલી ઊંડી અસર કરતી હશે તેનો અંદાજ લગાવી શકાય છે. પુસ્તકમાં ઓપરેશન બ્લૂ સ્ટાર પછી તેમના ઘરના એક રૂમમાં ગ્રેનેડ મળી આવ્યાની ઘટનાનો પણ ઉલ્લેખ છે. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા અને ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા પછી પરિવાર પર શું વીતી હતી તેનું અંગત વર્ણન પણ છે. સોનિયાએ ૧૯૯૨માં બાબરી મસ્જિદના ધ્વંસની ઘટના અંગે પોતાની લાગણીઓ અને તેને ભારતીય રાજકીય ઇતિહાસનો વળાંક ગણાવતી વાત રજૂ કરી છે. ઇમરજન્સીના સમયગાળાને લઈને પણ તેમણે પોતાના અનુભવ અને પરિવારની અંદરની તણાવપૂર્ણ પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. મેનકા ગાંધી સાથેના સંબંધોમાં આવેલા અંતર અને સંજય ગાંધીના મૃત્યુ પછીના કુટુંબના મતભેદો વિશે પણ લખ્યું છે. વડાપ્રધાનપદ સ્વીકારવાનો ઇનકાર અને તે સમયની રાજકીય પરિસ્થિતિ અંગે પણ પુસ્તકમાં તેમનો પોતાનો દ્રષ્ટિકોણ છે.
પેંગ્વિનનો વિવાદ
આ પુસ્તકનું પ્રકાશન પોતે પણ એક રસપ્રદ પ્રકરણ બન્યું. શરૂઆતમાં પેંગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા પુસ્તક પ્રકાશિત થવાનું હતું, પરંતુ પ્રકાશન પહેલાં કરાર આગળ વધ્યો નહીં. કેટલાક અહેવાલોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ અને ચીન સંબંધિત સંદર્ભોમાં ફેરફાર અંગે મતભેદ હોવાનો દાવો થયો. પ્રકાશક તરફથી આ વર્ણન અંગે અસંમતિ વ્યક્ત કરવામાં આવી. ત્યાર પછી પુસ્તક અન્ય પ્રકાશન વ્યવસ્થા હેઠળ બહાર આવ્યું. આ સમગ્ર ઘટનાએ પુસ્તકની સામગ્રી કરતાં પહેલાં જ તેના પ્રકાશનને ચર્ચામાં મૂકી દીધું. સોનિયા ગાંધીના પુસ્તકનું મહત્ત્વ માત્ર કોઈ રાજકીય ખુલાસામાં નથી. એક એવી વ્યક્તિ જેણે દાયકાઓ સુધી પોતાની અંગત જિંદગીને જાહેર ચર્ચાથી દૂર રાખી, તે હવે પોતાના જીવનના સાક્ષી તરીકે બોલે છે. અહીં વાચકને રાજકીય નેતા કરતાં એક પત્ની, માતા, પુત્રવધૂ અને લાંબા સમય સુધી સત્તાના કેન્દ્રની નજીક રહેલી વ્યક્તિની નજરે ભારતના ઇતિહાસને જોવાની તક મળે છે. અલબત્ત, તેમના રાજકીય મૂલ્યાંકન સાથે દરેક વાચક સંમત થાય જ એવું નથી. પરંતુ છ દાયકાના રાજકીય અને સામાજિક પરિવર્તનનો અંગત સાક્ષી તરીકેનો તેમનો અનુભવ પુસ્તકને મહત્ત્વ આપે છે.
સંજય બરુનું નિરીક્ષણ
વર્ષ ૨૦૦૪થી ૨૦૦૮ દરમ્યાન સ્વ. વડાપ્રધાન ડો. મનમોહન સિંઘના મીડિયા સલાહકાર રહેલા સંજય બરુના પુસ્તક 'The Accidental Prime Minister: The Making and Unmaking of Manmohan Singh' એ પણ ખાસ્સી ચર્ચા જગાવી હતી. તેમણે વડાપ્રધાન સાથે નજીકથી કામ કર્યું હતું અને પુસ્તકમાં યુપીએ સરકારના કાર્યકાળની અંદરની અનેક વાતો લખી છે.
આ પુસ્તકનો સૌથી મોટો અને ચોંકાવનારો દાવો એ હતો કે ડો. મનમોહન સિંહ વડાપ્રધાન હતા, પરંતુ સરકારના કેટલાક મહત્ત્વના રાજકીય નિર્ણયો પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ નહોતું. બરુના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું સરકારમાં ઘણું પ્રભુત્વ હતું.
પુસ્તકની ખાસ કરીને એ વાતો ચર્ચામાં આવી હતી કે વડાપ્રધાનના મુખ્ય સચિવ પુલોક ચેટર્જી સોનિયા ગાંધીને નિયમિત મળતા અને મહત્ત્વના નીતિવિષયક મુદ્દાઓ તથા ફાઇલો અંગે તેમની સૂચનાઓ લેતા. જોકે બરુએ પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેમણે પોતે ફાઇલો સોનિયા ગાંધી પાસે લઈ જવાતી હોય તેવું જોયું નહોતું.
જો કે વડાપ્રધાન કાર્યાલયે બરુના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢયો હતો. બરુના મતે બીજી વખત સરકાર રચાયા પછી મનમોહન સિંહને લાગ્યું હતું કે હવે તેઓ પોતાની પસંદગીના મંત્રીઓ અને ટીમ બનાવી શકશે. પરંતુ નાણાં મંત્રાલય પ્રણવ મુખરજીને આપવાનો નિર્ણય હાઈ કમાન્ડ દ્વારા કરાયો અને વડાપ્રધાનની પસંદગીને મહત્વ નહોતું અપાયું.
બરુએ એમ પણ લખ્યું કે વડાપ્રધાનની વિદેશયાત્રા દરમિયાન અગાઉ કેટલાક પસંદગીના પત્રકારોને ખાસ સુવિધાઓ મળતી હતી - જેમ કે એરપોર્ટ પર લિમોઝિન, જ્યારે અન્ય પત્રકારો બસમાં જતા. બરુએ આવી પસંદગીની સુવિધાઓ બંધ કરી દીધી હતી.
આ જ નહીં મોટાભાગના વિશ્વના નેતાઓની આત્મકથાનો સાર એવો નીકળતો હોય છે કે કોઈ વ્યક્તિ સત્તાના સર્વોચ્ચ પદે હોય, છતાં તેની પાસે કેટલી સત્તા હોય છે તે હંમેશાં પદ પરથી નક્કી થતું નથી, ક્યારેક તેની આસપાસની રાજકીય વ્યવસ્થા પણ એટલી જ મહત્ત્વની હોય છે.
જસવંત સિંઘનું સસપેન્સ
ભારતના રાજકીય ઇતિહાસમાં પૂર્વ વિદેશમંત્રી અને ભાજપના વરિ નેતા જસવંત સિંહનું પુસ્તક 'A Call to Honour: In Service of Emergent India' પણ ચર્ચાસ્પદ બની હતી. ૨૦૦૬માં પ્રકાશિત આ પુસ્તકમાં તેમણે એવો દાવો કર્યો હતો કે પી.વી. નરસિંહરાવના વડાપ્રધાનપદના સમયગાળા દરમિયાન વડાપ્રધાન કાર્યાલયમાં કોઈ વ્યક્તિ ભારતના પરમાણુ કાર્યક્રમને લગતી માહિતી અમેરિકાને પહોંચાડતી હતી. આ વાત તેમણે પોતાના પુસ્તકમાં એક પત્રના આધારે રજૂ કરી હતી. તેમના કહેવા પ્રમાણે આ બાબતની જાણ તેમને વર્ષો પહેલાં થઈ હતી, પરંતુ તેમણે યોગ્ય સમય ન આવે ત્યાં સુધી જાહેર કરી નહોતી.જો કે તેમણે કોઈનું નામ જાહેર નહીં કર્યું હોઈ રહસ્ય કાયમ માટે કેદ થઇ ગયું.
રાજેશ્વરનું પુસ્તક
ભારતના પૂર્વ ગુપ્તચર વડા ટી.વી. રાજેશ્વરનું પુસ્તક 'India: The Crucial Years' પણ આ સંદર્ભમાં યાદ કરવા જેવું છે. તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર રહી ચૂક્યા હતા અને ઇન્દિરા ગાંધીના શાસનકાળના અનેક મહત્ત્વના રાજકીય પ્રસંગોના સાક્ષી હતા. પુસ્તકમાં તેમણે ઇમરજન્સી દરમિયાન સંજય ગાંધીની પ્રવૃત્તિઓ અને તેમના દ્વારા થયેલા અતિરેક અંગે ઇન્દિરા ગાંધીને માહિતી હોવા છતાં યોગ્ય પગલાં ન લેવાયાં હોવાનો દાવો કર્યો હતો. પંજાબના રાજકારણમાં જરનૈલ સિંહ ભિંડરાંવાલેના ઉદય પાછળ તત્કાલીન રાજકીય નેતાઓ વચ્ચેની સ્પર્ધા અને સત્તાકીય ગણતરીઓનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે.
નટવર સિંહનો ધડાકો
ભારતના રાજકીય ઇતિહાસમાં નટવર સિંહની આત્મકથા 'One Life Is Not Enough' પણ આવો જ ધડાકો લઈને આવી હતી. ૨૦૧૪માં પુસ્તક પ્રકાશિત થયું ત્યારે સૌથી વધુ ચર્ચા ૨૦૦૪ની લોકસભા ચૂંટણી પછી સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવાનો ઇનકાર શા માટે કર્યો તેની થઈ હતી. જાહેરમાં સોનિયા ગાંધીએ આ નિર્ણયને પોતાની 'અંતરાત્માનો અવાજ' ગણાવ્યો હતો. પરંતુ નટવર સિંહે પુસ્તકમાં એક અલગ જ વાત લખી. તેમના દાવા પ્રમાણે રાહુલ ગાંધીએ પોતાની માતાને વડાપ્રધાન બનતા રોકવા માટે ખૂબ જ મક્કમ વલણ અપનાવ્યું હતું. દાદી ઇન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યા થઈ હોવાથી માતાના જીવને પણ જોખમ થઈ શકે એવી રાહુલની ચિંતા હતી. અંતે રાહુલની વાત સોનિયાને માનવી પડી હતી.
જયપ્રકાશની ડાયરી
ભારતમાં ઇમરજન્સી દરમિયાન જયપ્રકાશ નારાયણની જેલ ડાયરી 'Prison Diary' પણ સ્મૃતિસંગ્રહના મહત્ત્વનું ઉદાહરણ છે. ૧૯૭૫માં ઇમરજન્સી જાહેર થયા પછી અનેક રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જયપ્રકાશ નારાયણ તે સમયના વિરોધ આંદોલનના મુખ્ય ચહેરા હતા. જેલમાં રહીને તેમણે પોતાના વિચારો, રાજકીય પરિસ્થિતિ અને લોકશાહી અંગેની ચિંતાઓ ડાયરીમાં નોંધેલી. આ લખાણ માત્ર એક કેદીની અંગત નોંધ નહોતું, તે લોકશાહી અધિકારો પર નિયંત્રણના સમયગાળાનું જીવંત સાક્ષ્ય બની ગયું. ઘટના બની રહી હતી ત્યારે લખાયેલી ડાયરી અને વર્ષો પછી યાદ કરીને લખાયેલી આત્મકથામાં મોટો તફાવત હોય છે. ડાયરીમાં ક્ષણની લાગણી અને તાત્કાલિક અવલોકન સચવાય છે. તેથી ઇતિહાસકારો માટે આવી નોંધોનું મૂલ્ય ઘણું વધારે હોય છે.
વ્યક્તિ ઘટનાની સાક્ષી હોય, નિર્ણય લેનાર હોય કે ઘટનાના કેન્દ્રમાં હોય તે વર્ષો પછી જ્યારે પોતાની વાત કહે છે ત્યારે તેની વાતને એક અલગ જ મહત્ત્વ મળે છે.ભારતમાં આમ તો પુસ્તકોનો અલાયદા કબાટ ભરાઈ જાય એટલી બેસ્ટ સેલર આત્મકથા જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવોએ લખી છે. આ લેખમાં તો બહુ જ જૂજ રાજકીય વ્યક્તિવિશેષની ઝલક અપાઈ છે.કેટલીક વિદેશી હસ્તીઓની આત્મકથાની વાત ફરી કોઈ વખત કરીશું.
જ્ઞાન પોસ્ટ
વર્ષો સુધી છુપાવેલાં રહસ્યો જ્યારે પુસ્તકનાં પાનાં પર પ્રગટ થાય છે ત્યારે ઇતિહાસ પણ નવેસરથી લખાય છે!




