Vehtu Jivan

ઉમેશ ફસાઈ ગયો

By GS Team
24 Nov 20265 mins read
ઉમેશ ફસાઈ ગયો
  • વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
  • બે દિવસની મહેનત બાદ માંડમાંડ પોલીસને લીનાનો મૃતદેહ મળી આવ્યો

શ હેરના નામાંકિત સર્જન ડૉ. મનોજ ચોક્સીના પત્નીનું અચાનક મહિના પહેલા જ કોરોનાથી અવસાન થવાથી ડૉ. ચોક્સી ઢીલા પડી ગયા હતા. ફક્ત બે જ સંતાનો હતા. મોટો પુત્ર હતો, તેનું નામ ડૉ. અજય ચોક્સી, જે પ્લાસ્ટિક સર્જન બની તેના પપ્પા સાથે જ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. નાની પુત્રી લીનાએ હજુ બે વર્ષ પહેલા જ તેની સાથે કોલેજમાં ભણતા ઉમેશ સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. ધીમે ધીમે તેમને બંનેને પિયરવાળાઓએ અપનાવી લીધા હતા.
વહેલી સવારે ચાલુ ઓપરેશને ડૉ. મનોજ ચોક્સી અચાનક જ પહેલા એટેકમાં જ ગુજરી ગયા. તેમણે હજુ તેમની કરોડોની મિલકતોની વહેંચણી માટે કોઈ જ વિલ બનાવેલ ન હતું. તેથી સવા મહિના પછી તેમના પુત્ર ડૉ. અજયે તેમના ફૅમિલી વકીલ વોરા સાહેબને બોલાવી આગળની કાર્યવાહી કરવા જણાવ્યુ.
નવાં સુધારેલ વારસાધારા મુજબ વિલ વગરના કોઈપણ મૃત્યુ બાદ દરેક વારસદાર, પછી તે પુત્ર હોય કે પરિણીત પુત્રી, મિલકતના સરખે સરખા હક્કદાર બને છે. મહિલાઓની તરફેણ કરતો આ કાયદો સાંભળી લીના અને ઉમેશ અચંબામાં પડી ગયા. પપ્પાની અડધી મિલકતની ગણતરી કરતાં તેના ભાગમાં ચારથી પાંચ કરોડની સંપતિ આવતી હતી.
તેનો ભાઈ અજય ચિંતામાં પડી ગયો. જૂની વિચારધારા મુજબ પપ્પાની મિલકતમાં પરિણીત પુત્રીને ભાગ ના હોય, તેવી રજૂઆત સાથે તે ફરીથી તેંમના વકીલ વોરાને મળ્યો. વોરા સાહેબે ચોખ્ખું જણાવી દીધું કે નવા સુધારેલા કાયદા મુજબ લીનાને પણ અર્ધો ભાગ મળશે જ. આપણે નવા કાયદાને માન આપવું પડશે.
લીનાને પપ્પાના અવસાનનો શોક તો હતો જ. પણ અનાયાસે મળતા કરોડોના વારસાથી બંને જણા ખુશ હતા. હવે તેને નાણાંની મોકળાશ થઈ જાય તેમ હતું. કંઈજ ના કરે અને ફક્ત મૂડી સાચવીને બેસી રહે તો પણ વ્યાજની રકમમાંથી ગુજારો થઈ જાય તેમ હતું.
ડૉ. અજય પાંચ વરસથી પ્લાસ્ટિક સર્જન બની પપ્પાની સાથે જ હોસ્પીટલમાં બેસતો. મહેનત બંનેની હતી, પરંતુ તમામ મિલકતો હજુ પપ્પાના નામે જ હતી, તેમાથી અડધો ભાગ પોતાના બેન બનેવીને આપી દેવાનું તેને હજમ થતું ન હતું. તેણે બીજા બે વકીલોના સંપર્ક કરી જોયા પણ દરેક વકીલનો એક જ જવાબ હતો, નવો સુધારેલ કાયદો મહિલાઓની તરફેણ કરી રહ્યો છે.
અમદાવાદમાં ગરમી વધી રહી હતી. તેથી પ્રેમીપંખીડા લીના અને ઉમેશ અઠવાડિયા માટે આબુ પહોંચી ગયા. બંને વચ્ચે હજી પણ એટલો જ પ્રેમ હતો, ઉમેશ ખરા દિલથી લીનાને પ્રેમ કરી રહ્યો હતો, તેના દિલમાં આવી મિલકતો મળશે તેવી કોઈ ગણતરી જ ન હતી. આ તો અનાયાસે જ તેમના ભાગે નસીબ ખૂલી ગયું હતું.
આખો દિવસ માઉન્ટ આબુમાં ફરી બંને વહેલી સાંજે સનસેટ પોઈન્ટ પહોંચી ગયા. લગ્નને હજુ બે જ વર્ષ થયા હતા, તેથી હજુ બંનેના પ્રેમનો આવેગ ઉછાળા મારી રહ્યો હતો. છેક છેવાડાના એકાંતવાળી જગ્યાએ બંને સનસેટ જોવા બેસી ગયા. રાત ધીમે ધીમે જામતી ગઈ, તેમ લોકો ધીમે ધીમે વિખરાઈ ગયા. છેક છેલ્લા પોઈન્ટ ઉપરથી ઊભા થતાં લીનાનો પગ લપસ્યો અને મોટી ચીસ સાથે જઇ પડી ઊંડી ખીણમાં. ઉમેશ અવાક થઈ ગયો. ખૂબ બુમો પાડી, ખૂબ તપાસ કરી પણ લીનાનો કોઈ જ પત્તો ન લાગ્યો. છેવટે હતપ્રભ બનેલો ઉમેશ આબુ પોલીસ સ્ટેશને મોડી રાત્રે પહોંચી ગયો અને ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબને અકસ્માતની તમામ વિગતો જણાવી. પોલીસની બે દિવસની મહેનત બાદ માંડમાંડ પોલીસને લીનાનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે ફોન કરી અમદાવાદથી લીનાના ભાઈભાભીને તત્કાલ આબુ બોલાવી લીધા.
ડૉ. અજય ચોક્સી અને તેમના પત્ની પોતાની બહેનના આવા અપમૃત્યુથી વ્યથિત થઈ ગયા. કુદરત આગળ કોઈનું કશું જ ચાલતું નથી.
બીજા દેવસે ડૉ. અજયે આખી વિગત પોતાના કુટિલ વકીલ મિત્ર ચપટવાળાને સમજાવી. વકીલ ચપટવાલા બાહોશ હતા. તેમણે કહ્યું, 'હવે જે થવાનું હતું તે તો થઈ જ ગયું. તમારા પપ્પાની મિલકત હવે બધી તમારી જ છે, પણ જ્યાં સુધી તમારા બનેવી ઉમેશ છે ત્યાં સુધી અવરોધ તો ખરો જ.'
ડૉ. અજયે પૂછયું, 'હવે શું કરવું ? આ તો વારસદાર પણ નથી. છતાં અર્ધી મિલકતોનો માલિક બની જાય એ કેમ પોષાય ?'
મિ. ચપટવાલાના મનમાં શેતાની વિચારો આવવાં માંડયા. તેમણે ડૉ. અજયને પૂછયું, 'તમારા બેન-બનેવી વચ્ચેના સબંધો કેવા હતા ?'
પછી ઉમેશનો કાંટો કાઢી નાખવાની યોજના ફોન પર સમજાવી.
શરૂઆતમાં તો ડૉ. અજયે ના પાડી કે આવું કામ હું મારા બનેવી વિરુદ્ધ નહીં કરું, પરંતુ પછીથી મિલકતની લાલચમાં તેનું મગજ બહેર મારી ગયું અને યોજના મુજબ આબુ પોલીસ સ્ટેશન પહોંચી ગયા.
પોલીસ ઇન્સ્પેક્ટર મૃતદેહની કાયદેસરની કાર્યવાહી કરી બધી પૂછપરછ કરી રહ્યા હતા. ત્યાં પહોંચી ડૉ. અજયે ધડાકો કર્યો. 'ઇન્સ્પેક્ટર સાહેબ, મારી બહેનને ધક્કો મારીને તેના ભાગમાં આવતી મિલકત પડાવી લેવા મારા બનેવી ઉમેશકુમારે તેનું ખૂન કરેલ છે.'
ઉમેશ તેની પત્નીના અવસાનથી દુખી તો હતો જ, તેમાં તેમના સાળાના આવા આક્ષેપથી હતપ્રભ બની રહ્યો. તે ડૉ. અજય સામે એકીટશે જોઈ રહ્યો. તેને લીના પ્રત્યે કેટલો બધો પ્રેમ હતો, તે તો સહુ જાણતાં હતા, તો આવો તો તેને વિચાર જ ક્યાથી આવે ? તેણે રડમસ ચહેરે જવાબ આપ્યો, 'સાહેબ, મારી પત્નીનો પગ લપસી પડતાં કુદરતી રીતે તેનું મોત થયું છે. મારા સાળાના આક્ષેપો બિનપાયાદાર છે, હું તદ્દન નિર્દોષ છું.'
ઇન્સ્પેક્ટર ચૌધરી વિચારમાં પડી ગયા. આ ઘટના બની ત્યારે સનસેટ પોઈન્ટની એકાંતવાળી ટોચ પર મોડી સાંજે કોઈ હાજર ન હતું, તેથી કોઈ આંખે દેખ્યા સાક્ષી હતા જ નહીં.
નવા સુધારેલા મહિલાના હિત માટે બનાવેલ કાયદા મુજબ લગ્નના પ્રથમ સાત વર્ષ દરમ્યાન પત્નીના અપ્રાકૃતિક મોત માટે જો પિયરવાળા લેખિતમાં ફરિયાદ આપે તો, તેને કોઈ આધાર પુરાવાની જરૂર નથી. પોલીસ પતિની ધરપકડ કરી કેસ ફાઇલ કરી શકે છે.
ઉમેશનો રડમસ માસૂમ ચહેરો જોઈ ઇન્સ્પેક્ટર ચૌધરીને તે ગુનેગાર લાગતો નહોતો. કાયદો કાયદાનું કામ કરી રહ્યો હતો. લીનાના ભાઈની લેખિત ફરિયાદ ઉપર તેમણે ઉમેશની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો. એક માહિનામાં કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે ઉમેશને પત્નીના ખૂન બદલ દોષિત ઠરાવી તેની મિલકતોનો ભાગ રદ્દ કરી દીધો અને સખત કેદ સાથે જન્મટીપની સજા સુનાવી.
અનાયાસે કરોડપતિ બનેલ ઉમેશ સુખના પર્વતની ટોચ પરથી દુ:ખના દરિયાને તળિયે પહોંચી હાથકડી સાથે સાબરમતી જેલ તરફ જઇ રહ્યો હતો, ત્યારે તેનો સાળો ડો.અજય દૂર રોડ પર ઊભેલી બીએમડબલ્યુ ગાડીમાં મૂછમાં હસી રહ્યો હતો.
ન્યાયની દેવીની આંખો પર પાટા હજુ સુધી બંધાયેલા હતા. ભારતના બંધારણે સુધારેલ મહિલાઓના હિત માટેના કાયદા તલવારની બંને બાજુની ધારનું કામ કરી રહ્યા હતા.