ઔદ્યોગિક સલામતી વિભાગની કામગીરી 100% ડિજિટલ કરવાની માગ: નોટિસોની સમીક્ષા કરી અધિકારીઓની મનમાની અટકાવવા રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat DISH Department 100 Percent Digital Demand: ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક તંત્ર (DISH) દ્વારા ઉદ્યોગોને આપવામાં આવેલી આડેધડ નોટિસોનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. પ્લાન મંજૂરી, લાયસન્સ, સેફ્ટી ઓડિટ, ફાયર સેફ્ટી ચેક અને ઈન્સ્પેક્શનની કામગીરી માનીતાઓ પાસે જ કરાવવા ઉદ્યોગો પર દબાણ લાવી અણધારી મોટી રકમની વસુલાત થતી હોવાની ફરિયાદો ઉઠી છે. જે અંગે મુખ્યમંત્રી સુધી ફરિયાદ થવા છતાં હજુસુધી કોઈ કાર્યવાહી નહીં થતાં ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળી રહી છે. તેવામાં ઔદ્યોગિક સલામતી વિભાગની કામગીરી 100% ડિજિટલ કરવાની માગ ઉઠી છે અને નોટિસોની સમીક્ષા કરી અધિકારીઓની મનમાની અટકાવવા રજૂઆત કરાઈ છે.
ઔદ્યોગિક સલામતી વિભાગની કામગીરી 100% ડિજિટલ કરવાની માગ
ગુજરાતને ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસમાં અગ્રેસર બનાવવાના સરકારના પ્રયાસો વચ્ચે જ ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સામાન્ય રીતે ડીશ દ્વારા સેફ્ટી નિયમોના ભંગ, ટેકનિકલ ટેસ્ટિંગ, સર્ટિફિકેશનની ખામી, સેફ્ટી ઓડિટ સંબંધિત ખામી, ફેક્ટરી પ્લાન અને લાયસન્સિંગ સંબંધિત મુદ્દા, જોખમી સેફ્ટી વ્યવસ્થાનો અભાવ, ઈન્સ્પેક્શન દરમિયાન મળેલી ખામીઓ સંબંધિત નોટિસો ફટકારવામાં આવતી હોય છે. કાયદાના પાલન માટે નોટિસ આપવી એ કામગીરીનો ભાગ હોઈ શકે, પરંતુ છેલ્લાં બે-ત્રણ મહિનામાં વલસાડ જિલ્લામાં વાપીના ઉદ્યોગોને સૌથી વધુ નોટિસો ફટાકરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે.
જો કે, નોટિસો ફટકાર્યા પછીની પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક, અને માર્ગદર્શન આધારિત છે કે નહીં તે જોવું જરૂરી હોય છે. પરંતુ વલસાડ જિલ્લાના ઉદ્યોગો ઈન્સ્પેક્શન રાજથી પીડાઈ રહ્યા છે. કાયદાકીય કમ્પ્લાયન્સના નામે એવી પદ્ધતિ વિકસિત થઈ છે જેમાં ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસના બદલે અનઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસનો સામનો કરવો પડી રહ્યો છે. જેનો સૌથી વધુ ભોગ એમએસએમઈ એકમો થઈ રહ્યા છે. ઈન્સ્પેક્ટર રાજથી કંટાળેલા ઉદ્યોગકારો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે ફેક્ટરી પ્લાન મંજૂરીની પ્રક્રિયા અંગે માનીતા પ્લાન મેકર મારફતે જ પ્લાન તૈયાર કરાવવામાં ના આવે તો ત્રુટિઓ કાઢવામાં આવે. આખરે માનીતા પ્લાનર પાસે પ્લાન કરાવવા ઉદ્યોગકારો પર દબાણ લાવવામાં આવે છે, જે માટે ફીના નામે મસમોટી રકમ ચુકવવી પડે છે.
નોટિસોની સમીક્ષા કરી અધિકારીઓની મનમાની અટકાવવા રજૂઆત
ઉદ્યોગોને વિવિધ ટેકનિકલ ટેસ્ટિંગ અને સેફ્ટી ઓડિટ માટે સક્ષમ વ્યક્તિ કે સેફ્ટી ઓડિટર માટે DISHના અધિકારીઓ દ્વારા માનીતા સેવા પ્રદાતા પાસે જ કામ કરાવવા મૌખિક સૂચનાઓ આપવામાં આવે છે. જે માટે બજારભાવ કરતાં 10 ગણી વધુ ફી ચુકવવી પડે છે. ઉપરાંત સેફ્ટી સાધનોના નામે સિન્ડિકેટ ચલાવવામાં આવતી હોવાનું, અસ્પષ્ટ નિયમોના કારણે અધિકારીઓ દ્વારા ખોટું અર્થઘટન કરી ઉદ્યોગોને રંજાડતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.
ઉદ્યોગકારોની સ્પષ્ટ માગ છે કે, DISHની કામગીરીમાં પારદર્શિતા લાવવા પ્લાન મંજૂરીથી લઈ લાયસન્સિંગ સુધીની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરવાની અને ઈન્સ્પેક્શન માટે કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમ ડ્રો આધારિત સિસ્ટમ અમલમાં મુકવામાં આવે. સાથે સક્ષમ વ્યક્તિ અને સેફ્ટી ઓડિટર્સની રાજ્યવ્યાપી યાદી જાહેર કરવામાં આવે. ઉદ્યોગોનો ફટકારવામાં આવેલી નોટિસોની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી કાયદા મુજબ ઉદ્યોગોને સુધારાત્મક સમય અને માર્ગદર્શન અપાયું હતું કે નહીં તેની પણ તપાસ કરવાની માગ કરવામાં આવી છે. જો કે, ગત જુલાઈ મહિનામાં DISHના જ નિવૃત્ત અધિકારી દ્વારા મુખ્યમંત્રીને DISHના અધિકારીઓની કામગીરીની વિગતવાર માહિતી સાથે ફરિયાદ કરવા છતાં હજુસુધી કોઈ કાર્યવાહી નહીં થતાં ઉદ્યોગકારોમાં નિરાશા ફેલાઈ છે.




