વલસાડના આદિવાસી વિસ્તારમાં દિવાસાની ભવ્ય ઉજવણી, ઢિંગલા-ઢિંગલી પૂજન અને નાળિયેર ટપ્પાની પરંપરા નિભાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Tribal Tradition Divasa Festival: વલસાડ જિલ્લાના આદિવાસી તાલુકાઓમાં બુધવારે અષાઢી અમાસ એટલે કે દિવાસા પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમાજના લોકોએ આસ્થાપૂર્વક ઢિંગલા-ઢિંગલીની પૂજા અર્ચના કરી હતી. બીજી તરફ, ધરમપુરમાં પરંપરાગત રીતે રમાતી નાળિયેર ટપ્પા દાવની રમતમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
ઢિંગલા-ઢિંગલી પૂજન અને પ્રતીકાત્મક લગ્નની પવિત્ર પ્રથા
વલસાડ જિલ્લાના આદિવાસી પ્રભુત્વ ધરાવતા કપરાડા, ધરમપુર, પારડી અને ઉમરગામ તાલુકાઓમાં અષાઢી અમાસના પર્વને દિવાસો તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારમાં આદિવાસી સમુદાય દ્વારા કરવામાં આવતી ઢિંગલા-ઢિંગલીની પૂજા એ માત્ર એક લોકરીતિ નથી, પરંતુ પ્રકૃતિપ્રેમ, ગામની સુખ-શાંતિ અને અનિષ્ટ નિવારણ સાથે જોડાયેલી સદીઓ જૂની પવિત્ર પરંપરા છે. ઘાસ, વાંસ, કાપડના ટુકડા અને દોરા વડે ઢિંગલો અને ઢિંગલી તૈયાર કરવામાં આવ્યા હતા. આ પવિત્ર પર્વ પ્રસંગે આદિવાસી સમાજના લોકોએ શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું હતું. ગામની બાળકીઓ અને યુવતીઓએ એકઠા થઈને ઢિંગલા અને ઢિંગલીના પ્રતીકાત્મક લગ્ન પણ કરાવ્યા હતા.

નકારાત્મકતા દૂર કરવા વિસર્જન, કન્યાઓનો ઉપવાસ
સાંજના સમયે પૂજન બાદ ઢિંગલા-ઢિંગલીને ગામની સીમ બહાર આવેલી નદી, ઝરણા કે તળાવમાં વિસર્જિત કરવામાં આવે છે. માન્યતા મુજબ, ઢિંગલા-ઢિંગલી ગામની તમામ નકારાત્મક શક્તિઓ, રોગચાળો અને દુઃખ-દર્દ પોતાની સાથે લઈ જાય છે. તેમને ગામ બહાર વિસર્જિત કરવાથી આખું ગામ નિર્ભય અને આરોગ્યપ્રદ રહે છે. અવિવાહિત કન્યાઓએ આજે ઉપવાસ રાખીને યોગ્ય જીવનસાથી અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

ધરમપુરમાં રાજાશાહી સમયની પરંપરાગત નાળિયેર ટપ્પા રમત
બીજી તરફ ધરમપુરમાં આજે અષાઢી અમાસની આદિવાસી પરંપરા મુજબ ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકોએ નાળિયેર ટપ્પા દાવની રમત રમીને દિવાસાની હોંશભેર ઉજવણી કરી હતી. આદિવાસી લોકોનું કહેવું છે કે ધરમપુરમાં રાજાશાહીના વખતથી આ રમત રમાય છે. જેમાં આદિવાસી લોકો બજારના મુખ્ય એવા સમડી ચોક ખાતે એકઠા થઈ નાળિયેરની લારીઓ પરથી નાળિયેર ખરીદે છે અને એકબીજા સાથે નાળિયેર અથડાવીને ફોડે છે. જેમાં જેનું નાળિયેર ફૂટી જાય, તેણે પોતાનું નાળિયેર સામે વાળા વ્યક્તિને આપી દેવાનું હોય છે.









