Valsad

વલસાડ: લીલાપોરમાં પૂરના કારણે જૂનો પુલ ધોવાયો, અનેક ગામો સંપર્કવિહોણા બન્યા

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
વલસાડમાં ભારે પૂરથી લીલાપોરનો વર્ષો જૂનો પુલ તૂટી જતાં મોટો ભૂવો પડ્યો છે. આને કારણે આસપાસના 10-15 ગામોનો વલસાડ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. નોકરિયાતો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, જીવના જોખમે પગપાળા અવરજવર કરી રહ્યા છે. PWD અને કસ્ટમ વિભાગના અણઘડ સંકલનને કારણે 80% બનેલો નવો પુલ અટવાયો છે. સ્થાનિકોએ તાત્કાલિક વૈકલ્પિક માર્ગની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડ: લીલાપોરમાં પૂરના કારણે જૂનો પુલ ધોવાયો, અનેક ગામો સંપર્કવિહોણા બન્યા

Valsad News: વલસાડમાં તાજેતરમાં આવેલા ભારે ઘોડાપૂરના કારણે અનેક માર્ગો અને પુલોને ભારે નુકસાન પહોંચ્યું છે. લીલાપોર ગામે આવેલો વર્ષો જૂનો પુલ પૂરના પાણીમાં ધોવાઈ જવાની સાથે ત્યાં મોટો ભૂવો પડી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જેને પગલે આસપાસના 10થી 15 ગામોનો વલસાડ શહેર અને અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

નોકરિયાતો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, જીવના જોખમે પગપાળા અવરજવર

પુલ તૂટી જવાથી તેમજ ટુ-વ્હીલર ચાલકો માટે પણ રસ્તો બંધ થઈ જતાં સ્થાનિક નિવાસીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોને પોતાના રોજીંદા કામ માટે લાંબો ચકરાવો કાપવાની ફરજ પડી રહી છે, જ્યારે ઘણા લોકો મજબૂરીવશ પોતાના જીવના જોખમે તૂટેલા પુલ પરથી પગપાળા અવરજવર કરવા મજબૂર બન્યા છે.

image.png

PWD અને કસ્ટમ વિભાગના અણઘડ સંકલનને કારણે નવો પુલ અટવાયો

સ્થાનિકોના જણાવ્યા મુજબ, જૂના પુલની બાજુમાં જ નવા પુલના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હાલ 80 ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ પુલના માર્ગમાં આવતી કસ્ટમ વિભાગની કચેરીને અન્યત્ર ખસેડવાની (સ્થળાંતરની) જરૂરી મંજૂરી ન મળવાના કારણે બાકીનું કામ અટકી પડ્યું છે. માર્ગ અને મકાન વિભાગ (PWD) તથા કસ્ટમ વિભાગ વચ્ચે સંકલનના અભાવે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ વિલંબમાં પડતાં તેનો ભોગ સામાન્ય જનતાએ બનવું પડી રહ્યું છે.

image.png

સ્થાનિકોની તાકીદની માંગ

લીલાપોર અને આસપાસના ગામના લોકોએ માંગ કરી છે કે, PWD અને કસ્ટમ વિભાગ તાત્કાલિક સંકલન સાધીને કચેરીના સ્થળાંતરની પ્રક્રિયા પૂર્ણ કરે અને પુલનું બાકી કામ ઝડપથી પૂરું કરી વાહનવ્યવહાર શરૂ કરાવે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રામજનોની યાતનાઓ ઓછી કરવા તાત્કાલિક ધોરણે સુરક્ષિત વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન)ની વ્યવસ્થા કરવામાં આવે.