'સરકારી કચેરીઓ પોતે જ માહિતી જાહેર કરશે તો RTIની અરજીઓ ઘટશે', માહિતી અધિકાર વર્કશોપમાં વલસાડ કલેક્ટરનું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Collector RTI Workshop Statement: માહિતી અધિકાર(RTI) અધિનિયમ હેઠળ સરકારી કચેરીઓ દ્વારા જો મહત્તમ માહિતી આપમેળે જ જાહેર કરી દેવામાં આવે, તો કચેરીઓમાં આવતી RTI અરજીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાય છે. વલસાડ કલેક્ટર કચેરી ખાતે માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી નિમિત્તે યોજાયેલા રાજ્યના સૌપ્રથમ રિજનલ વર્કશોપમાં આ મુદ્દા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
કલમ 4 હેઠળ 'ઓટોમેટિક ડિસ્ક્લોઝર' પર ભાર
વર્કશોપમાં વલસાડ કલેક્ટરે કાયદાની કલમ 4 હેઠળ 'પ્રોએક્ટિવ અને ઓટોમેટિક ડિસ્ક્લોઝર'ની અનિવાર્યતા સમજાવતાં જણાવ્યું હતું કે, જો તમામ સરકારી વિભાગો પોતાની માહિતી પોર્ટલ કે બોર્ડ પર પહેલેથી જ જાહેર કરી દેશે, તો નાગરિકોએ અલગથી અરજીઓ કરવાની જરૂર નહીં રહે. તેમણે અધિકારીઓને ટકોર કરી હતી કે અરજદાર કયા હેતુથી માહિતી માંગી રહ્યો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, કાયદાની મર્યાદામાં રહીને નિયમાનુસાર માહિતી આપવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.
RTI એક્ટિવિસ્ટ્સ અંગે દૃષ્ટિકોણ બદલવા અપીલ
વહીવટી તંત્રના અધિકારીઓને સંબોધતા કલેક્ટરે ઉમેર્યું હતું કે RTI એક્ટિવિસ્ટ્સને માત્ર નકારાત્મક દૃષ્ટિકોણથી ન જોવા જોઈએ, કારણ કે તેઓ આ કાયદાને સક્રિય રાખવાનું મહત્ત્વપૂર્ણ કામ કરે છે.
રાજ્યમાં પ્રથમવાર ક્લસ્ટર આધારિત વર્કશોપ
સામાન્ય રીતે દર વર્ષે RTI સપ્તાહની ઉજવણી માત્ર રાજ્ય કક્ષાએ થતી હોય છે. પરંતુ આ વખતે નવો અભિગમ અપનાવી 3થી 4 જિલ્લાઓનું ક્લસ્ટર બનાવી જિલ્લા કક્ષાએ આ વર્કશોપ યોજાયો હતો. જેમાં નવસારી અને ડાંગના કલેક્ટર તથા તંત્ર વીડિયો કોન્ફરન્સિંગથી જોડાયા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય માહિતી કમિશનરે વર્ષ 2005માં અમલમાં આવેલા આ કાયદાના 21 વર્ષ પૂર્ણ થવા અંગે પારદર્શિતા લાવવા પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન બાદ યોજાયેલા ઇન્ટરએક્ટિવ સેશનમાં અધિકારીઓને અરજીઓના નિકાલમાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વર્કશોપમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.




