Valsad

વાપી મનપાની સામાન્ય સભામાં મિનિટ્સના મુદ્દે વિપક્ષ આક્રમક બન્યું : શાસક પક્ષે ભૂલનો સ્વીકાર કર્યો

By GS Team
31 Jul 20263 mins read
TukuTouch Logo
વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગત બેઠકની મિનિટ્સ ન મળતા વિપક્ષ આક્રમક બન્યો. મેયર દક્ષાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં શાસક પક્ષે ભૂલ સ્વીકારી વોટ્સએપથી મિનિટ્સ આપવાનું કહેતા મામલો થાળે પડ્યો. કોર્પોરેટરોના માનદ વેતન-ભથ્થાની દરખાસ્ત સરકારમાં કરવાનો નિર્ણય લેવાયો. વિપક્ષ નેતાની કેબિન અને પાણીના પ્રશ્નો ઉઠાવતા ડેપ્યુટી મેયરે લેખિત રજૂઆત કરવાનું જણાવ્યું. કોંગ્રેસ કાર્યકરે બેનર સાથે વિરોધ નોંધાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપી મનપાની સામાન્ય સભામાં મિનિટ્સના મુદ્દે વિપક્ષ આક્રમક બન્યું : શાસક પક્ષે ભૂલનો સ્વીકાર કર્યો

Vapi News : વાપી મહાનગરપાલિકાની આજરોજ શુક્રવારે મળેલી સામાન્ય સભામાં ગત સામાન્ય અને સ્થાયી સમિતિની બેઠકની મિનિટ્સ નહી આપવા મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી બહાલીનો મુદ્દો મુલતવી રાખવા કહેતા શાસક પક્ષે ભૂલનો સ્વીકાર કરી હવેથી મિનિટ્સ તમામ સભ્યોને વોટ્સએપ થકી અપાશે એમ કહેતા મામલો થાળે પડયો હતો. વિપક્ષે સમસ્યા અંગે રજૂઆત કરતા શાસક પક્ષે સામાન્ય સભા અગાઉ જ લેખિતમાં પ્રશ્નો રજૂ કરવાનું કહી સામાન્ય સભામાં માત્ર એજન્ડાના કામો પર ચર્ચા થશે એમ જણાવ્યું હતું. બેઠકમાં સામાન્ય સભા અને વિવિધ સમિતિની બેઠકના સંચાલન અંગેના નિયમો, કોર્પોરેટરોના માનદ વેતન ભથ્થા અંગે સરકારમાં દરખાસ્ત કરવા નિર્ણય લેવાયો હતો.
વાપી મહાનગરપાલિકાની આજે શુક્રવારે મેયર દક્ષાબેન પટેલને અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના કામોમાં પ્રથમ ગત સામાન્ય અને સ્થાયી સમિતિની બેઠકની મિનિટ્સને બહાલી આપવાનો મુદ્દો ચર્ચાતા જ વિપક્ષ આક્રમક મૂડમાં આવી એજન્ડાના પત્ર સિવાય કોઈ મિનિટ્સ આપવામાં આવી નહી હોવાનું જણાવી ઉગ્ર ભારે ૨જૂઆત કરતા શાસક પક્ષ ભિસમાં આવી ગયું હતું. જો કે મામલો વધુ વણસે તે પહેલા કારોબારી સમિતિના ચેરમેન સતિષ પટેલે ભૂલનો સ્વીકાર કરી લીધો હતો. બાદમાં વિપક્ષે મિનિટ્સ મળ્યા બાદ જ બહાલી આપવાનું કહી વિરોધ વચ્ચે ભાજપના સભ્યોએ મિનિટસે બહાલી આપી હતી.
બેઠકમાં એજન્ડા પરના કામોમાં સામાન્ય સભા અને વિવિધ સમિતિની બેઠકનું સંચાલન માટેનિયમો, કોર્પોરેટરના માનદ વેતન, ભથ્થુ, સ્ટેશનરી ખર્ચ અંગે રાજય સરકારમાં દરખાસ્ત કરવા નિર્ણય લેવાયો હતો. વિપક્ષના નેતા પિરૂ મકરાણીએ પ્રોટોકલ મુજબ વિપક્ષ નેતાની કેબિન સહિતની સુવિધા અંગે કમિશ્નરને બબ્બેવાર પત્ર લખવા છતાં કોઈ પ્રતિયુત્તર આપવામાં આવ્યો નહીં હોવાનો મુદ્દો ગરમાયો હતો. જો કે કમિશ્રરે શાસક પક્ષના નેતા, દંડક, વિપક્ષ નેતાની કેબિનનું કામ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
વિપક્ષે શહેરમાં પાણીનો ભરાવો સહિતના પ્રશ્નો ઉઠાવતા જ ડેપ્યુટી મેયર મિતેષ દેસાઈએ સામાન્ય સભા અગાઉ વોર્ડના પ્રશ્નો અંગે લેખિતમાં રજૂઆત કરવાનું કહી સામાન્ય સભામાં માત્ર એજન્ડા પરના કામો પર જ ચર્ચા થશે એમ કહ્યું હતું. આ ઉપરાંત વિપક્ષના સભ્યએ આઝાદ નગરમાં 25 વર્ષ અગાઉ ઉભી કરાયેલી પીવાના પાણીની ટાંકીમાં હજુ સુધી પાણી આવ્યું નહી હોવા અંગે રજૂઆત કરી હતી. જયારે નવા રેલવે ગરનાળામાં પાણીના નિકાલ અંગે ગોઠવેલી મોટરો પાછળ ખર્ચ કરવા છતાં પરિસ્થિતિ જટીલ બનતી હોવાનું જણાવાયું હતું.
કોંગ્રેસનો કાર્યકર ચાલું સભામાં શરીરે વિરોધ બેનર લગાવી પહોંચી ગયો
સામાન્યમાં વિવિધ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ચાલું સભામાં જ વોર્ડ નં.9માંથી ઉમેદવારી કરનાર અને કોંગી કાર્યકર ચિંતન મહેશ શાહ શરીર પર 'સત્તા પક્ષ શર્મ કરો, શર્મ કરો, વિરોધ પક્ષ કે નેતા કો કેબિન દો. કમિશ્નર સાહેબ, કમિશ્નર કી તરહ કામ કરે સત્તા પક્ષ કે દબાવ મે ન આઈએ એવા' ઉલ્લેખ વાળા બેનર શરીર પર લટકાવી પહોંચી ગયો હતો. થોડી મિનિટો સુધી આંટાફેરા લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કાર્યકર એકદમ સભામાં વિરોધ બેનર સાથે પહોંચી જતા અધિકારી સહિત સભ્યો પણ ચોંકી ગયા હતા. બાદમાં કાર્યકરને બહાર લઇ જવાયો હતો.
વિપક્ષ નેતા અને કમિશ્નર વચ્ચે તુ તુ મૈં મૈં
રજજુભાઈ શ્રોફ ઓડિટોરિયમ ખાતે મળેલી સામાન્ય સભામાં વિપક્ષે કમિશ્નરને પ્રોટોકોલના પાલન મુદ્દે રજૂઆત કરવા છતાં જવાબ નહી આપવા પસ્તાળ પાડી હતી. ચાલું સભામાં કોંગ્રેસના કાર્યકરે બેનર પહેરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેને લઇ બેઠક બાદ વિપક્ષ નેતા પીરૂ મકરાણી અને કમિશ્નર વચ્ચે થયેલી વાતચીત તુ તુ મૈં મૈં સુધી પહોંચી જતા મામલો બિચક્યો હતો. જો કે બાદ મામલો થાળે પાડયો હતો. વિપક્ષે કોંગ્રેસના કોઇ સભ્યએ વિરોધ નહી કર્યો હોવાનું જણાવ્યું પણ કોંગ્રેસના જ કાર્યકરે વિરોધ કરતા સભા ઉપસ્થિતો એક ક્ષણે આવાક બની ગયા હતા.