વલસાડની જીઈબી એમ્પ્લોઇઝ ક્રેડિટ સોસાયટીમાં રૂ.77.86 લાખની ઉચાપત : સોસાયટીના પૂર્વ મંત્રીએ 19 બોગસ ચેકો અને રોકડની ઉચાપત કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Fraud News : વલસાડ સ્થિત ગુજરાત ઇલેકિટ્સીટી બોર્ડ એમ્પ્લોઈઝ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડમાં રૂ.77.89 લાખથી વધુની નાણાકીય ગેરરીતિ અને વિશ્વાસઘાત આચરવા બદલ સોસાયટીના પૂર્વ મંત્રી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ મંત્રીએ 19 બોગસ ચેકો અને રોકડની ઉચાપત કરી હતી. એટલું જ નહી પણ 18 મહિનાથી કમ્પ્યુટરમાં એન્ટ્રી બંધ રાખી કૌભાંડ છુપાવવાનો પ્રયાસ કરાયો હતો.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, ગુજરાત ઇલેકિટ્સીટી બોર્ડ એમ્પ્લોઈઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના પૂર્વ મંત્રી ચાંદનીબેન પટેલે તા.13-01-2021 થી તા.09-11-2024 દરમિયાન સોસાયટીના વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના કરંટ એકાઉન્ટમાંથી સોસાયટીના સભાસદ ન હોય તેવા ત્રાહિત વ્યક્તિઓના નામે કુલ 19 ચેકો ઇસ્યુ કર્યા હતા. લોનની કોઈ પણ અરજી કે મંજૂરી વગર જ આ ચેકો આપી રૂ.73.90 લાખની રકમ તેમજ હંગામી રોકડ સિલકની રકમ રૂ.3.39 લાખ મળી કુલ રૂ.77.86 લાખની નાણાકીય ઉચાપત કરી ગુનાહિત વિશ્વાસઘાત આચયી હતો.
સોસાયટીમાં જુલાઈ 2023થી સોફ્ટવેરમાં હિસાબી ડેટા એન્ટ્રી કરવામાં આવી ન હતી. આ અંગે કમિટી દ્વારા પૂછપરછ કરાતા આરોપી બહાના બતાવતી હતી. પાછળથી કમ્પ્યુટર એક્સપર્ટ દ્વારા 18 મહિનાના બાકી હિસાબોનું ક્રોસ ચેકિંગ અને બેંક સ્ટેટમેન્ટ ટેલી કરાતા બિન સભાસદોના નામે ઇસ્યુ થયેલા શંકાસ્પદ ચેકો અને ગેરરીતિ પ્રકાશમાં આવી હતી. ભેદ ખૂલી જવાની ભીતિથી આરોપી ડિસેમ્બર 2024 માં સોસાયટીને જાણ કર્યા વગર નોકરી છોડીને ભાગી ગઈ હતી.
ગેરરીતિ સામે આવ્યા બાદ સોસાયટીના ઓડિટર મહેશભાઈ તમાકુવાલા દ્વારા ખાસ અહેવાલ તૈયાર કરી જિલ્લા રજીસ્ટ્રારને સોંપવામાં આવ્યો હતો. સહકારી કાયદાની કલમ-93 હેઠળ ચાલેલી ચોકસી તપાસ દરમિયાન આરોપી ચાંદનીબેન પટેલે વલસાડ જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ પોતાના ગુનાની સંપૂર્ણ કબૂલાત કરી હતી અને ઉચાપત કરેલી રકમ પૂરેપૂરી ભરપાઈ કરવાની બાહેધરી આપી હતી. તપાસ પૂર્ણ થયા બાદ વલસાડ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા મંડળીના માજી તથા વર્તમાન પ્રમુખ અને વ્યવસ્થાપક સમિતિના સભ્યોને આ નાણાકીય ગેરરીતિની કોઈપણ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. રજીસ્ટ્રારના આદેશના આધારે પૂર્વ મંત્રી ચાંદનીબેન પટેલ તથા તેમની મદદગારી કરનાર મળતીયાઓ વિરુદ્ધ વલસાડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




