For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વલસાડનાં અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓના વ્યાપ સાથે ધર્માંતરણ વધ્યુ

Updated: Jun 26th, 2021

Article Content Image

-હિન્દુત્વવાદી કહેવાતી ભાજપ સરકારના રાજમાં

-નાસિક જિલ્લાના ગુપ્ત સ્થળોએ લઈ જઈ હિન્દુઓને ભરમાવી

-પ્રલોભનો આપી ધર્માંતરણ કરાવાતુ હોવાની સહકાર ભારતીના વલસાડ જિલ્લા પ્રમુખની મુખ્યમંત્રીને ફરિયાદ

વલસાડ

વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી ધરમપુર, કપરાડા સહિત અન્ય તાલુકામાં નાસિક જિલ્લાની ઈસાઈ મિશનરીઓ હિન્દુઓને ભરમાવી નાસિક જિલ્લાના ગુપ્ત સ્થળોએ લઈ જઈને ધર્મ પરિવર્તન કરાવતા હોવાના આક્ષેપો સાથે સહકાર ભારતી ગુજરાતના વલસાડ જિલ્લાના અધ્યક્ષે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે.

ગુજરાત સહકાર ભારતીના વલસાડ જિલ્લા અધ્યક્ષ વિજય ગોયલે મુખ્યમંત્રી વિજય રૃપાણીને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ જિલ્લાના આદિવાસી બહુલક્ષેત્ર ધરમપુર, કપરાડા સહિત અન્ય તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ઈસાઈ મિશનરીઓ નાસિક જિલ્લાના ગુપ્ત સ્થળોએ હિન્દુઓને ભરમાવીને લઈ જઈ પ્રલોભનો આપી ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે. આવી ઘટના રાજ્ય સરકારના મંત્રી રમણ પાટકરના મતવિસ્તાર ઉમરગામમાં પણ બની હતી. કોરોના મહામારીમાં પણ આવી પ્રવૃત્તિઓ ધમધોકાટ ચાલી રહી છે. વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ તેને અંકુશ લગાવવામાં નિષ્ફળ છે. એટલું જ નહીં કેન્દ્ર તથા રાજ્ય સરકારના ઈન્ટેલીજન્સ વિભાગો પણ આ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં નિષ્ફળ રહ્યા છે. ઈસાઈ પાસ્ટરો દ્વારા હિન્દુ કાર્યકર્તાઓને જાનથી મારવાની ધમકીઓ આપવામાં આવે છે. અને ભૂતકાળમાં હુમલાઓ પણ કરવામાં આવ્યા છે.

મોટાભાગના ચર્ચો-દેવળો હિન્દુ વિસ્તારોમાં બન્યા હોવાની માહિતી છે. જેથી હિન્દુ વસ્તીઓમાં બનેલા ચર્ચો અને દેવળોની તપાસ કરી કાર્યવાહી અર્થે એક ઉચ્ચસ્તરીય સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસ.આઈ.ટી) તથા સ્પેશિયલ ઓપેરશન ટીમ (એસ.ઓ.ટી.)નું ગઠન કરવાની માંગ કરી છે. આ ઉપરાંત મુખ્ય ત્રણ મુદ્દા (૧) જ્યાં ચર્ચ કે દેવળ બનેલી છે ત્યાં ઈસાઈઓ છે કે કેમ? (૨) જો હોય તો એમને મળતાં હિન્દુ આદિવાસીઓના લાભો તાત્કાલિક બંધ કરવા જોઈએ (૩) બનાવવામાં આવેલા ચર્ચ કે દેવળો નિયમ મુજબ છે કે કેમ? અને સરકારી જમીન પર તો નથીને ? હોય તો તલાટી કમ મંત્રી સહિતના જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

આ ફરિયાદની નકલ પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને રાજ્યગૃહમંત્રીને પણ મોકલવામાં આવી છે.

-જિલ્લામાં 2001માં 12 થી 15 ચર્ચ હતા જે 2021માં 220થી વધુ થઈ ગયા

રાજ્યમાં ભાજપ શાસનકાળ દરમિયાન જ ૨૦૦૧માં ૧૨ થી ૧૫ ચર્ચ-દેવળો હતા તેની જગ્યાએ ૨૦૨૧માં ૨૨૦ કરતા વધુ ચર્ચ-દેવળો બની જવા છતા પણ ભાજપની હિન્દુ સરકાર ૨૦ વર્ષમાં વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ધર્માંતર પ્રવૃત્તિઓ રોકી શકી નથી કે કાબૂમાં લઈ શકી નથી. તેની જગ્યાએ આ હિન્દુમાંથી ઈસાઈ ધર્માંતર કરવાના કેસોમાં અનેક ગણો વધારો થયો છે જે ભાજપની હિન્દુ સરકારની સૌથી મોટી નિષ્ફળતા હોવાનું નજરે પડે છે.

-ધર્માંતરણ રોકવા આ કરી શકાય

જિલ્લાના ધરમપુર-કપરાડા જેવા આદિવાસી વિસ્તારોમાં વિભાગીય પોલીસ અધિક્ષકની પોસ્ટ ઊભી કરી આ બન્ને પોલીસ સ્ટેશનો પી.આઈ.કક્ષાના બનાવવા તેમજ પોલીસ ચોકીઓ પીએસઆઈ કક્ષાની બનાવી તાત્કાલિક વધતી જતી ધર્માંતર અને ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લગાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

-નક્સલી પ્રવૃત્તિઓ પણ ફૂલીફાલી છે

જિલ્લામાં ૨૦૦૦ પહેલા તત્કાલિન જિલ્લા પોલીસ અધિક્ષક એ.કે.સીંગ (હાલ એ.ડી.જી.પી.) એ નક્સલી પ્રવૃત્તિઓના મુખ્ય સૂત્રધાર સીમા હીરાણીને ૧૯૯૮માં દબોચીને નક્સલી પ્રવૃત્તિઓના મુળિયા ઉખેડી નાંખ્યા હતા. અને તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ઉમરગામથી અંબાજી વચ્ચેના ક્ષેત્રમાં ચાલતી નક્સલી પ્રવૃત્તિઓ સામે ઝૂંબેશ ચલાવી આ પ્રવૃત્તિ નાબૂદ કરી નાંખી હતી. ત્યારબાદ જિલ્લામાં એકપણ જિલ્લા પોલીસ અધિક્ષક આ પ્રવૃત્તિને નાથવામાં નિષ્ફળ ગયા છે. એટલું જ નહીં પરંતુ આ પ્રવૃત્તિઓએ જિલ્લામાં વેગ પકડયો છે.

Gujarat