જૂના સોના પર બજારનો પૂરો ભાવ કેમ નથી મળતો? વેચતા પહેલાં 5 મોટી ભૂલોથી બચો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Old Gold Selling Tips : સોનાના ભાવમાં મોટો ઘટાડો થયા બાદ જો તમે પણ તમારા જૂના દાગીના વેચવાનું વિચારી રહ્યા હો, તો થોડા થંભી જાઓ. ઉતાવળમાં ઘરેણાં વેચવાથી તમને તેનો યોગ્ય બદલો નહીં મળે. વાસ્તવમાં, બજારમાં સોનાનો જે દર જોવા મળે છે, તે જરૂરી નથી કે જૂની જ્વેલરી વેચતી વખતે તમને એટલી જ રકમ મળે જેટલી ખરીદી વખતે ચૂકવી હતી. સોનાની શુદ્ધતા, સાચું વજન, તેમાં જડેલા પથ્થરો અને ઝવેરી દ્વારા કરવામાં આવતી કપાત તમારા હાથમાં આવતી રકમ ઘટાડી શકે છે. આ સ્થિતિમાં ઘરેણાં વેચતા પહેલાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો સમજવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
બજારના દરે નથી વેચાતું જૂનું સોનું
જ્યારે પણ સોનાના ભાવમાં વધારો કે ઘટાડો થાય છે, ત્યારે તેનો દર પ્રતિ 10 ગ્રામના હિસાબે જાહેર કરવામાં આવે છે. જોકે, જૂની જ્વેલરી વેચતી વખતે ઝવેરી માત્ર આ જ દરના આધારે ચૂકવણી કરતા નથી. તેઓ સૌપ્રથમ દાગીનાની શુદ્ધતા અને તેમાં રહેલા અસલી સોનાનું વજન ચકાસે છે. દાખલા તરીકે, જો તમારી પાસે 22 કેરેટની જ્વેલરી હોય, તો તેનો દર 24 કેરેટ સોનાના ભાવ મુજબ નહીં મળે. આ ઉપરાંત, ઘરેણાંમાં જડેલા પથ્થરો, મોતી અથવા સોના સિવાયના અન્ય ભાગોનું વજન પણ સોનાના વજનમાં ગણવામાં આવતું નથી.
1… સોનાની શુદ્ધતા
ઘણી વખત જૂના દાગીના પર 22 કેરેટ લખેલું હોય છે, પરંતુ તેની વાસ્તવિક શુદ્ધતા જુદી નીકળી શકે છે. જૂના ઘરેણાંમાં સમારકામ, સાંધા અથવા ભેળસેળને કારણે શુદ્ધતા ઓછી હોઈ શકે છે. તેથી વેચતા પહેલાં તેની શુદ્ધતાની તપાસ કરાવવી જરૂરી છે. જો દાગીના પર BIS હોલમાર્ક અને HUID નંબર હોય, તો તમે તેને BIS Care એપ પર પણ ચકાસી શકો છો.
2… સોનાનું વજન
ધારો કે તમારી ચેઈનનું વજન 20 ગ્રામ છે, પરંતુ તેમાં 2 ગ્રામ પથ્થર અથવા સોના સિવાયના અન્ય ભાગો જોડાયેલા છે. આવી સ્થિતિમાં ઝવેરી 20 ગ્રામને બદલે 18 ગ્રામ સોનાના આધારે કિંમત નક્કી કરી શકે છે. આથી દાગીનાનું કુલ વજન અને અસલી સોનાનું વજન અલગ-અલગ રીતે અવશ્ય પૂછો.
3… ઝવેરીઓથી સાવધાન
જો તમે તમારું જૂનું સોનું વેચી રહ્યા હો, તો પહેલી જ દુકાન પર મળેલી ઓફર તરત સ્વીકારી લેશો નહીં. જુદા-જુદા ઝવેરીઓ પાસેથી ભાવ પૂછો. ઘણી વાર એક જ દાગીના માટે અલગ-અલગ દુકાનો પર મળતી રકમમાં તફાવત જોવા મળે છે. ઓછામાં ઓછી બે અથવા ત્રણ જગ્યાએથી લેખિત વેલ્યુએશન મેળવવું વધુ હિતાવહ રહેશે.
4… મેકિંગ ચાર્જ
જ્યારે તમે નવું સોનું ખરીદો છો, ત્યારે તેની કિંમતમાં સોના ઉપરાંત મેકિંગ ચાર્જ અને ટેક્સ પણ જોડાયેલા હોય છે. પરંતુ જૂની જ્વેલરી વેચતી વખતે સામાન્ય રીતે મેકિંગ ચાર્જ પાછો મળતો નથી. એટલે કે, ઘરેણું ઘડાવવા માટે તમે જે વધારાના પૈસા આપ્યા હતા, તે ફરીથી નહીં મળે. તેથી ખરીદીના બિલ અને વેચાણની ઓફરની સરખામણી કરતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખો.
5… કારણ વગરની કપાત
કેટલાક ઝવેરીઓ જૂના દાગીના ખરીદતી વખતે ઓગાળવા, રિફાઈનિંગ અથવા અન્ય ખર્ચાઓના નામે પૈસા કાપી શકે છે. દરેક કપાત ખોટી નથી હોતી, પરંતુ ઝવેરીએ સ્પષ્ટ જણાવવું જોઈએ કે કયા કારણસર કેટલી રકમ કાપવામાં આવી રહી છે. જો શુદ્ધતા અને વજનના હિસાબે અગાઉથી જ કિંમત ઘટાડી દેવામાં આવી હોય, તો તે જ આધારે ફરીથી કપાત કરવામાં આવે ત્યારે સવાલ અવશ્ય પૂછો.




