Utility

આગામી સમયમાં સ્માર્ટફોન ખરીદવો મોંઘો પડી શકે, 30 ટકા સુધી વધી શકે છે કિંમત, રિપોર્ટમાં દાવો

By GS Team
21 Nov 20263 mins read
TukuTouch Logo
મોબાઈલ ફોન ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. Counterpoint Researchના રિપોર્ટ મુજબ, આ વર્ષના અંત સુધીમાં પ્રીમિયમ સ્માર્ટફોનના ભાવમાં 30%થી વધુનો વધારો થશે. મેમરી ચિપ (DRAM અને NAND)ની વૈશ્વિક માંગ અને વધતી કિંમતોને કારણે Apple, Samsung, Oppo અને Xiaomi જેવી બ્રાન્ડના ફોન મોંઘા થશે. 50,000-70,000 રૂપિયાના ફોન 1 લાખને પાર જઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આગામી સમયમાં સ્માર્ટફોન ખરીદવો મોંઘો પડી શકે, 30 ટકા સુધી વધી શકે છે કિંમત, રિપોર્ટમાં દાવો
AI તસવીર

Smartphone Price Hike India: આજના સમયમાં મોબાઈલ ફોનનો ઉપયોગ અતિશય વધી ગયો છે. તેના કારણે લોકો હવે ઝડપથી મોબાઈલ બદલીને નવો ફોન ખરીદવા લાગ્યા છે. જો તમે આગામી કેટલાક મહિનામાં નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. રિપોર્ટ મુજબ, હવે અનેક કંપનીઓના સ્માર્ટફોન મોંઘા થવાની શક્યતા છે. અત્યાર સુધી ઓછા બજેટમાં મળી જતા ફોન માટે પણ હવે વધુ રૂપિયા ચૂકવવા પડી શકે છે. આખરે એવી કઈ કારણોસર મોબાઈલ કંપનીઓ કિંમતો વધારવા મજબૂર થઈ રહી છે અને કઈ મોટી બ્રાન્ડના ફોન મોંઘા થવાના છે?

પ્રીમિયમ સ્માર્ટફોનના ભાવમાં 30 ટકાથી વધુ વધારો થવાની શક્યતા

રિસર્ચ ફર્મ Counterpoint Researchના હાલના રિપોર્ટ મુજબ, આ વર્ષના અંત સુધીમાં પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોનના ભાવમાં 30 ટકાથી વધુનો વધારો થઈ શકે છે. થોડા વર્ષો પહેલાં ભારતમાં 1 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ફોન ખરીદવો મોટી વાત ગણાતી હતી, પરંતુ હવે આ કિંમત સામાન્ય બનતી જઈ રહી છે.

50,000થી 70,000 રૂપિયાની રેન્જના ફોન 1 લાખને પાર કરી શકે

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અગાઉ 50,000થી 70,000 રૂપિયાની રેન્જમાં મળતા ફોનની કિંમતો ઝડપથી 1 લાખ રૂપિયાને પાર જઈ રહી છે. એટલું જ નહીં, Apple અને Samsung જેવી મોટી બ્રાન્ડના ટોપ મોડલ હવે 2 લાખ રૂપિયાની આસપાસ પહોંચી રહ્યા છે. એટલે જો તમે નવો અને સારો બ્રાન્ડેડ ફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો આગામી સમયમાં તેના માટે વધુ રૂપિયા ચૂકવવા પડી શકે છે.

મેમરી ચિપની વધતી કિંમતો સ્માર્ટફોન મોંઘા થવાનું મુખ્ય કારણ

હવે સૌથી મોટો સવાલ એ છે કે સ્માર્ટફોન આટલા મોંઘા કેમ થઈ રહ્યા છે? તેની પાછળનું મુખ્ય કારણ મેમરી ચિપ એટલે કે DRAM અને NANDની વધતી કિંમતો છે. સમગ્ર વિશ્વમાં AI ડેટા સેન્ટર્સની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે આ મેમરી પાર્ટ્સના ભાવમાં મોટો વધારો થયો છે. Counterpoint Researchના આંકડા અનુસાર, વર્ષ 2025ની શરૂઆતમાં એક ફોન બનાવવાના કુલ ખર્ચમાં મેમરી ચિપનો હિસ્સો લગભગ 13 ટકા હતો.

ફોનના ઉત્પાદન ખર્ચમાં મેમરી ચિપનો હિસ્સો 43 ટકા થઈ શકે

પરંતુ આ વર્ષના અંત સુધીમાં આ હિસ્સો વધીને 43 ટકા સુધી પહોંચી શકે છે. સ્વાભાવિક છે કે ફોનમાં વપરાતા પાર્ટ્સ જ આટલા મોંઘા થઈ જશે, તો કંપનીઓ જૂની કિંમતે ફોન વેચી શકશે નહીં. આ જ કારણસર મોબાઈલ કંપનીઓ હવે નવા ફોનના ફીચર્સમાં ફેરફાર કરવાની અને કિંમતો વધારવાની વિચારણા કરી રહી છે. કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધશે તો ફોન મોંઘા થવાની શક્યતા પણ વધી જશે.

અનેક મોટી મોબાઈલ કંપનીઓ પર અસર

ચિપની કિંમતો વધવાને કારણે માત્ર એક જ બ્રાન્ડના ફોન મોંઘા થઈ રહ્યા નથી, પરંતુ તેની અસર અનેક મોટી મોબાઈલ કંપનીઓ પર જોવા મળી રહી છે. અહેવાલ અનુસાર, Oppoના ફ્લેગશિપ ફોનની કિંમતોમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 82થી 87 ટકા સુધીનો સૌથી મોટો વધારો નોંધાયો છે. Appleના iPhone પણ 20થી 22 ટકા સુધી મોંઘા થયા છે. બીજી તરફ, Samsungએ દિવાળી પહેલાં પોતાના Galaxy S26 ફ્લેગશિપના ભાવમાં 17 ટકાનો વધારો કર્યો હતો.

દિવાળી બાદ પણ કેટલાક સ્માર્ટફોનના ભાવમાં 2,000થી 4,000 રૂપિયાનો વધારો

દિવાળી બાદ પણ કેટલાક મોડલના ભાવમાં 2,000થી 4,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. Xiaomiએ પણ તહેવારોની સિઝન પૂરી થયા બાદ પોતાના ફોનની કિંમતો વધારી છે. મોંઘવારીના આ સમયમાં ગ્રાહકો માટે કિંમત અને ફીચર્સ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જરૂરી બની ગયું છે. આ જ કારણસર હવે ગ્રાહકો એવા ફોન ખરીદવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે, જે લાંબા સમય સુધી ઉપયોગી રહે અને ખર્ચેલા રૂપિયાનું પૂરું વળતર આપે.