Utility

Explainer : દેશભરની મેટ્રો અને રેલવેમાં પર બેક્ટેરિયાનો ખતરો, IIT મદ્રાસના નવા સંશોધનની ચોંકાવનારી વિગતો

By GS Team
7 Nov 20264 mins read
TukuTouch Logo
IIT મદ્રાસના અભ્યાસ મુજબ, ચેન્નઈ મેટ્રોમાં લોકો વારંવાર સ્પર્શતા હેન્ડલ અને ટિકિટ મશીનો પર એન્ટિબાયોટિક-પ્રતિરોધક બેક્ટેરિયાના જીન્સ મળ્યા છે. 12 સ્ટેશનો અને ટ્રેનોમાંથી 96 નમૂના લેવાયા હતા, જેમાં 80% થી વધુ નમૂનામાં આવા જીન્સ જોવા મળ્યા. જોકે, આનાથી તરત ચેપ લાગવાનું જોખમ નથી, પરંતુ સ્વચ્છતા જાળવવા અને હાથ ધોવા જેવી સાવચેતી રાખવી જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer : દેશભરની મેટ્રો અને રેલવેમાં પર બેક્ટેરિયાનો ખતરો, IIT મદ્રાસના નવા સંશોધનની ચોંકાવનારી વિગતો
AI તસવીર

IIT Madras Metro Study, Microbial Risks in Public Transport: શું તમે રોજ ઑફિસ જવા માટે મેટ્રો કે ટ્રેનનો ઉપયોગ કરો છો? જો હા, તો તમે આજે સવારે જે હેન્ડલ કે ટિકિટ મશીનને સ્પર્શ કર્યો, તેના પર શું છુપાયેલું હતું તે શું તમે જાણો છો? જાહેર પરિવહનના સ્થળોએ લાખો લોકો દ્વારા સ્પર્શ કરવામાં આવતી સપાટીઓ પર અદૃશ્ય જીવો છુપાયેલા હોઈ શકે છે. આ બાબત તાજેતરમાં IIT મદ્રાસ દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં ઉજાગર થઈ છે. આ સંશોધનમાં ચેન્નઈ મેટ્રોમાં રહેલા માઇક્રોબાયલ (સૂક્ષ્મજીવો) જગતનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે, જે દરમિયાન એન્ટિબાયોટિક દવાઓને પણ મચક ન આપે તેવા બેક્ટેરિયાના જનીનો (Genes) મળી આવ્યા છે. આ અદૃશ્ય જોખમથી ગભરાવા જેવું છે? ચાલો મામલાની વિગતોમાં ઊંડા ઉતરીએ.

IIT મદ્રાસનું ઐતિહાસિક સંશોધન

ભારતની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં સપાટી પર જોવા મળતાં સૂક્ષ્મજીવોનો આ પ્રથમ વ્યાપક અભ્યાસ છે. mSphere જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં IIT મદ્રાસની ટીમે ચેન્નઈ મેટ્રોની બ્લુ અને ગ્રીન લાઇન પર આવેલા 12 સ્ટેશનો અને ટ્રેનોમાંથી 96 નમૂના એકત્રિત કર્યા હતા. આ નમૂનાઓ ખાસ કરીને લોકો દ્વારા વારંવાર સ્પર્શ થતી વસ્તુઓ જેવી કે હેન્ડ રેઇલ, ટિકિટ વેન્ડિંગ મશીન અને સ્ટેશન કાઉન્ટર પરથી લેવાયા હતા.

આ પૈકી શરૂઆતના 96 નમૂનામાંથી 41નું વિગતવાર DNA એનાલિસિસ કરાયું ત્યારે સંશોધકોને 80 ટકાથી વધુ નમૂનામાં એન્ટિબાયોટિક પ્રતિકારક (Antibiotic-resistant) જનીનો મળી આવ્યા હતા. ટીમે આવા 72 પ્રકારના જનીનોની ઓળખ કરી છે. આ એવા જનીનો છે જે બેક્ટેરિયાને એન્ટિબાયોટિક સામે ટકી રહેવામાં મદદ કરે છે, જેનાથી ભવિષ્યમાં ઇન્ફેક્શનની સારવાર કરવી મુશ્કેલ બની શકે છે. નોંધનીય છે કે, કે ચેન્નઈ મેટ્રોમાં વાર્ષિક 10.5 કરોડથી વધુ મુસાફરો મુસાફરી કરે છે, જેના કારણે આ અભ્યાસ ખૂબ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

કયા પ્રકારના બેક્ટેરિયા અને જનીનો મળ્યા?

ટ્રેનના હેન્ડ રેઇલ કરતાં ટિકિટ વેન્ડિંગ મશીનો પર સૂક્ષ્મજીવોની સૌથી વધુ વિવિધતા જોવા મળી હતી. લગભગ 97 ટકા નમૂનામાં 30 જેટલી માઇક્રોબાયલ પ્રજાતિ મળી આવી હતી. આ સૂક્ષ્મજીવો સામાન્ય રીતે માટી, પાણી, હવા અને માનવ ત્વચા સાથે સંકળાયેલા હોય છે. ચિંતાનો વિષય એ છે કે આ નમૂનાઓમાં રિફામિસિન (Rifamycin) અને સલ્ફોનામાઇડ્સ (Sulfonamides) જેવી મહત્ત્વપૂર્ણ એન્ટિબાયોટિક દવાઓ સામે પ્રતિકાર કરી શકે તેવા આનુવંશિક માર્કર્સ પણ હતા. રિફામિસિન વર્ગની દવાઓનો ઉપયોગ ક્ષય રોગ (TB) જેવી ગંભીર બીમારીની સારવારમાં થાય છે.

શું મુસાફરોને ચેપ લાગવાનો ખતરો છે?

IIT મદ્રાસના ડેટા સાયન્સ અને AI વિભાગના પ્રોફેસર કાર્તિક રમણ સ્પષ્ટતા કરે છે કે મેટ્રોની સપાટી પર આવા જનીનો મળવાનો અર્થ એ બિલકુલ નથી કે મુસાફરોને ચેપ લાગવાનું સીધું જોખમ છે. સંશોધકોએ માત્ર DNA વિશ્લેષણ કર્યું છે, જે એ નથી બતાવી શકતું કે બેક્ટેરિયા રોગ ફેલાવવા માટે સક્ષમ છે કે નહીં. આપણા રોજિંદા વાતાવરણમાં અને આપણા શરીર પર પણ ઘણા સૂક્ષ્મજીવો હોય છે, જેમાંથી મોટાભાગના હાનિકારક હોતા નથી. આ તારણો માત્ર એક ચેતવણી છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે વધુ સાવચેત રહેવાની જરૂર છે.

દિલ્હી રેલવે સ્ટેશન પર હવામાં તરતા બેક્ટેરિયા

ચિંતા માત્ર ચેન્નઈ પૂરતી સીમિત નથી. દિલ્હીના રેલવે સ્ટેશનો પર થયેલા અને 'સાયન્સ ઓફ ધ ટોટલ એન્વાયર્નમેન્ટ'માં પ્રકાશિત થયેલા એક અન્ય અભ્યાસમાં હવામાં ફેલાતા સૂક્ષ્મજીવોની તપાસ કરાઈ હતી. દિલ્હીના સંશોધનમાં સ્યુડોમોનાસ (Pseudomonas) અને મોરેક્સેલા (Moraxella) સહિતના બેક્ટેરિયા અને એન્ટિબાયોટિક પ્રતિકારક જનીનો હવામાં તરતા મળી આવ્યા હતા.

હાલના સંશોધનો દર્શાવે છે કે પ્રદૂષણને કારણે દિલ્હીની હવામાં રહેલા PM 2.5ના નાના કણો આ બેક્ટેરિયા માટે વાહનનું કામ કરે છે. આ સૂક્ષ્મ કણો એટલા નાના હોય છે કે તે બેક્ટેરિયાને લઈને શ્વાસ મારફતે ફેફસાંના ઊંડાણ સુધી પહોંચી શકે છે, જેનાથી શ્વસનતંત્રના રોગોનું જોખમ વધે છે. ટૂંકમાં કહીએ તો, ચેન્નઈનો અભ્યાસ સપાટી (Surface) પરના જીવાણુઓ વિશે હતો, જ્યારે દિલ્હીનો અભ્યાસ હવામાં (Airborne) ફરતા જીવાણુઓ પર પ્રકાશ પાડે છે.

'માઇક્રોબાયલ સિગ્નેચર'ની વૈશ્વિક સરખામણી: ચેન્નઈની ખાસિયત શું છે?

આ સંશોધન 'મેટાસબ' (MetaSUB) નામના એક મોટા વૈશ્વિક પ્રોજેક્ટનો હિસ્સો છે. 2015માં શરૂ થયેલા આ પ્રોજેક્ટે ન્યૂયોર્કથી લઈને વિશ્વના 60 શહેરોની મેટ્રો સિસ્ટમ્સના હજારો નમૂના લીધા છે. દરેક શહેરની પોતાની એક અલગ 'માઇક્રોબાયલ સિગ્નેચર' હોય છે, જે તેના હવામાન અને ભૂગોળ પર આધારિત હોય છે. ચેન્નઈના હાલના ડેટાને વિશ્વના અન્ય 31 શહેરોના ડેટા સાથે સરખાવાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, ચેન્નઈમાં 9 એવી બેક્ટેરિયલ પ્રજાતિ મળી આવી જે અન્ય દેશોના શહેરોમાં સામાન્ય રીતે જોવા મળતી નથી. ચેન્નઈનું દરિયાકાંઠાનું લોકેશન, ગરમ આબોહવા અને ભેજવાળું વાતાવરણ આ ખાસ પ્રકારના બેક્ટેરિયાના વિકાસ માટે જવાબદાર હોઈ શકે છે.

નિરાકરણ માટેના જરૂરી પગલાં

સંશોધકોનું કહેવું છે કે કોઈપણ જાહેર સ્થળને 100 ટકા જીવાણુમુક્ત બનાવવું અશક્ય છે અને તે આપણો ઉદ્દેશ્ય પણ ન હોવો જોઈએ. પરંતુ, આ અભ્યાસ કેટલાક મહત્ત્વના સૂચનો કરે છે.

  • ટાર્ગેટ ક્લીનિંગ: ટિકિટ કિઓસ્ક અને મશીનો જેવી વારંવાર સ્પર્શ થતી સપાટીઓ માટે ખાસ અને નિયમિત સફાઈ પ્રોટોકોલ હોવા જોઈએ.
  • વેન્ટિલેશન: દિલ્હી જેવા શહેરોમાં હવામાં ફેલાતા જીવાણુઓને રોકવા માટે સ્ટેશનો પર સારી વેન્ટિલેશન સિસ્ટમ અને હવાની ગુણવત્તાનું મોનિટરિંગ જરૂરી છે.
  • લાંબા ગાળાની દેખરેખ: અલગ-અલગ ઋતુઓમાં માઇક્રોબાયલ કમ્યુનિટીમાં કેવા ફેરફારો થાય છે તે જાણવા નિયમિત અંતરે આવા ટેસ્ટ થવા જોઈએ.

આપણે શું સાવચેતી રાખવી જોઈએ?

દરેક મુસાફરે બેઝિક સ્વચ્છતાના નિયમો પાળવા જોઈએ. મેટ્રો કે ટ્રેનની મુસાફરી પછી, અને ખાસ કરીને કંઈપણ ખાતા પહેલા, સાબુથી હાથ ધોવા અથવા સારી ગુણવત્તાવાળા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો એ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. માત્ર દૃશ્યમાન ગંદકી દૂર કરવાથી તમામ જીવાણુઓ મરતા નથી, તેથી તમારી પોતાની અંગત સ્વચ્છતા જ તમારું સૌથી મોટું રક્ષણ છે.