Explainer: હોમ લોન પૂરી થઈ ગયા પછીયે બૅંક પેપર્સ પાછા નથી આપતી? તમને રોજ મળી શકે છે રૂ. 5,000નું વળતર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Home Loan 30 Days Paper Rule : જીવનમાં સૌથી મોટી રાહત ત્યારે મળે છે જ્યારે હોમ લોનનો છેલ્લો હપ્તો (EMI) પૂરો થાય છે અને માથા પરથી દેવાનો બોજ હળવો થાય છે. લોકો સમજે છે કે હવે ખાતું સેટલ થઈ ગયું, પરંતુ લોન પૂરી કર્યા પછી પણ અસલ દસ્તાવેજો (ઓરિજિનલ પેપર્સ) પાછા મેળવવા માટે લોકોએ બૅંકના ધક્કા ખાવા પડતા હોય છે.
ગ્રાહકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(RBI)એ એક કડક અને ગ્રાહક-લક્ષી નિયમ બનાવ્યો છે, જે મુજબ જો બૅંક તમારા દસ્તાવેજો સમયસર પાછા આપવામાં ભૂલ કરે છે, તો તેણે તમને મોટું વળતર ચૂકવવું પડે છે. ઘણાને ખબર નહીં હોય કે આ નિયમ 1 ડિસેમ્બર, 2023થી અમલમાં છે. ચાલો, આ નિયમની વિગતો સમજીએ.
RBIનો 30-દિવસનો નિયમ શું છે?
જ્યારે તમે તમારી હોમ લોનની સંપૂર્ણ રકમ ચૂકવી દો છો, ત્યારે બૅંક અથવા ફાયનાન્સ કંપની(NBFCs કે HFCs)એ 30 દિવસની અંદર તમારી મિલકતના તમામ અસલ દસ્તાવેજો (જેમ કે સેલ ડીડ, મધર ડીડ વગેરે) તમને ફરજિયાતપણે પરત કરવાના હોય છે.
માત્ર એટલું જ નહીં, રજિસ્ટ્રી(જેમ કે CERSAI)માંથી તમારી મિલકત પરનો બૅંકનો ચાર્જ કે બોજ પણ આ જ 30 દિવસમાં હટાવવાનો હોય છે. ભલે બૅંકે તમારા કાગળો ડિજિટલ કરી લીધા હોય, છતાં તેમણે ઓરિજિનલ ફિઝિકલ પેપર્સ પાછા આપવા જ પડે, એવો નિયમ છે.
તમારી અનુકૂળતા મુજબ દસ્તાવેજો મેળવો
અગાઉ દસ્તાવેજો લેવા માટે બૅંકની કોઈ દૂર આવેલી હેડ ઑફિસ કે સેન્ટ્રલ વેરહાઉસ સુધી જવું પડતું હતું, પરંતુ હવે એવું નથી. ગ્રાહકો પાસે હવે વિકલ્પ છે.
- જે બ્રાન્ચમાંથી લોનની પ્રક્રિયા થઈ હોય ત્યાંથી પેપર્સ મેળવવા.
- અથવા બૅંકની એવી કોઈ પણ ઓફિસ જ્યાં દસ્તાવેજો ફિઝિકલી હાજર હોય ત્યાંથી મેળવવા.
જો 30 દિવસમાં પેપર્સ ન મળે તો બૅંકને દરરોજ ₹5,000નો દંડ!
આ નિયમનો સૌથી કડક ભાગ વળતરનો છે. જો તમારી લોન પૂરી થયાના 30 દિવસની અંદર બૅંક દસ્તાવેજ પરત ન કરી શકે, તો બૅંકે તમને વિલંબનું કારણ લેખિતમાં આપવાનું હોય છે. આ ઉપરાંત, 30મા દિવસ પછી જેટલા દિવસ મોડું થાય, એટલા દિવસ માટે બૅંકે તમને દરરોજના ₹5,000 લેખે વળતર ચૂકવવું પડે છે. આ દંડને બૅંક તમારા અન્ય કોઈ બાકી લેણાં સામે એડજસ્ટ કરી શકતી નથી. ઉદાહરણ લઈને સમજીએ.
ધારો કે 1 માર્ચે તમારી લોન પૂરી થઈ છે, તો બૅંકે 30 દિવસમાં પેપર્સ આપવા પડે. પણ જો બૅંક 20 એપ્રિલે (50 દિવસ પછી) પેપર્સ આપે, તો 20 દિવસ મોડું થયું ગણાય. આ કિસ્સામાં બૅંકે તમને વળતર પેટે સીધા ₹1,00,000 (20 દિવસ x ₹5,000) આપવા પડે.
જો બૅંકથી પેપર્સ ખોવાઈ જાય કે પેપર્સને નુકસાન થાય તો?
ઘણીવાર બૅંકની બેદરકારીથી કે ટ્રાન્ઝિટમાં અસલ દસ્તાવેજો ખોવાઈ જતા હોય છે. આવા ગંભીર કિસ્સામાં શું થાય, એ જોઈએ.
- ડુપ્લિકેટ અથવા સર્ટિફાઇડ નકલ કઢાવવાની તમામ જવાબદારી અને તેનો પૂરેપૂરો ખર્ચ બૅંકે ઉઠાવવો પડે છે.
- બૅંકને આ કાનૂની પ્રક્રિયા કરવા માટે વધારાના 30 દિવસ(એટલે કે કુલ 60 દિવસ)નો ગ્રેસ પિરિયડ આપવામાં આવે છે.
- જો 60 દિવસ પછી પણ બૅંક ડુપ્લિકેટ પેપર્સ ન આપે, તો 61મા દિવસથી બૅંકે ગ્રાહકને દરરોજના ₹5,000 લેખે દંડ ચૂકવવો પડે છે.
કાનૂની વારસદારો માટે નિયમ
જો લોન લેનાર વ્યક્તિનું અવસાન થાય, તો બૅંક ‘ઇન્ટરનલ ચેકિંગ’ના બહાને પેપર્સ પોતાની પાસે અનિશ્ચિત સમય માટે અટકાવી શકે નહીં. બૅંકે કાનૂની વારસદારોને પેપર્સ સોંપવાની સ્પષ્ટ પ્રક્રિયા પોતાની વેબસાઇટ પર મૂકવી પડશે. વારસદારો દ્વારા જરૂરી કાગળો જમા કરાવ્યા પછી તેમના માટે પણ આ 30 દિવસનો નિયમ લાગુ પડી જશે.
તમારા અધિકારનો દાવો કેવી રીતે કરવો?
જો બૅંક પેપર્સ આપવામાં વિલંબ કરી રહી હોય, તો વળતર મેળવવા માટે આ પગલાં ભરો.
1… NOC સંભાળીને રાખો: લોન ખાતું કઈ તારીખે સંપૂર્ણપણે ‘Closed’ કે ‘Settled’ થયું છે તેનો પુરાવો (NOC - No Objection Certificate, અથવા છેલ્લી રસીદ) તમારી પાસે રાખો.
2… સત્તાવાર ફરિયાદ કરો: જો 30 દિવસ પસાર થઈ જાય, તો લેખિત પુરાવા (પેપર ટ્રેલ) બનાવવા માટે બ્રાન્ચ મેનેજરને ઈમેલ કરો અથવા બૅંકના ફરિયાદ પોર્ટલ પર સત્તાવાર ફરિયાદ નોંધાવો.
3… RBI ઓમ્બડ્સમેન (લોકપાલ): જો બૅંક તમારી વાત ન સાંભળે અથવા દંડના ₹5,000 ચૂકવવાની ના પાડે, તો તમે ઓનલાઇન 'CMS પોર્ટલ' દ્વારા RBI ઓમ્બડ્સમેન સમક્ષ ફરિયાદ કરી શકો છો. RBI આ મામલાને ખૂબ ગંભીરતાથી લે છે અને બૅંક પાસે દંડ ભરાવવાની સત્તા ધરાવે છે.
જ્ઞાન એ જ શક્તિ
ભારતીય મકાનમાલિકો અને લોન લેનારાઓ માટે 30-દિવસનો આ નિયમ એક મોટી જીત છે. આ નિયમ પર્સનલ પ્રોપર્ટી અને કોમર્શિયલ પ્રોપર્ટી લોન બંનેને લાગુ પડે છે. જોકે, ઘણાં માણસોને આ નિયમ વિશે ખબર નથી હોતી. દેવું ચૂકવ્યા પછી કોઈપણ બૅંકના મનસ્વી વહીવટના કારણે તમે હેરાન ન થાઓ અને તમારી મિલકતના કાગળો સુરક્ષિત રીતે તમારા હાથમાં જલ્દીથી આવી જાય, એ બાબતે તમે જાગૃત હો, એ જરૂરી છે. તો જ તમે તમારા હકનું વળતર મેળવી શકશો!




