Get The App

વોન્ટેડ ગ્લોબલ વોર્મિંગ

Updated: Feb 3rd, 2019

GS TEAM

Google News
Google News
વોન્ટેડ ગ્લોબલ વોર્મિંગ 1 - image



શિયાળાની જમાવટ યથાવત્  છે અને બપોરે પણ ઉત્તર-દક્ષિણના સૂસવાટા મારતા પવનોને કારણે બજારના કામકાજમાં પણ ઠંડક દેખાય છે. શાળાઓમાં હાજરી ઘટી છે અને પ્રવાસપ્રિય ગુજરાતીઓ લાંબા સમયથી ઘરઘરમાં ઘરઘર રમીને છુપાઈ રહ્યા છે. ઘણા વર્ષો પછી આ વખતે શિયાળો સોળે કળાએ ખીલ્યો છે. માત્ર ભારતમાં જ નહીં, યુરોપ, અમેરિકા સહિત સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં શિયાળાનું અવિચ્છિન્ન સામ્રાજ્ય છે. 

હવામાનશાસ્ત્રીઓ આ વખતના આવા અર્ર્ધવૈશ્વિક શીતકાળ માટે ધુ્રવ પ્રદેશોના બર્ર્ફિલા તોફાનોને જવાબદાર માને છે. આર્કટીક પ્રદેશમાં પોલર વોર્ટેક્સને કારણે હવામાં થતાં પરિવર્તનોને કારણે આ વખતે દુનિયાના ઉત્તરીય ભાગમાં ઠંડીનો પ્રકોપ જળવાયો છે. શિકાગોમાં તો ઉષ્ણતામાન માઈનસ ૩૦ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. યુરોપ-અમેરિકા તરફ સતત વહેતા રહેલા બફલા પવનોને કારણે ઉષ્ણતામાન હજુ પણ ૭૦ ડિગ્રી સુધી નીચે જવાની આ વખતે દહેશત છે. 

અત્યારે જ અડધું જગત આમાં લગભગ સ્તબ્ધ થઇ ગયું છે. આ એક એવી તુનો જગત અનુભવ કરે છે જેમાં ખુલ્લા આકાશ નીચે માત્ર ૧૦-૧૫ મિનિટ ઊભા રહેવાનું જોખમ પણ જીવલેણ નીવડી શકે છે. આપણે ત્યાં સરકાર અને હવામાન વિભાગને એની જવાબદારીઓનું કોઈ વિશેષ ભાનસાન નથી.

શિયાળામાં સવારે સ્કૂલ એક પણ દિવસ ન હોવી જોઈએ છતાં તમામ સરકારી શાળાઓ શનિવારે તો સવારની જ રહી છે. કોણ એમને કહે કે શિયાળામાં સવારે તમે પણ બધા પ્રધાનો અને અધિકારીઓ શાળાએ આવો તો ખબર પડે ! ગુજરાતમાં ભાજપનું શાસન એટલું લાંબુ ચાલ્યું છે કે તમામ વિભાગોમાં હોતા હે ચલતા હૈ જેવી પોલીસી છે. આ વખતના કાતિલ શિયાળામાં રાજ્યના આરોગ્યથી મુખ્ય સુઘીના કોઈ પણ પ્રધાને આ શિયાળાની ઠંડી પર એક પણ શબ્દ ઉચ્ચાર્યોનથી.

રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અનેક જાહેર સ્થાનોમાં પડયા રહેતા પીડિતોને સરકારે ટૂંકા પનાની એક શાલ પણ ઓઢાડી નથી. વાઇબ્રન્ટમાં ઊભી કરેલી ધુ્રજારીને બદલે ધુ્રજતા હાડ અને હૈયાઓને સરકારે હૂંફ આપી હોત તો વધુ સારું થાત. હજુ આજેય તેઓ મોસમ અને દરિદ્રતા બંનેથી થર-થર કાંપી રહ્યા છે. 

ભારતમાં હજુ આ શિયાળો ટકવાનો છે. લોકોના મનમાં એક ભ્રાંતિ હોય છે કે ઉત્તરાયણ પછી ઠંડી હળવી થાય છે. ખરેખર એમ નથી. હુતાસણીના ભડક અગ્નિને તાપીને પછી જ શિયાળો વિદાય લે છે. આ સપ્તાહે વિકએન્ડમાં ઇલિનોઇસ, વિસ્કોન્સિન, જ્યોજયા વગેરે શહેરોમાં જે બરફ વર્ષા થઇ તેનાથી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હેબતાઈ ગયા છે. અને તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, હે ગ્લોબલ વોમગ તું પાછું આવી જા.

કારણ કે જે ગ્લોબલ વોમગની લોકો સૌથી વધુ ડરતા હતા તેની હવે સહુને તાતી જરૂર પડી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઓછી માયા નથી. પર્યાવરણ સંબંધિત અનેક બહુરાષ્ટ્રીય કરારોમાં તેમણે પાછીપાની કરી છે એટલે આ થોડા સમય માટેના હિમયુગીન વાતાવરણના બહાને તેમણે ગ્લોબલ વોમગથી ડરતા સજાગ રાષ્ટ્રોની બેધડક મજાક ઉડાવી છે. એ વાત અલગ છે કે કોઈપણ મોસમની અનિયંત્રિત ગતિમાં આખરે તો ગ્લોબલ વોમગ જ મળી આવે છે. 

આપણા જમ્મુ-કાશ્મીરમાં તો આ વખતે ઠંડીનો ૩૦ વર્ષ જૂનો વિક્રમ પણ તૂટી ગયો. સરોવરો થીજી ગયા છે અને ઘરે ઘરમાં પીવાના પાણી પણ બરફ બની ગયા છે. રાજસ્થાનમાં રણ પર થઈને આવતો પવન સવાર સુધી તો હાડ થીજાવી દે એવો છે. સાંજથી સવાર સુધી તો સન્નાટો હોય છે, પરંતુ દિવસે પણ અવારનવાર ચહલ-પહલ બંધ રહે છે.

જનજીવન તો દિવસોના દિવસો સુધી ઠપ્પ થતું રહે છે. ભારતમાં આ વખતે તો એવા એવા પહાડી પ્રદેશોમાં બરફ વર્ષા થઇ છે જ્યાં છેલ્લા દસ વર્ષમાં કદી બરફ પડયો નથી. છેલ્લા કેટલાક વર્ષોથી દેશની પ્રજાને ચોમાસામાં પણ એવો અનુભવ થાય છે કે જ્યાં કદી પણ જળપ્રલય કે પૂર ન હતા ત્યાં એકાએક વરસાદી જળ ફરી વળ્યા હતા.

આ વખતના ઠંડીના લોકાનુભવ વિશે આયુર્વેદાચાર્યાે અને તબીબોનો તો વળી સાવ જુદો જ મત છે. તેઓ કહે છે કે ઠંડી તો હોવી જોઈએ એટલી જ છે, પરંતુ ખોરાકી પ્રદુષણને કારણે માનવ શરીર એનો આનંદ લઇ શકતા નથી. ફાસ્ટફૂડ અને બહારના તૈયાર મીઠા-મધુરા, ચટપટા અને અટપટા ખોરાકને કારણે પ્રજાની મોસમ માણવાની ક્ષમતા માઈનસ થઈ ગઈ છે. જ્યાં સુધી ખોરાક ની ડિઝાઇન નહી બદલાય ત્યાં સુધી દેશની તમામ હોસ્પિટલો છલકાતી રહેવાની છે.

સામાન્ય રીતે જ્યારે શિયાળામાં ઠંડી વધારે પડે છે ત્યારે એને અનુસરીને આવતો ઉનાળો પણ ધોમ ધખાવે છે. હવે પછીનો ઉનાળો પણ ઊંચા ઉષ્ણતામાનનો અનુભવ કરાવશે. અને પરંપરા પ્રમાણેની એ આગાહી સાચી પડે તો પછીનું ચોમાસુ પણ પુરબહારમાં વરસાદ લઈ આવશે. હવેના વરસોની મોસમો થોડી જુદા પ્રકારની હોવાની.

એ માટે સરકારે અને કેટલાક સામાજિક સંગઠનોએ પણ જાગૃત રહેવું પડશે. કારણ કે જ્યાં સુધી મોટી જાનહાનિ ન થાય ત્યાં સુધી સરકારનું તો આ પ્રકારનાં સંકટ પર ધ્યાન જ જતું નથી. એટલે સેવાભાવી સંગઠનોની પણ એ જ ફરજ બની રહે છે કે ઓળખી ન શકાય તેવી પ્રજા પર આવી પડેલી કોઈ પણ આપત્તિમાં તે પ્રજાની પડખે રહે. 

Tags :