ઘેટાંઓની પસંદગી ચાલુ : હવે ચમચા કોમ્યુનિટીની ચહલપહલ જોવા જેવી હશે.

આ વખતે ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા જે લોકજાગૃતિના કાર્યક્રમો થવા જોઈએ એના પર આગોતરું ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું છે. રાજનેતાઓ ચાહે છે કે રમતા રમતા મતદારોના હાથમાંથી મત પડાવી લઈએ. સમગ્ર ભારતમાં જ્ઞાાતિવાદની જબરજસ્ત પકડ છે. કોઈ ઉમેદવાર પોતાના ડહાપણ કે વિદ્વત્તાને આધારે જીતી શકે એમ નથી. જીતવાની વાત તો પછી છે, એમને રાજકીય પક્ષો ટિકિટ જ ન આપે. નેતાઓ માને છે કે સજ્જન અને કાર્ર્યકુશળ તથા સ્વતંત્ર બુદ્ધિ ધરાવતા લોકોને ટિકિટ આપવી એ પક્ષ માટે આત્મઘાતક છે, કારણ કે લોકો વિકસિત છે પણ એમની મનોદશા જ્ઞાાતિના ગુલામ જેવી છે. એના પગમાં જ્ઞાાતિવાદની લોખંડી બેડીઓનાં બંધન છે. જે બંધન હજુ સુધી તૂટયા નથી ને નજીકના ભવિષ્યમાં તૂટે એવો કોઈ અણસાર નથી. ઉમેદવાર નક્કી કરવો એ  પક્ષ માટે હવે બહુ જ આકરું કામ છે. એકને સ્ટાર બનાવવા જતાં સો હિતશત્રુઓ ઊભા કરવાની આ પ્રક્રિયા છે અને દરેક પક્ષે ધરાર એમાંથી પસાર થવું પડે છે, કારણ કે એક જ ઉમેદવાર નક્કી કરો કે તુરત જ અનેકને પેટમાં શૂળ ઉપડે. એનું કારણ એ છે કે આ જે અનેક છે એને પક્ષના મોવડીઓ અને પેટા મોવડીઓએ સતત જાતજાતની ચોકલેટ છેલ્લાં પાંચ વરસથી ખવરાવી હોય છે. પક્ષને એ ચોકલેટોના ઢગલાઓ હવે ભારે પડે છે. ગુજરાતમાં તો બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર ગઈ ત્યારથી રાજકીય પક્ષો વસ્તીપત્રકો ટેબલ પર રાખીને દરેક મત વિસ્તારમાં બહુસંખ્ય જ્ઞાાતિઓને જ ટિકિટ આપતા થયા. આજે પણ એમાં હજુ બહુ ફેર પડયો નથી. નરેન્દ્ર મોદીનો જ્યારે સુવર્ણ યુગ ચાલુ થયો ત્યારે એમણે ધાર્યું હોત તો એમના નામ પર જેમ ઘણા પથરા તરી ગયા એમ યોગ્ય તેજસ્વી નવયુવા નેતૃત્વને તેઓ જ્ઞાાતિબાધ વિના ચાન્સ આપી શક્યા હોત. પરંતુ તેમણે જોયું હોય કે આવા તેજસ્વી લોકો પાછા જી-હજુરિયા તો હોય નહીં તો એમને ઊંચા લાવીને પોતાને શું ફાયદો? એટલે કે વિધાનસભા અને સંસદમાં વાઘ-સિંહની વસ્તી વધે નહીં૧ અને ઘેટાંઓનો વિશાળ સમુદાય જળવાઈ રહે એ જોવાનું કામ જ હાઈકમાન્ડો કરે છે.

રાજકારણમાં સત્ય સાંભળવા કોઈ તૈયાર નથી. ચોતરફ યસમેનનો જ મહિમા છે. ચમચાઓ અને ચમચીઓથી આપણા રાજકીય પક્ષો છલકાય છે તે એટલી હદે કે વાસણ બજાર અને કંસારા બજારમાં હોય એનાથી અનેકગણાં ચમચા-ચમચીઓ રાજકીય પક્ષોમાં જોવા મળે છે. હવે તો ચૂંટણી આવી એટલે નેતાઓની ચેમ્બરમાં છુપાયેલા ચમચાઓ પણ શેરીઓમાં દેખાશે. અસલ લોકસેવાના ભેખધારીઓ આ પૃથ્વી પરથી ચિરવિદાય લઈ ગયા પછી તેઓ આવા પૂંછડિયા જંતુઓ મૂકતા જશે એની ભારતીય પ્રજાને ત્યારે કલ્પના નહોતી. વળી આ ચમચાઓમાં પણ આયારામ - ગયારામ હોય છે. ગઈ ચૂંટણીમાં પેલાના ઝંડા ઝાલ્યા હતા અને આ ચૂંટણીમાં પેલાના વિરોધીના કાર્યાલયમાં દીવાબત્તી કરતા હોય. એમાંય હવે ઝડપ આવી છે. આ ચમચાઓ સવારની આરતી ભાજપમાં અને સાંજની આરતી કોંગ્રેેસમાં ઉતારે છે અને બપોરે જો થાળ હોય તો આમ આદમી પાર્ટીના નવા નિશાળિયાનો રાજભોગ આરોગવાનો. હવે ચમચા કોમ્યુનિટીની ચહલપહલ જોવા જેવી હશે.

આપણે ત્યાં નેતાઓની મજાક પણ આડેધડ થાય છે જે પણ નૈતિક રીતે યોગ્ય નથી. નેતાઓની નીતિઓ કે સેવાપ્રથાની ખરા અર્થમાં ટીકા થઈ શકે. ભલે એ ન સ્વીકારે તો વારંવાર નિંદા પણ થઈ શકે, પરંતુ ખોટી રીતે એમને ઉતારી પાડવા કે એમને હલકા બતાવવા એ નાગરિકતા ભોગવતા લોકો માટે યોગ્ય નથી. એનું કારણ એ છે કે નેતાઓને હલકા આલેખવા જતાં આખી ચૂંટણી પ્રક્રિયાનું ક્રમશઃ અવમૂલ્યન થઈ ગયું છે. લોકશાહીનો એક ગંભીર પ્રસંગ ચૂંટણીનો દિવસ છે. એની ગંભીરતા જો પ્રજા ન સમજે તો ચાલબાજ અને ચાલાક લોકોની જાળમાં ફસાઈને તેઓ પોતે જ ઇચ્છતા ન હોય એમને મત આપી બેસે છે. રાજનેતાઓએ અજમાવેલા મનોવિજ્ઞાાનનો શિકાર થઈ જનારા મતદારો આપણા દેશમાં તો કરોડોની સંખ્યામાં છે. સ્વસ્થ ચિત્તે યોગ્ય રીતે પોતાની જાતે ઉમેદવારોનું મૂલ્યાંકન કરીને મત આપનારા લોકો તો હવે લઘુમતીમાં છે. તો બહુમતીમાં કોણ છે? જ્ઞાાતિના ત્રાજવે ઉમેદવારને તોલીને પોતાનો મત મતપેટીમાં ડૂબાડી દેનારા લોકો જ બહુમતીમાં છે એ દેશનું નહીં, લોકશાહી પ્રણાલિકાનું દુર્ભાગ્ય છે.

City News

Sports

RECENT NEWS