લાસ-દિલ્હી-વેગાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈની અંધારી આલમ હજુ પણ હયાત છે, પરંતુ એનું સ્વરૂપ હવે અનેક વિભાગોમાં વર્ગીકૃત થઈ ગયું છે અને એમાં 'અજવાળી' આલમ દ્વારા પણ ખંડણીખોર નીતિ અપનાવીને રાજકારણ, અપરાધ અને ફાઈનાન્સનો અજબ ત્રિવેણી સંગમ રચી એક નવી આધુનિક 'પ્રણાલિકા' ઘડાતી દેખાય છે. છતાં અપરાધોના પાટનગર તરીકેની મુંબઈની છબી હવે ભૂંસાતી જાય છે અને એ સ્થાને હવે દેશના પાટનગર દિલ્હીએ ડંકો વગાડયો છે. નવી દિલ્હીમાં પંચરત્ન અપરાધીઓનો મેળો જામેલો છે. એમાં નેપાળની જેલ તોડી નાસી આવેલા ગેંગ લીડરો છે, મધ્યપ્રદેશના ઓનકોલ હત્યારાઓ છે, પંજાબના ડ્રગ માફિયાઓ છે, જુના તામિલ ટાઈગરો છે, ટૂંકમાં વૈવિધ્યસભર ભારતને શોભે એવું એક એન્ટી મેઘધનુષ અહીં છે. પાટનગર નવી દિલ્હી હવે મહદઅંશે આ અંધારી આલમના હાથમાં સરી ગયું છે. ખાનગી લક્ઝુરિયસ જુગારખાનાઓ પણ ધમધમવા લાગ્યા છે.
સરેરાશ છેલ્લા છ મહિનામાં પચાસથી વધુ ગોળીબારની ઘટનાઓએ આકાર લીધો છે. એક જ દિવસમાં અલગ અલગ ઘટનાઓમાં નવ હત્યાઓ થવાનો વિક્રમ પણ દિલ્હીને નામે ચડયો છે. નવી દિલ્હીમાં આજકાલ એક પણ સ્થળ નાગરિકો માટે સલામત નથી. લગભગ દરરોજ આંગડિયા પેઢીઓને લૂંટવાના બનાવો નોંધાય છે. દ્વારકા વિસ્તારના ભરબપોરે ફિલ્મી સ્ટાઈલમાં ગેંગવોર થઈ. સામસામે બે જૂથો વચ્ચે ગોળીબારની રમઝટ બોલી. દિલ્હી પોલીસની ઈન્ટેલિજન્સ શાખા પાસે અહીંની અંધારી આલમની કોઈ માહિતી નથી. કારણ કે એ શાખા કેન્દ્ર-રાજ્ય સરકારની કુરનીશ બજાવવામાં વ્યસ્ત છે અને રાજકીય છાનબીન પર જ તેનું ધ્યાન છે. દિલ્હી પોલીસના રિપોર્ટ બતાવે છે કે અરવિંદ કેજરીવાલના જમાનામાં દિલ્હીમાં વરસના ૨,૨૩,૦૦૦ થી વધુ અપરાધી કિસ્સાઓ બનતા અને પોલીસ દફતરે નોંધાતા.
આ આંકડાઓ લાસ વેગાસ જેવા અપરાધી શહેરોની એવરેજ નજીકના છે. વળી દિલ્હીનું પોલીસ તંત્ર કેન્દ્ર સરકારના ગૃહ ખાતા હસ્તક છે. અહીં ડબલ એન્જિન સરકાર આવ્યા પછી અપરાધો પણ ડબલ થવા લાગ્યા છે. દિલ્હી રાજ્ય નવું હોવા છતાં એનો એક ઈતિહાસ છે. કેન્દ્રની એનડીએ સરકાર ખુદ દિલ્હીમાં બિરાજમાન હોવા છતાં તેણે પાછલા વરસોમાં કેજરીવાલના લોકપ્રિય સામ્રાજ્યમાં અરાજકતા ફેલાવવા પરદા પાછળ ઘણા ખેલ કર્યા હતા. ભાજપે કોંગ્રેસ પાર્ટીને ઝૂકાવી હતી પણ ઘણા વરસ સુધી કેજરીવાલનો કુતુબ મિનાર ઝુકાવી શકી ન હતી, એનો ભાજપને પોતાને ડંખ હતો. એટલે દિલ્હીની અંધારી આલમને કેટલાક સ્થાનિક રાજકીય પરિબળો દ્વારા હવા મળતી હતી. હવે ખુદ ભાજપની સરકાર આવ્યા પછી એ આલમ એ જુની હવાની મદદ લઈને જ વારંવાર નવા નવા અપરાધોને અંજામ આપે છે. નાગરિકોના જાહેર જીવન અને જનવ્યવહાર માટે દિલ્હી હવે બિલકુલ સલામત શહેર રહ્યું નથી.
કેટલાક હત્યાકાણ્ડો તો સોશ્યલ મીડિયા પર લાઈવ પ્રસારિત થયેલા છે જે પછીથી ટિકટોક જેવા માધ્યમોમાં દેશભરમાં ફેલાયા છે. દિલ્હીની અનેક સક્રિય ગેંગમાં ૧૬ થી ૧૮ વર્ષની વયજૂથના છેલબટાઉ છોકરાઓનો મોટો જમેલો છે, તેઓ પોતાને સેમી-ટેરરિસ્ટ તરીકે ઓળખાવે છે. દરેક ગેંગમાં આવા તરૂણોની સંખ્યા વધારે છે. કેન્દ્ર દ્વારા દિલ્હી પોલીસ તંત્રમાં જ્યાં સુધી ધરમૂળથી ફેરફાર નહિ થાય ત્યાં સુધી દિલ્હી અસામાજિક તત્ત્વોના કબજામાં જ રહેશે. વહીવટીય રીતે જુઓ તો દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને આધીન છે. સોનાના ચેન સહિતના અલંકારો લૂંટી લેવાના ત્રણ હજારથી વધુ કિસ્સાઓ નોંધાયા છે. દિલ્હીમાં કોઈ એક જ વિસ્તારમાં ગુનાખોરી ફૂલીફાલી હોય એવું નથી. દરેક વિસ્તારમાં હત્યા, લૂંટફાટ, ચોરી, બળાત્કારની ઘટનાઓ સતત બનતી રહે છે.
અગાઉ દિલ્હી હાઈકોર્ટમાં સ્વાયત્ત સંસ્થાઓએ જાહેર હિતની અરજી કરીને પાટનગરમાં સ્વાયત્ત મેટ્રો પોલીસ મેનેજમેન્ટ અને ઝડપી સુનાવણી- સજા માટે નવી દસ ફાસ્ટ ટ્રેક સિટી કોર્ટ રચવા માટેની રજૂઆત કરી હતી પણ એનું કોઈ પરિણામ આવ્યું નથી. નવાઈની વાત એ છે કે પાટનગર નવી દિલ્હી દુનિયાભર સન્મુખ ભારતનો એક ચહેરો છે, એને અન્ડર કમાન્ડ અને અન્ડર કન્ટ્રોલ સ્થિતિમાં રાખવામાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને બિલકુલ રસ નથી. દિલ્હીમાં ખાનગી ફાઈનાન્સ કંપનીઓના એક અને બે નંબરના લેણ-દેણમાં પણ અંધારી આલમનો હસ્તક્ષેપ છે. કેન્દ્રના ગૃહ ખાતાને દિલ્હી પોલીસની સાધન સંપન્નતા કે કુનેહ અભિવૃદ્ધ કરવામાં કોઈ રસ નથી. પાટનગર નવી દિલ્હીમાં નેપાળના નાગરિકોની સંખ્યા એટલી બધી છે કે તેમાંના કેટલાક લોકો ગેરકાયદે પ્રવેશ મેળવી ચૂક્યા હોવા છતાં સરકારનું એ તરફ ધ્યાન નથી. એને કારણે પરિસ્થિતિ એ ઉભી થઈ છે કે નેપાળથી ભારતમાં પ્રવેશના માર્ગે કોઈ પણ આપત્તિ ભારતમાં પ્રવેશી શકે છે.









