For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડિમાન્ડ હોની ચાહિયે .

Updated: Apr 24th, 2024

ડિમાન્ડ હોની ચાહિયે                     .

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેના ભારત સંદર્ભના તેના વિકાસના અંદાજોને સતત ઘટાડતા રહેવાનો ક્રમ ચાલુ રાખ્યો છે, જેમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ પણ સમાવિષ્ટ છે. સૌથી વધુ જો કોઈએ ઉદાર અંદાજ કર્યો હોય તો તે આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝનો છે જે ૫.૮ ટકા છે. એને પણ બધા અર્થશાસ્ત્રીઓ સર્વમાન્ય રીતે સ્વીકારતા નથી. એનું એકમાત્ર કારણ છે કે જેને ડોમેસ્ટિક ડિમાન્ડ કહેવાય તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. એટલે ભારતીય અર્થતંત્રનું પ્રાણતત્ત્વ ઝાંખું પડી રહ્યું છે. ભારત સરકારે આ ડિમાન્ડ વધારવાના વિધવિધ ઉપાયો અજમાવ્યા હોવા છતાં હજુ સુધી ભારતીય ગ્રાહકોમાં ચૈતન્યનો સંચાર થયો નથી. તેઓ અગાઉ જેવા જ ઠંડા છે. વળી હવે બેરોજગારીને કારણે એ ઠંડક વધી છે. કેન્દ્રની એનડીએ સરકાર પાસે એવી કોઈ જાદુઈ છડી ન હોઈ શકે કે જે રાતોરાત બજારમાં ડિમાન્ડ વધારી શકે.

ડિમાન્ડનો ઘટાડો એટલી હદે થયો છે કે એની અસર ઓટોમોબાઇલ ઉપરાંત ગ્રામ વિસ્તારોમાં ટૂથપેસ્ટ અને બિસ્કીટનું વેચાણ પણ ઘટયું છે ! સેલ્ફ અને જેને પેસેન્જર વ્હિકલ કહેવાય એવા વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે. પાછલા ત્રિમાસિક ગાળામાં આ ઘટાડો કુલ ૩૦ ટકા જેટલો છે. એવી જ રીતે કોમર્શિયલ વાહનોના વેચાણમાં પણ ઘટાડો સંપૂર્ણ નકારાત્મક ટકાવારી બતાવે છે. દાયકાઓ પછી ભારતીય પ્રજાની આરોગ્ય સભાનતા વધી છે. એને કારણે જંકફૂડ કે એવા અન્ય તૈયાર ખાદ્યપદાર્થોની બજાર પણ બેસી ગઈ છે. જો કે હમણાં સુધી આ ઘટાડો માત્ર દસ ટકા સુધી સીમિત હતો, પરંતુ હવે એના ઘટાડામાં વધારો થયો છે. ચાલુ ત્રિમાસિક ગાળાના પરિણામો ચોંકી જવાય એવા આવશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા દુનિયાના ૧૪૧ દેશોમાંથી ભારતને આપવામાં આવતી રેન્ક પણ આશાસ્પદ નથી. છેલ્લા ચારેક વરસમાં કોરોના વાયરસને કારણે દુનિયાના તમામ અર્થતંત્ર સંબંધિત આંકડાઓ બદલાઈ ગઈ ગયેલા છે અને કોરોનાને કારણે આવેલી મંદીના આંકડાઓ મૂળભૂત અર્થતંત્રનું સાચું ચિત્ર આપી શકતા નથી. એટલે કે ખરેખર બંધ રહેલા ઉત્પાદન યુનિટો અને લોકડાઉન સ્થિતિને કારણે બંધ રાખવા પડેલા ઉત્પાદન યુનિટો એક જ ત્રાજવે તોળાયા હતા. કોરોનાનો વ્યાપ જગતભરમાંથી સંકેલાઈ ગયો છે અને ફરીથી બધા જ દેશોના બધા ઉદ્યોગો એની કોરોના પહેલાની ક્ષમતા સાથે ધમધમતા થયા છે પણ ચીન હજુ કોરોનામાં ફસાયેલું છે. જે જર્મની અને ફ્રાન્સ અત્યારે મંદીની લપેટમાં ફસાયા છે એ વિશ્વ સમુદાય માટે નવી ચિંતાનો વિષય છે. જર્મનીમાં ઔદ્યોગિક સરંજામ બનાવતી અનેક ફેક્ટરીઓ અને મિકેનિકલ રિસર્ચ સેન્ટરો બંધ પડયા હતા જે હવે ચાલુ થયા છે પણ ડિમાન્ડ નથી. જર્મનીમાં યુનિવર્સિટીઓ પાસે પણ અનેક કામો દુનિયાભરમાંથી સીધા જ આવે છે. એ બધું પણ હાલ સ્થગિત છે.

જર્મની ખરેખર તો મિકેનિકલ એન્જિનિયરિંગનું વૈશ્વિક પાટનગર છે. જગતના લાખો ઉદ્યોગોની મશિનરીમાં જર્મનીનું બહુમૂલ્ય યોગદાન છે. કોરોનાને કારણે જર્મનીનો વૈશ્વિક ઉદ્યોગ જગત સાથેનો તાર તૂટી ગયો હતો. એને કારણે થોડા સ્પેરપાર્ટસની અછતને કારણે બંધ પડી ગયેલા ઉદ્યોગોની સંખ્યા પણ નાનીસૂની ન હતી. આના પરથી એ અંદાજ પણ લગાવવાનો કે કોરોના પ્રકરણ પૂરું થયા પછી પણ એક ચોક્કસ સમયગાળા સુધી કેટલાક ઉત્પાદનોની તો અછત રહી જ હતી. જે દેશો પાસે ટેકનિકલ સાધનોની અછતને પહોંચી વળવા માટેના સ્થાનિક સોલ્યુશન ન હતું તેમના ઉત્પાદન યુનિટો ઝડપથી ધમધમતા થયા નહિ. પરંતુ માત્ર ભારતના જ નહિ, અનેકાનેક દેશોના ઉદ્યોગો કોઈ ને કોઈ રીતે જર્મની પર નિર્ભર છે. જર્મનીએ ઔદ્યોગિક એન્જિનિયરિંગમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

ભારતની આયાતો છેલ્લા છ મહિનામાં ઘટી છે અને એ એક રીતે સારી બાબત છે. એની તુલનામાં નિકાસ તો ઔર ઘટી છે. ઘટાડાના આંકડાઓ લાખો બિલિયન ડોલરના છે. આપણા દેશમાં આ સંજોગોમાં જે પરિસ્થિતિ નિર્માણ થવાની છે તેનો પણ આગોતરો અંદાજ દરેક ઉત્પાદકોએ મેળવી લેવાનો રહેશે. ફાઈનાન્સ ક્રાઈસિસને કારણે વિશ્વ બજારમાં પછીથી ડિમાન્ડ તો ઊંચી માત્રામાં નીકળવાની છે, પરંતુ ભારતીય ગ્રાહક કે જે બજાર વિમુખ થઈ ગયો હશે એને અભિમુખ કરવામાં સમય જશે કારણ કે વ્યક્તિગત અને પારિવારિક રીતે નાણાંકીય સાધનોની પણ અછત હશે. 

Gujarat