પાકિસ્તાનમાં રોટી રમખાણ

Updated: Jan 19th, 2023


અનિષ્ટ પ્રવૃત્તિનાં પરિણામો ભયંકર હોય છે. આઝાદી પછી સતત એક પછી એક બેવકૂફ શાસકો અને દુષ્ટ સેનાપતિઓને કારણે પાકિસ્તાન એના નાગરિકો માટે દોઝખ બની ગયું છે. પાકિસ્તાનની હાલત દયનીય છે. દરેક મોરચેથી તે દેશ ભીંસમાં આવી રહ્યો છે. નસીબના ફૂટલા લોકોની હાલત એક બાજુ કૂવો તો બીજું બાજુ ખાઈ જેવી હોય. પાકિસ્તાનની સ્થિતિ તેનાથી પણ વધુ દારુણ છે. તે દેશની ચોતરફ અત્યારે અંગારા મારતી આગ ભભૂકી રહી છે. ઉત્તરમાં અફઘાનિસ્તાનના તાલિબાનો પાકિસ્તાનને ગરીબ ગાય સમજીને રંજાડી રહ્યા છે, તો પૂર્વમાં પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરના રહેવાસીઓ પાકિસ્તાની શાસકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. તેઓ ભારતમાં સંમિલિત થવા લડી રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમમાં અલગ બલુચિસ્તાનની માંગણી કરતા બલુચો તો પાકિસ્તાનને માટે ધૂણતા પ્રેત સમાન સાબિત થાય છે.

રાજકીય રીતે પાકિસ્તાનની હાલત ઇમરાન ખાનના પદભ્રષ્ટ થયા પછી તો શરીર ગયા પછીના પડછાયા જેવી થઈ ગઈ છે. આર્થિક રીતે તો એ દેશ સતત અધોગતિમાં રહ્યો જ છે. સામાજિક દ્રષ્ટિએ પણ બાળકો કે સ્ત્રીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પાકિસ્તાન હવે ભરોસાલાયક દેશ નથી રહ્યો. સાંસ્કૃતિક રીતે તો પાકિસ્તાનનું આમ પણ વિશ્વના ફલક ઉપર નામોનિશાન હતું નહી. રમતગમતમાં ક્યારેક ક્યારેક કોઈ મેચ જીતી લાવતા પાકિસ્તાન પાસે એક પણ સબળું પાસું બચ્યું નથી. લોકો ત્રસ્ત છે અને શાસકો ભ્રષ્ટ છે અને પાક સેના બુદ્ધિહીનતાથી ગ્રસ્ત છે. હવે પાકિસ્તાનમાં જેની ઘડીઓ ગણાઈ રહી છે એ રોટી રમખાણની શરૂઆત થઈ ગઈ છે. કરાંચીના કેટલાક વિસ્તારોમાં અનાજ કરિયાણાની દુકાનો તોડીને લોકોએ સરેઆમ લૂંટ ચલાવી છે. બ્રેડના ટેમ્પોચાલકને માર પડયો છે ને બ્રેડ ભૂખ્યા વરૂની જેમ લોકો ત્યાં ને ત્યાં જ ખાઈ ગયા છે. આ રોટી રમખાણના આરંભનાં સંકેતો છે.

પાકિસ્તાનમાં તુંડમિજાજી શાસકોની આપખુદશાહીનું પરિણામ પ્રજા ભોગવે છે. મહિલાઓ રાહતદરે ઘઉંનો લોટ મેળવવા કલાકો સુધી કતારોમાં ઊભી રહે છે અને ત્યાર પછી પણ તે મળે કે નહીં તે નક્કી નહીં. સૌથી ખરાબ સ્થિતિ ખૈબર પખ્તુનવાલા, બલુચિસ્તાન અને સિંધમાં છે. ત્યાં બે ટંકની રોટી માટે હજારો લોકો આંદોલન કરી રહ્યા છે. સિંંધના મીરપુર ખાસ જિલ્લામાં ઘઉં વિતરણ સમયે થયેલી ધક્કામુક્કી અને ભાગદોડમાં કચડાઇ જતા એક વ્યક્તિનું મૃત્યુ થયા બાદ સસ્તા દરે અનાજ વિતરણ સમયે હવે સૈન્ય બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. પાકિસ્તાનમાં ફુગાવો ૨૪ ટકા ઉપર છે અને મોંઘવારી સાતમા આસમાને છે.

એક કિલો ઘઉંના લોટનો ભાવ છે ૧૪૦ રૂપિયા. એ દરરોજ વધતો જાય છે. ગરીબ માણસને એ કેવી રીતે પોસાય? અન્ય વસ્તુઓના કિલોના ભાવ પણ ધ્રૂજાવી દે તેવા છે. ચોખાનો ભાવ ૧૬૦, ચણાદાળ ૧૬૦, બેસન ૧૪૦ અને ખાંડનો એક કિલોનો ભાવ ૮૬ રૂપિયા છે. એક લિટર દૂધનો ભાવ છે રૂ. ૧૭૦, એક કિલો દહીં માટે રૂ. ૧૧૫ ચૂકવવા પડે છે. એક કિલો દેશી ઘીનો ભાવ રૂ. ૨૦૦૦ અને કિલો ખાદ્ય તેલનો ભાવ રૂ. ૪૮૦ છે.  પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂ. ૨૧૪, ડિઝલનો રૂ. ૧૬૯ અને કેરોસીનનો ભાવ રૂ. ૧૭૧ છે. આવી મોંઘવારી હોય ત્યારે લોકો ભૂખે મરે તેમાં નવાઈ નથી. લોકોની પીડાનો પાર નથી અને સમગ્ર વિશ્વની આર્થિક પીછેહઠ અને વર્તમાન સંજોગો જોતાં પાકિસ્તાન આ સ્થિતિમાંથી બહાર નીકળી શકે તે સંભાવના અત્યંત ધૂંધળી છે

ઝીણાથી લઈને શેહબાઝ શરીફ સુધીના પાકિસ્તાનના શાસકોના નિર્ણયો હાસ્યાસ્પદ જ ઠર્યા છે. વર્તમાન પાકિસ્તાનના ટુકડા થશે અને પાકિસ્તાનના અમુક ભાગનું ભારતમાં વિલીનીકરણ થશે એ મતલબની થિયરી યથાર્થ થઈ રહી છે. હવે પાકિસ્તાનના અસ્તિત્ત્વ પર કાળચક્ર ફરવા લાગ્યું છે એટલે ગમે ત્યારે પાકિસ્તાનની આજની ભૂગોળ જ એક ઈતિહાસ બની જશે. બાંગ્લાદેશનું દ્રષ્ટાન્ત જગખ્યાત છે. એવું થયું તો શેહબાઝ શરીફ અને તેની સરકારના ઉત્પાતથી ભવિષ્યની પેઢીને મનોરંજન મળશે.

જ્યારથી ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમને નહોરવિહોણી કરી નાખી છે ત્યારથી પાકિસ્તાની સરકાર વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર વિક્ટિમ કાર્ડ રમી રહ્યું છે. 'રડીને રાજ લેવાના' ગુણ અમુક નાટયાત્મક માણસોમાં ગળથૂથીમાંથી મળતા હોય છે. પાકિસ્તાનની આ વૃત્તિ ક્યાંથી આવી એની તો ખબર નથી, પણ પાકિસ્તાન જે-જે દેશ પાસે રડવા ગયું છે એ બધા દેશો પાકિસ્તાનના મગર સમા રુદન પ્રયોગથી કંટાળી ગયા છે. છતાં પણ શેહબાઝ શરીફ એન્ડ કંપનીના ઉત્પાત ચાલુ જ છે.

    Sports

    RECENT NEWS