For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જી-ટ્વેન્ટીની પૂર્ણાહુતિ .

Updated: Nov 18th, 2022

Article Content Image

જી-૨૦ દેશોનું શિખર સંમેલન ઇન્ડોનેશિયાના બાલી દ્વિપ પર પૂરું થઈ રહ્યું છે. આ ગ્રુપ  આમ તો વિશ્વની વીસ માથાભારે આર્થિક સત્તાઓનું જૂથ છે. દોઢ દાયકા પહેલાં એની રચના તો માંગલિક કારણોસર થઈ હતી, પરંતુ હવે એમાં અનેક તિરાડો પડી ગઈ છે. જો કે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે એમ એ જૂથના વિવિધ દેશો સાથે ભારતે અનેક વિકાસલક્ષી દ્વિપક્ષીય કરાર આ વખતે કર્યા છે. હવે પછીનું સંમેલન વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાશે. એટલે આ સંમેલનમાં જે કાર્યો આદયાંર્ ને અધૂરાં રહ્યાં તેને પૂરાં કરવાની જવાબદારી ભારતની રહે છે. વિદેશ પ્રધાન જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે બાલીના દરિયામાં જબરજસ્ત પેડલિંગ કરીને ભારતને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તરતા રાખવામાં સખત પરિશ્રમ કર્યો છે. વડાપ્રધાન સતત તેમના આ બન્ને સાથીઓ સાથે ગુપ્ત મંત્રણા કરતા કેમેરાની નજરે ચડતા રહેતા હતા.

રશિયન વડા વ્લાદિમિર પુટિને આ પરિષદમાં અનુપસ્થિત રહેવાનું પસંદ કર્યું. તો પણ સમગ્ર પરિષદ પર યુક્રેન-રશિયા યુદ્ધ છવાયેલું રહ્યું. હવે આ વિવાદમાં પોલેન્ડ પણ આવી ગયું છે. જી-૨૦ સમૂહના તમામ દેશોએ પારસ્પરિક દ્વિપક્ષીય બેઠકનો લાંબો દૌર આ વખતે પણ ચલાવ્યો હતો, પરંતુ આ બધું તો આવા સંમેલનમાં એક બાહ્યાચાર હોય છે. દિવાનખંડ કરતા રસોડામાં  કંઈક જુદો જ ખેલ હોય છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વ્યાપારી યુદ્ધમાં હવે નવા વળાંક આવી રહ્યા છે. અત્યાર સુધી અમેરિકાના ત્રાસનો ભોગ બનતા બનતા દરેક દેશ સ્વતંત્ર રીતે લડતો હતો. હવે વ્યાપારિક હિતોના સંદર્ભમાં અમેરિકા વિરોધીઓનું નવું જૂથ રચાવાની સંભાવના છે. આ વખતના જી-૨૦ શિખર સંમેલનમાં બધાની નજર 'રિક' દેશો ઉપર રહી છે. રિક એટલે - રશિયા, ઈન્ડિયા અને ચાઇના. છેલ્લા ઘણા સમયથી ચીનના ૨૦૦ અબજ ડોલરનાં ઉત્પાદનો પર જુદી જુદી રીતે આયાતી વેરો અમેરિકાએ વધારી દીધો છે. બાઈડને કેનેડા જેવા મિત્રદેશોને પણ છોડયા નથી અને ભારતની જેમ એને પણ આકરા આર્થિક ફટકાઓ આપ્યા છે.

માત્ર પોતાના દેશના ખાડે ગયેલા વાણિજ્ય તંત્રને પાટે ચડાવવા માટે ટ્રમ્પની જેમ જ બાઈડન પણ આખી દુનિયા સાથે વ્યાપારિક વેર બાંધવા બેઠા છે, જે અત્યારે તો એનો અહંકાર પોષે છે, પરંતુ અમેરિકાની આવનારી પેઢીઓને એ ભારે પડશે. રશિયાની યોજના છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીનને પોતાની સાથે રાખીને નવા ત્રિપક્ષીય કરારો કરવાની છે. વરસાદનાં વાદળાની જેમ એનું વાતાવરણ સર્જવા માટે તેઓ સક્રિય છે. એ સમય બહુ નજીક આવી ગયો છે કે જેમાં આ ત્રણેય રિક દેશો પરસ્પર અવલંબિત રહીને અમેરિકાને દૂર ફંગોળી દે. ભારત અને ચીન પાસે વિરાટ જનસંખ્યા છે. ચીનની વિશેષતા અને મર્યાદા બન્ને એક જ છે કે એનાં ઉત્પાદન યુનિટો બલ્કમાં એવા ધમધમે છે કે ભરપૂર નિકાસ વિના એ ભાંગી પડે.

જો બાઈડને તમામ ચીની ઉત્પાદનો પર જે આયાતી વેરો હતો તે અઢી ગણો વધારી દીધો છે. આ સ્થિતિને લગભગ એક રીતે તો ચીની ઉત્પાદનોની આયાત પરનો અઘોષિત પ્રતિબંધ જ કહેવાય. ચીને અમેરિકાના ૬૦ અબજ ડોલરનાં ઉત્પાદનો પર પચીસ ટકા ઈમ્પોર્ટ ડયુટી લગાવીને સામું વેર લેવાની કોશિશ કરી છે. જી-૨૦ શિખર સંમેલનમાં પરદા પાછળ અમેરિકા વિરોધી વાતાવરણ ભડકે નહીં એની ચિંતા બાઈડને સતત કરી છે. રિક રાષ્ટ્ર વડાઓની ત્રિપુટીની એક મિટિંગ પણ થાત જો પુટિન હાજર રહ્યા હોત. હવે એ મિટિંગ ઇસુના નવા વરસમાં થવાનો સંકેત છે. એ આજ નહીં તો કાલનું ભવિષ્ય છે અને બાઈડનને પણ એનો ભય સતાવે છે. અમેરિકાના વિદેશ સચિવે ગયા મહિને ત્રણેય રિક દેશોની પરસ્પરની શત્રુતા વધે એવો એક લાંબો બક્વાસ કરતું નિવેદન કર્યું હતું, પરંતુ એનો આ ત્રણ દેશો પર કોઈ પ્રભાવ નથી.

ડોકલામ વિવાદ દ્વારા ચીને ભારતને સ્પષ્ટ એવો મેસેજ આપવાની કોશિશ કરી હતી કે ચીનને ભૌગોલિક સીમા ઉલ્લંઘનમાં કોઈ રસ નથી. એમ કહીને ચીને પીછેહઠ કરીનેય પોતાનાં વ્યાપારિક હિતોને ભારત સાથે મજબૂત કરી લીધા હતા. જી-૨૦ની આ વખતની શિખર પરિષદ એ રીતે મહત્ત્વની બની રહી, કારણ કે વ્યાપારયુદ્ધના પડછાયામાં આ સંમેલન યોજાયું. યુરોપીય દેશોની અમેરિકા તરફ સતત વધતી જતી ખિન્નતા પણ બાલીમાં જોવા મળી. ભારતનું હજુ સુધીનું વલણ બિનજોડાણવાદી રહ્યું છે, પરંતુ આ નીતિમાં ભારતે બાંધછોડ કરવી પડે તેવું રશિયાનું દબાણ દેખાય છે. રશિયા પોતે પણ અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. બાલીનું આ વખતનું સંમેલન અમેરિકા તરફના વિશ્વસમુદાયના બદલાયેલા અભિગમની અભિવ્યક્તિ પણ બનતું જોવા મળ્યું.ભારત અંગે એ ટીકા તો બહુ જાણીતી છે કે ભારતીય વિદેશનીતિ સંદિગ્ધ છે. ગત ટર્મમાં સુષ્મા સ્વરાજ જેવા વિચક્ષણ વિદેશ પ્રધાન પણ દેશને અસ્પષ્ટ વિદેશ નીતિમાંથી બહાર લાવી શક્યા નહીં.

Gujarat