For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાં લોકપ્રિય કોણ? .

Updated: Apr 18th, 2024

ભારતમાં લોકપ્રિય કોણ?                                   .

નંબર ગેમ ફક્ત નિશાળકાળ દરમિયાન હોય છે એવી સામાન્ય માન્યતા છે. હકીકત એ છે કે પ્રથમ-દ્વિતીય અને તૃતીયની હારમાળા આજીવન રહે છે, ભારતમાં તો ખાસ. આપણે ત્યાં રાજનીતિ કે સ્પોર્ટ્સ કે ફેશન વર્લ્ડ જેવા દરેક ફિલ્ડમાં ટોપ ઉપર કોણ છે એની ચર્ચા થતી રહે છે. 

તાજેતરમાં જ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે કે ભારતના સૌથી લોકપ્રિય માણસો કોણ? સૌથી વધુ લોકપ્રિય પુરુષની કેટેગરીનું સિંહાસન કોણ શોભાવે છે તેની ધારણા બાંધવી બિલકુલ કઠિન નથી. મિસ્ટર મોદીએ લોકપ્રિયતાના ઉત્તુંગ શિખરો સર કરેલાં છે, પરંતુ તેમના પછીના ક્રમાંક ઉપર મહેન્દ્રસિંહ ધોનીનું નામ થોડું આશ્ચર્ય પેદા કરે છે. (મોદી પછી તરત અંબાણીનું નામ કેમ નથી તે વધુ આશ્ચર્ય છે અને આખા લિસ્ટમાં અદાણીનું નામ કેમ નથી તે હકીકત પણ નવાઈની તો છે).  વિરાટ કોહલી કે બધા ભારતીયોના ઓલ ટાઈમ ફેવરીટ અને ગોડ ઓફ ક્રિકેટ ગણાતા સચિન તેંડુલકર કરતાં પણ ધોની વધુ લોકપ્રિય છે. તાજ્જુબની બાબત છે કે ભારત પાછલો ક્રિકેટ વર્લ્ડ કપ હારી ગયું છે અને ધોની એના ફુલ ફોર્મમાં નથી. છતાં પણ ભારતીયોએ પોતાના રોલ મોડેલ તરીકે ધોનીને પસંદ કર્યો છે. લોકપ્રિયતાનાં સમીકરણો અહીં થોડાં વધુ બદલાતાં દેખાઈ રહ્યાં છે.

લોકપ્રિયતાનો આખો દાખલો તો ત્યારે બદલાઈ ગયો જ્યારે સૌથી વધુ લોકપ્રિય સ્ત્રીઓમાં મેરી કોમ ટોચના સ્થાને છે. દીપિકા પાદુકોણ કે બીજી કોઈ ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલી અભિનેત્રી કરતાં આગળ એક સ્પોર્ટ્સવુમન છે. મેરી કોમ પાસે ફિલ્મની હિરોઇનો જેટલા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ નથી હોતા. તેઓ દર બીજા કોમેડી શો કે ટેલિવિઝન રિયાલિટી પ્રોગ્રામમાં નથી આવતાં. મેરી કોમ ન્યુઝ ડિબેટમાં પણ જોવા ન મળે અને કોઈ જવેલર્સના શોરૂમના ઉદઘાટનમાં પણ ન દેખાય. તેઓ સોશ્યલ મીડિયામાં પણ બહુ એક્ટિવ નથી. તેમની ઇન્સ્ટા સ્ટોરી નથી જોવા મળતી. છતાં પણ ભારતીયોએ તેમને યાદ રાખ્યા છે. પ્રજાના અર્ધજાગૃત મનમાં તેઓ ન હોવા છતાં ભારતીયોએ લોકપ્રિય મહિલા તરીકે મેરી કોમના સર પર તાજ પહેરાવ્યો છે. આ સરાહનીય બદલાવ પ્રશંસનીય થઈ ચુક્યો છે. ગ્લેમરની દુનિયા માટેનું આંધળું આકર્ષણ સહેજ ઓછું થયું તેનો નિર્દેશ લોકપ્રિયતાના બેરોમીટરમાં દેખાઈ આવે છે.

પોપ્યુલારિટીના મીટરમાં થોડો પણ મક્કમ બદલાવ કેમ જોવા મળ્યો? ધોની અને મેરી કોમ બંનેની જિંદગી ઉપર ફિલ્મો બની તેને પાંચેક વર્ષ કરતા વધુ સમય થઈ ચુક્યો છે. બંને મિડલ કલાસ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. બંને ધુંઆધાર અંગ્રેજીમાં ઇન્ટરવ્યુ પણ આપે અને પોતાની લોકલ ભાષામાં પણ વાત કરે. ભારતીયોએ બંનેના ઓન-ફિલ્ડ પરફોર્મન્સમાં અને ઓફ-ફિલ્ડ વ્યક્તિત્વમાં વતનની માટીની મહેકની અનુભૂતિ કરી છે. ભારતની બહુધા વસ્તી મધ્યમવર્ગીય છે. આ વર્ગમાં જાગૃતિ આવી છે. તેઓ સિક્સ પેકને બદલે સ્ટ્રગલને મહત્વ આપતા થાય છે. ધોની અને મેરી કોમ આ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. લોકોનો મૂક અહમ આ બંનેની સફળતામાં સંતોષાય છે. વધુમાં, મોટીવેશનલ વક્તાઓ પણ આ બંને ખેલાડીઓ જેવા સફળ લોકોની સક્સેસ સ્ટોરીનું ઉદાહરણ આપતા હોય છે.

એક સમય હતો કે જે માણસ લોકોના દિલમાં વસી શકતો એ જ લોકપ્રિય બની શકતો. આજે એવો જમાનો આવ્યો છે કે લોકપ્રિય થવા માટે પ્રજાના દિલ સાથે તેના દિમાગમાં પણ ઘર કરવું પડે છે. હવે લોકો મગજથી પણ વિચારતા થયા છે. તેનું એક કારણ ઇન્ટરનેટ કે સોશ્યલ મીડિયા પણ હોઈ શકે. સેલિબ્રિટીઓ અને પબ્લિક વચ્ચેનું અંતર બહુ ઘટી ગયું છે. બીજા શબ્દોમાં કહીએ તો લોકોને ધીમે ધીમે અસલિયતનો ખ્યાલ આવતો જાય છે. મુખવટાને પ્રજા ઓળખતી થઈ ગઈ છે. રીલ હીરો અને રિયલ હીરો વચ્ચે લોકો ફરક કરતા થયા છે જે તંદુરસ્તી તરફ આગળ વધી રહેલા સમાજની નિશાની છે.

વસ્તી અને ફોર-જી ધારક નાગરિકોના ગુણોત્તર પ્રમાણ પરથી આપણને ખ્યાલ આવશે કે મોબાઇલ ફોનને કારણે લોકોની માનસિકતામાં કેટલા પ્રતિશત ફેરફાર આવે છે. લોકો વધુ જાગૃત બન્યા છે કે વધુ સ્વકેન્દ્રી બન્યા છે તે જાણવું જરૂરી છે. હિન્દુસ્તાનની સામાજિક અને આર્થિક સ્થિતિ બદલાઈ રહી છે. ભારતીય સંસ્કૃતિમાં બીજી સંસ્કૃતિનું મિશ્રણ થઈ રહ્યું છે. માટે જ આવા સર્વેક્ષણના આંકડાઓમાં દર વર્ષે સરપ્રાઈઝનું એલિમેન્ટ જળવાઈ રહે છે. જો ભારતીય જનમાનસના બદલાવ પાછળ પાંચ ઇંચની સ્ક્રીન કારણભૂત હશે તો સામાજિક સમીક્ષકો માટે તે ચિંતાનો વિષય બનશે કે પ્રજા માટે નવા ભવિષ્યની સ્વીકૃતિનું નૂતન પ્રભાત હશે તે જોવું રસપ્રદ રહેશે.

Gujarat