For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાવી આવશ્યક છે

Updated: Apr 16th, 2024

પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાવી આવશ્યક છે

રવિવારની પરોઢે ઈરાને ઇઝરાયેલ ઉપર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. ઇઝરાયેલના આયર્ન ડોમ સિસ્ટમને કારણે મોટાભાગના હુમલા નિષ્ફળ થયા હતા, મિસાઇલો કે ડ્રોન હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતાં. નુકસાની નહીં થવાથી જંગી સફળતા મળી હોવાનો અમેરિકા અને ઇઝરાયેલ દાવો કરી રહ્યા છે. દાયકાઓ જૂની દુશ્મનીમાં ઈરાને પ્રથમ વખત ઇઝરાયેલ ઉપર હુમલો કર્યો છે અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિસ્તરે, વધુ લોહિયાળ બને અને તેનાથી વિશ્વ ઉપર ખતરો વધે એવી ચિંતા છે. ઓકટોબરમાં ગાઝા પટ્ટીમાંથી હમાસના ઇઝરાયેલ ઉપરના રોકેટ હુમલા બાદ શરૂ થયેલું યુદ્ધ અત્યારે પણ ચાલુ છે. વિવિધ દેશોનો વિરોધ,  ગાઝા અને પેલેસ્ટાઇન ઉપર આવી પડેલી માનવીય આફત વચ્ચે પણ દરેક નિયમો નેવે મૂકી ઇઝરાયેલના લશ્કરી હુમલા સતત ચાલી રહ્યા છે. આ સ્થિતિમાં ઈરાન અને ઇઝરાયેલની તંગદિલીએ બળતામાં ઘી હોમ્યું છે. ઈરાન તરફથી સિરીયામાં દૂતાવાસ ઉપરના હુમલાનો વળતો જવાબ પૂર્ણ થયાની જાહેરાત થઈ છે, પરંતુ ઇઝરાયેલ આ હુમલાનો વળતો જવાબ આપી ઈરાન પાસેથી કિંમત વસૂલવા તલપાપડ છે.

રવિવારની ઘટનામાં એક મહત્ત્વનું પાસું છે, જેની નોંધ લેવી જ જોઈએ. લશ્કરી રીતે ઇરાનના હુમલાને વગર નુકસાને ખાળવા શકય હતા. એક, ઈરાને જ્યાંથી હુમલા કર્યા તે ઇઝરાયેલ સરહદથી ૧૭૭૦ કિલોમીટર દૂર હતા એટલે અવકાશમાં રહેલી મિસાઈલ કે ડ્રોન પારખવા ને તોડી પાડવા શક્ય હતા. બીજું, સંભવ છે કે ઈરાન પોતે પણ ઈચ્છતું ન હતું કે ઇઝરાયેલમાં નુકસાન ન થાય. એવું પણ બને કે તહેરાનનો ઉદ્દેશ માત્ર દુનિયાનું ધ્યાન ખેંચવાનો હોય. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના આદેશથી ઇરાનના ટોચના લશ્કરી કમાન્ડર કાસિમ સુલેમાનીની અમેરિકાએ જાન્યુઆરી ૨૦૨૦માં ડ્રોન હુમલાથી હત્યા કરી હતી. આ હુમલાના વળતા જવાબમાં ઈરાને અમેરિકાના ઈરાક ખાતેના લશ્કરી થાણા ઉપર વળતો મિસાઈલ હુમલો કર્યો હતો અને તેમાં પણ કોઈ નુકસાન થયેલું નહીં. બન્ને ઘટનામાં મિસાઈલ મારા પછી ઈરાને 'વાત પૂરી થઈ' એવી જાહેરાત કરી છે. એટલે શક્ય છે કે ઈરાન તરફથી આ વાત આગળ વધે નહીં. જોકે ઇઝરાયેલ વળતો જવાબ આપવા મક્કમ છે. અમેરિકાએ તાકીદે વળતો પ્રહાર નહી કરવા ઇઝરાયેલની સમજાવી લીધું છે, પણ ઇઝરાયેલ જે રીતે ઘેરાયેલું છે તે રીતે ભવિષ્યમાં ચોક્કસ જવાબ આપશે. 

દરમિયાન, પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા સ્થાપિત થાય, ઘર્ષણ અટકે એ દુનિયા માટે - ખાસ કરીને વર્તમાન સમયમાં - સૌથી મહત્ત્વનું છે. ભારત માટે પણ મધ્ય અને પશ્ચિમ એશિયામાં શાંતિ સૌથી મોટી જરૂરિયાત છે. નવી દિલ્હીના ઈરાન અને ઇઝરાયેલ બન્ને સાથે મૈત્રીપૂર્ણ સંબધો છે. ઇઝરાયેલ સાથે છેલ્લા એક દાયકામાં લશ્કરી, ટેકનોલોજી સહિત વ્યાપક કરાર થયેલા છે, તો પશ્ચિમી દેશોના પ્રતિબંધ વચ્ચે પણ ભારત અને ઈરાન વચ્ચે વ્યાપારી અને ડિપ્લોમસીના મજબૂત સબંધો રહ્યા છે. અત્યારે ઈરાનમાં ૪,૦૦૦ અને ઇઝરાયેલમાં લગભગ ૧૮,૦૦૦ જેટલા ભારતીયો કાર્યરત છે. નાગરિકોને પ્રવાસથી દૂર રહેવા આદેશ છે, પણ ભારત બીજા ૧૫૦૦ લેબર ઇઝરાયેલ મોકલી રહ્યું છે. આ ઉપરાંત, ગત સપ્તાહે ઈરાને જપ્ત કરેલી એક શિપમાં ૧૭ જેટલા ભારતીય નાગરિક તો ખરા જ. નાગરિકોની સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા છે. બીજું, ભારત ઈરાન અને અન્ય અખાતના દેશોમાંથી તેની જરૂરિયાતના ૫૦ ટકા ક્રૂડની આયાત કરે છે. આ પ્રદેશ યુદ્ધથી ભડકે બળે તો ક્ડના ભાવ વધે અને તેનાથી ભારતમાં મોંઘવારી વધે જે ભારતને પરવડે નહીં. આ મધ્યમ ગાળાની ચિંતા છે. નવી દિલ્હી માટે આ બહુ નાજુક સ્થિતિ છે એટલે પ્રદેશમાં તાકીદે શાંતિ સ્થપાય એવું નિવેદન વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે આપ્યું છે. બજાણિયાની જેમ દોરડે ચાલી, સમતુલા રાખી ભારતે કોઈપણ પક્ષ લીધા વગર આ વાત કરી છે.

ઇઝરાયેલ વળતો જવાબ આપશે એ નિશ્ચિત છે, પણ ક્યારે આપશે તેની અનિશ્ચિતતાથી વૈશ્વિક બજારો - શેર, કોમોડીટી અને નાણા - વોલેટાઈલ રહેશે. રશિયાની યુક્રેન ઉપરની ચઢાઈ બાદ વૈશ્વિક મોંઘવારી હજુ પણ અટકી નથી. ઊંચા વ્યાજના દર ઘટશે એવી આશાઓ બંધાઈ રહી હતી ત્યાં જ ઈરાન અને ઇઝરાયેલનો નવો યુદ્ધ મોરચો ઉભો થતા વ્યાજના દર ઘટે નહી, ઉર્જા કે ક્રૂડ આધારિત મોંઘવારીનો એક બોજો કડવો ડોઝ આવી પડે એવી સ્થિતિ કળવી અત્યારે તો અતિશયોક્તિ નહી જ કહેવાય.

Gujarat