For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અંધારી આલમનો વિસ્તાર .

Updated: Apr 13th, 2024

અંધારી આલમનો વિસ્તાર                                               .

આપણા દેશમાં પોલીસ પર કે તપાસ અધિકારીઓ પર હુમલાઓ હવે સામાન્ય થવા લાગ્યા છે. મહાપાલિકાના દબાણ હટાવ શાખાના કર્મચારીઓને પણ પ્રજાની ગેરશિસ્તનો કડવો અનુભવ છે. એક તો સરકારી જમીન પર દબાણ કરવું અને માથે લુખ્ખાગીરી કરવી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીનું બીજું નામ બુલડોઝર મિનિસ્ટર છે. જો રાજનેતાઓ કડક ન હોય તો અસામાજીક તત્ત્વોનો ત્રાસ વધતો જાય છે. ગુજરાતમાં પણ એવાં પરિબળોનો ઉપદ્રવ છે જ. ગત સપ્તાહે એક વહેલી સવારે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર વિસ્તારમાં NIA અધિકારીઓ પર ટોળાનો હુમલો દર્શાવે છે કે આપણી વહીવટી અને રાજકીય વ્યવસ્થાએ ભૂતકાળના અનુભવમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. આ ઘટનાએ લોકોને જાન્યુઆરીમાં જ બનેલી સંદેશખાલીની ઘટનાની યાદ અપાવી છે, જેમાં ટોળાએ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ટીમને નિશાન બનાવી હતી. ફરી એકવાર બંને પક્ષો તરફથી રાજકીય નિવેદનોનો સિલસિલો શરૂ થઈ ગયો, જેના કારણે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની શક્યતાનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે.

આવી સ્થિતિમાં, રાજકીય નિવેદનોથી દૂર જવું અને પહેલાં આ મામલાને લગતા નક્કર તથ્યો પર નજર નાખવી વધુ મહત્વપૂર્ણ બની જાય છે. સૌથી પહેલાં કોલકાતા હાઈકોર્ટના નિર્દેશ પર NIA આ કેસની તપાસ કરી રહી છે. બીજું, આ કેસ ડિસેમ્બર ૨૦૨૨માં થયેલા બોમ્બ બ્લાસ્ટ સાથે સંબંધિત છે. ત્રીજું, આ ઘટના બે વર્ષ પહેલાં બની હોવા છતાં, હાઇકોર્ટની સૂચનાથી તેની તપાસ પછીથી NIAને સોંપવામાં આવી હતી. આ આરોપીઓને NIA દ્વારા અગાઉ પણ સમન્સ મોકલવામાં આવ્યા હતા, જેને તેમણે અવગણ્યા હતા. છેલ્લી વાત એ છે કે NIAની ટીમ યોગ્ય વોરંટ લઈને ગઈ હતી. કોઈ પણ રાજ્યમાં કેન્દ્રીય એજન્સી સાથે જોડાયેલા અધિકારીઓના કામમાં અવરોધ ઊભો કરવો અત્યંત જોખમી અને નુકસાનકારક છે. સંદેશખાલી કેસમાં પણ આવું જ બન્યું હતું. જોકે, બાદમાં તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક શક્તિશાળી નેતા ગણાતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પાર્ટીએ તેમને સસ્પેન્ડ પણ કર્યા, પરંતુ તે ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

નવાઈની વાત એ છે કે ભૂતકાળના અનુભવ છતાં ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ NIAની કાર્યવાહી પર આડકતરી રીતે સવાલો ઉઠાવ્યા છે. તૃણમૂલ સાથે જોડાયેલા અન્ય ઘણા નેતાઓએ પણ આરોપ લગાવ્યો છે કે ભાજપ તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતાઓમાં ડર પેદા કરવા માગે છે. તેમનું કહેવું છે કે રાત્રે આવી ટીમ મોકલવાનો હેતુ આરોપીઓને પકડવાનો છે. આ કિસ્સામાં, પ્રાથમિક માહિતીના આધારે નિષ્કર્ષ કાઢવામાં ઉતાવળ ન હોય તો પણ સ્પષ્ટ છે કે ચૂંટણીના માહોલમાં જો તપાસ એજન્સીઓ કોઈ એક પક્ષ સામે કાર્યવાહી કરતી જોવા મળે તો તેમની નિષ્પક્ષતા પર સવાલો ઉઠવાની શક્યતા છે. આવી સ્થિતિમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તેઓએ કાયદાની યોગ્ય પ્રક્રિયાની કાળજી લેવી જોઈએ. તેનું કારણ એ છે કે ચૂંટણીના વાતાવરણમાં તેમની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવવાથી તેમની છબી પર વિપરીત અસર થાય છે એટલું જ નહીં દેશની ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનિયતાને અસર થવાની ભીતિ પણ છે.

આખા દેશની અંદર અપરાધીઓનું એક જુદા જ પ્રકારનું નેટવર્ક અસ્તિત્વમાં આવી ગયું છે. એવું નથી કે એ નવુંનકોર છે. આદિકાળથી ચાલ્યું આવે છે. એક જમાનામાં એક માત્ર મુંબઈ પાસે જ અંડરવર્લ્ડ હતું. હવે દેશના તમામ શહેરોમાં અંધારી આલમ હોય છે અને તેમાં એક નહીં પણ આઠ-દસ ડોન હોય છે. એ પોતપોતાનાં હિતો માટે કામ કરતા હોય છે. કોઈ ખાણ-ખનીજના અપરાધી હોય છે. તો કોઈ દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવતા હોય છે. કોઈ વળી ભૂ-માફિયા હોય છે, તો કોઈ સરકારના ઉચ્ચ અધિકારીઓ પાસે કામ કરાવીને કમિશન ખાતા વ્હાઇટ કોલર ક્રિમિનલ હોય છે. કોંગ્રેસ સરકારમાં પણ આ પ્રકારના લોકો હતા અને ભાજપના રાજમાં પણ આ પ્રકારના લોકો છે. ટૂંકા રસ્તે શ્રીમંત થઇ જવાની માયામાં અનેક અપરાધીઓ હવે મોટા ગજાના ગુનાઓમાં પ્રવેશવા લાગ્યા છે.

વ્યાજ-વટાવનો બિઝનેસ કરનારાઓની તો વળી પછી અલગ જ જમાત છે. એ જ રીતે ખાનગી ફાઈનાન્સિયલ કંપનીઓની લોનની વસૂલાત માટે પણ એ કંપનીઓ અપરાધીઓને રીતસર ભાડે રાખે છે. આ બધું ભારતીય પોલીસ જાણે છે અને છતાં નથી જાણતી, પરંતુ પ્રજા બધું જાણે છે અને ચૂપકિદીથી જોયા કરે છે. દુનિયાના અનેક દેશોમાં જ્યાં સરકાર અપરાધીઓ સામે નિષ્ફળ ગઈ છે ત્યાં પ્રજાએ વિદ્રોહ કરીને ગુનેગારોને પાઠ ભણાવ્યા છે, જે ખરેખર તો બંધારણની વિરુદ્ધ છે, કારણ કે ન્યાયની પ્રક્રિયા વિના કોઈ પણ અપરાધીને પ્રજા દ્વારા મળતી સીધી સજા સ્વયં એક અપરાધ છે. આ સ્થિતિને નિવારવા માટે એકલા ન્યાયતંત્રની સક્રિયતાથી પરિતોષ માની શકાય એમ નથી. રાજનેતાઓ અને અપરાધીઓ વચ્ચેનું લિંકિંગ તોડવાની જરૂર છે જે એક ભગીરથ કામ છે. 


Gujarat