For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુદ્ધોત્તર ભૂખની યાતના .

Updated: Apr 11th, 2024

યુદ્ધોત્તર ભૂખની યાતના                                           .

હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધના મૂળ બહુ ઊંડા છે એને કારણે એ અંગારા જલ્દી ઠરે એમ નથી. એક સારો ઇતિહાસકાર પણ બન્નેમાં સાચા-ખોટાનો નિર્ણય કરી ન શકે એવી પરિસ્થિતિ છે. ઈઝરાયલે મીડિયા ફ્રેન્ડલી કન્ટ્રી ગણાય છે. એટલે કે એના વડા નેતન્યાહુ એક ચાલાક પ્રાણીની વ્યાખ્યામાં આવે છે. એટલે દુનિયા સામે હમાસને ચોર ચિતરવાનું કામ આસાન છે. હમાસે આતંકવાદીઓની અનેક ટુકડીઓને ખરીદીને પોતાના સૈન્યમાં દાખલ કરેલી છે. આ કામ પાકિસ્તાન પણ કરે છે પરંતુ પાકે સૈન્ય અને આતંકીઓ વચ્ચે ભેદરેખા રાખી છે. હમાસમાં લડવૈયાઓનું અજાયબ મેજિક મિક્સ છે. છતાં સહન કરવાનું વધુ તો હમાસ અથવા ગાઝાની પ્રજાને ભાગે આવ્યું છે. આ દુનિયામાં હવે બે દેશો લડતા હોય તો એને ઠંડા પાડવામાં કોઈને રસ નથી. બધા રાષ્ટ્રનેતાઓ પોતાના સ્વાર્થના ત્રાજવે ઘટનાઓને તોળતા થયા છે.

શું ગાઝાના ૨૨ લાખ લોકો, જે લગભગ છ મહિનાથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં પીડાઈ રહ્યા છે, તે આખું જગત નિઃસહાય રીતે જુએ એમ માનવસર્જિત દુકાળ અને ભૂખમરાનો શિકાર બનશે? માનવસમાજના સામૂહિક વિવેક પર ભારે વજન ધરાવતો આ પ્રશ્ન દરેક ક્ષણે વાસ્તવિકતા બનવા તરફ આગળ વધી રહ્યો છે. ગાઝામાં પરિસ્થિતિની ગંભીરતા વિશે શરૂઆતથી જ આશંકા અને અટકળો હતી, પરંતુ દાવાઓ અને વળતા દાવાઓ વચ્ચે વાસ્તવિક સ્થિતિને જાણી શકવી મુશ્કેલ હતી. હમણાં ઈન્ટિગ્રેટેડ ફૂડ સિક્યુરિટી ફેઝ ક્લાસિફિકેશન (આઈપીસી) સિસ્ટમના અહેવાલે આ અણજાણ રહસ્યોના પરદાનો એક છેડો ઊંચો લીધો છે. અત્યાર સુધી ભૂખમરાના તમામ દાવાઓને નકારનાર ઈઝરાયેલે પણ આઈપીસીના અહેવાલને સ્વીકારી લીધો છે.

આ અહેવાલમાં ગાઝાની કુલ વસ્તીનો અડધો ભાગ અને ગાઝા શહેરમાં રહેતા અંદાજે ૩ લાખ લોકોમાંથી ૭૦% લોકો કેવી રીતે દુકાળની આરે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. ભૂખમરાથી થતા મૃત્યુ અંગે હાલમાં કોઈ વિશ્વસનીય ડેટા નથી, પરંતુ અહેવાલો દર્શાવે છે કે ઉત્તરી ગાઝામાં બે વર્ષથી ઓછી ઉંમરના ૨૯% બાળકો ફેબ્રુઆરીમાં ગંભીર કુપોષણથી પીડાતા હતા. લગભગ ૬૬% પરિવારોને તે આખા મહિનામાં ઓછામાં ઓછા ૧૦ દિવસ ચોવીસ કલાક સળંગ ભૂખ્યા રહેવાની ફરજ પડી હતી. માત્ર રાહત સામગ્રી ગાઝા સુધી પહોંચવી મુશ્કેલ નથી, પરંતુ તેના વિતરણની પ્રક્રિયા પણ ખોરવાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર ગયા મહિને જ એક ખાદ્ય વિતરણ કેન્દ્ર પર બોમ્બ પડયો હતો. એટલું જ નહીં ઈઝરાયેલની સેનાએ મોટાભાગની ખેતીની જમીન પર કબજો કરી લીધો છે. આ ઉપરાંત સ્થાનિક ગુનેગાર તત્વો રાહત સામગ્રીની ચોરી કરીને તેને ઉંચા ભાવે વેચતા હોવાના બનાવો પણ કેટલાક વિસ્તારોમાં બની રહ્યા છે.

જો ઇઝરાયેલની સરકાર સ્વીકારે કે લડાઈ હમાસ સામે છે અને તેનો સામાન્ય લોકોને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી, તો પણ વ્યવહારમાં તેનાથી બહુ ફરક નથી પડી રહ્યો. ગાઝાની વસ્તીને ભૂખમરો જેવી પરિસ્થિતિમાંથી બચાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે તરત જ યુદ્ધવિરામનો અમલ કરવો અને મોટા પાયે રાહત અને ખાદ્ય પુરવઠો પૂરો પાડવો. સુરક્ષા પરિષદે આ અંગેનો ઠરાવ પસાર કર્યા પછી પણ તેનો અમલ થવાના કોઈ સંકેત દેખાતા નથી. ઇઝરાયેલના વડા પ્રધાન હમાસને ખતમ કરવા અને તમામ બંધકોને મુક્ત કરવાના તેમના મુદ્દા પર અડગ છે, પરંતુ આ હઠીલા વલણથી કંઇપણ હાંસલ કરવાની આશા ઇઝરાયેલીઓમાં પણ નબળી પડી રહી છે. આ જ કારણ છે કે નેતન્યાહુ સરકાર વિરુદ્ધ પ્રદર્શનો પણ તેજ થઈ ગયા છે. પરંતુ શું આ બધાનું કોઈ નક્કર, હકારાત્મક પરિણામ સમયસર બહાર આવશે? તે હજુ સ્પષ્ટ નથી.

ગાઝાના દરેક નાગરિકને ઇઝરાયેલ પોતાનો દુશ્મન માનીને વર્તે છે. જ્યારે કે ગાઝા પટ્ટીનો સમગ્ર વિસ્તાર ખરેખર તો હમાસે પચાવી પાડેલો છે. અહી આતંકવાદીઓની સંખ્યા માત્ર ૧૦ ટકા છે જ્યારે કે ૯૦ ટકા તેની સામાન્ય પ્રજા છે. એ પ્રજા દ્વારા ખેતી અને પશુપાલનનું કામ યુદ્ધ શરૂ થયા પછી છેલ્લા છ મહિનાથી રઝળી પડયું છે. વિશ્વની અનેક સંસ્થાઓએ શાંતિ સ્થાપવા માટે અને યુદ્ધ વિરામ દાખલ કરવા માટે પ્રયત્નો કર્યા છે પરંતુ હજુ સુધી તેમાં વિશેષ પ્રતિભાવ પક્ષકારોએ આપ્યો નથી. ઇઝરાયેલ હમાસને બહાને પોતાની પ્રતિષ્ઠાનો નવેસરથી ડંકો વગાડવા ચાહે છે ને નેતન્યાહુ અત્યારે આંતરિક વિરોધનો સામનો કરી રહ્યા છે એ મોકાનો લાભ લઈને હમાસ હજુ યુદ્ધ આગળ વધારવા ચાહે છે. ગાઝાની ખેતીલાયક હજારો એકર જમીન પર ઇઝરાયેલે  કબજો કરી લીધો છે. જો આ યુદ્ધ ટૂંક સમયમાં નહીં અટકે તો ઇથિયોપિયા જેવો જ ભૂખમરો નિશ્ચિત છે.

Gujarat