ઓપરેશન લોટસ ઝારખંડ .


જર્મનીના પ્રથમ વાઇસ ચાન્સેલર બિસ્માર્કે છેક ૧૮૬૦માં કહ્યું હતું કે પોલિટિક્સ એ આદર્શો સિદ્ધ કરવાની રમત નથી. પોલિટિક્સ શક્યતાઓની રમત છે. બિસ્માર્કનો એ સિદ્ધાંત 'રિયલ પોલિટિક'ના નામે ઓળખાય છે. તેનો સાર સમજીએ તો આદર્શો, સિદ્ધાંતો કે પછી નીતિમત્તાની બહુ ચિંતા કર્યા વગર શાસન મેળવી શકાય તે માટે જરૂરી હોય તે બધું કરવું. અને ભાજપ હવે એ જ રાજનીતિ આપવાની રહ્યું છે. મહારાષ્ટ્રમાં ડેમોક્રેસીના ડાન્સથી પ્રાંતીય પક્ષ ચિંતામાં મુકાયા છે. તેમાંય ઝારખંડના સીએમ હેમંત સોરેનને તો ભાજપે ખુલ્લી ધમકી આપી દીધી કે તેની સરકાર હવે ધ્વસ્ત થશે. આમ તો ઝારખંડમાં ચૂંટણી આડે હજુ સોળ મહિનાની વાર છે. શિવસેનાની જેમ સૈનિકો શાસ્ત્રો લઈને પલાયન ન થાય એ માટે સોરેન હમણાં ધારાભ્યોને લઈને ટુર પર નીકળી ગયા છે. પણ તેમની સરકાર પડશે એ તો નક્કી જ છે કારણ કે મુખ્યમંત્રીના પદ પર બેસીને તેમણે જે નિર્ણયો લીધા તેનાથી ખુદ તેનું મંત્રી મંડળ પણ હાંસીને પાત્ર બન્યું છે.

ગત ૧૦મી ફેબ્રુઆરીએ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા રઘુવર દાસે પોતાની ટોળકી સાથે સોરેન વિરુદ્ધ રાજ્યપાલ રમેશ બૈસને ધારદાર ફરિયાદ રજૂ કરી દીધી. જેમાં પુરાવા સાથે ભાજપના નેતાઓએ કહ્યું કે, હેમંત સોરેને પોતાના નામે રાંચીના અનગડામાં પથ્થરની ખાણ લીઝ પર લીધી છે. સત્તા પર હોય ત્યારે આવી કોઈ પણ ડીલ તેઓ કરી શકે નહીં. એટલે તાત્કાલિક તેમનું ધારાસભ્ય પદ રદ કરો. સોરેનના સમર્થકો તો બીજે દિવસે શક્તિ પ્રદર્શન કરવા નીકળી પડયા. ખુદ સોરેનને પણ આત્મવિશ્વાસ હતો કે તેને કોઈ હટાવી ન શકે. સત્તા પર બેઠા હો ત્યારે સૌ સલામ કરે, દરેક વિચાર પર પુષ્પ વરસાવે ત્યારે સમજી લેવાનું કે તખ્તાપલટની તૈયારી થઈ ચૂકી છે. સોરેન પણ એ જ માયાજાળમાં ફસાઈ ગયા. પોતે પોતાના પર લાગેલા આરોપોનો ખુલાસો પણ ન કર્યો. અને શાંતિથી શાસન કરતા રહ્યા.

અચાનક ટીવીમાં ન્યૂઝ ફ્લેશ થયા કે ખુદ હેમંત સોરેન ગાયબ છે. આ ન્યૂઝથી સૌથી પહેલા સોરેનની ઊંઘ હરામ થઈ. પોતે કંઈ સમજે ત્યાં તો રાજ્યપાલે તેનું પદ રદ કરવાની ફરિયાદ ચૂંટણી કમિશનરને મોકલી આપી હતી. અને ભલામણ પણ કરી કે તેમની ગઠબંધનની સરકારને નાબૂદ કરો. અંતે સોરેનને સરકાર બચાવવાની સાન આવી પણ ત્યાં તો મોડું થઈ ગયું હતું. અને ભાજપના નેતા રઘુવર દાસે તો પત્રકાર પરિષદ સંબોધીને કહી દીધું કે ત્રેવડ હોય તો સરકાર બચાવી ને દેખાડો. એટલે હવે સોરેનના હવાતિયાં શરુ થઈ ગયા છે. ઝારખંડ વિધાનસભામાં અત્યારે કુલ ૮૧ બેઠક છે. સત્તા સ્થાને બેસવા ૪૨ બેઠકો જોઈએ. જેમાં સોરેનની જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીની સંયુક્ત સરકાર છે. હવે ભાજપ સોરેનના વફાદાર ધારાસભ્યોને નહીં પણ કોંગ્રેસના બળવાખોરોને પોતાની તરફ કરવાના કામે લાગી ગઈ છે.

હાલ જેએમએમના ૩૦ ધારાસભ્યો, કોંગ્રેસના ૧૮, આરજેડીનો એક અને એક અપક્ષ મળીને કુલ પચાસ ધારાસભ્યો હેમંત સોરેન પાસે છે. ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૨૬ છે. આ ઉપરાંત ભાજપને આજસુના બે તથા બીજા ત્રણ ધારાસભ્યોનો ટેકો છે એટલે કુલ ૩૧ ધારાસભ્યો તો તૈયાર જ છે. હવે ૧૧ની ટીમ બનાવવાની છે. ત્યારે સોરેન હવે લાલુના માર્ગે ચાલી રહ્યા છે. એવી પ્રબળ શક્યતા છે કે ટૂંક સમયમાં સોરેનની મુખ્યમંત્રીના પદેથી રાજીનામુ આપી દેશે અને તેમની અર્ધાંગિની કલ્પના સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બની શકે છે. હવે જોવાનું રહેશે કે ભાજપ ઓપરેશન લોટસ કઈ રીતે પાર પાડશે. ભાજપ આમ તો હરહંમેશ ચૂંટણી મોડમાં હોય છે પરંતુ કેન્દ્રની ચૂંટણીના બે વર્ષ પહેલા તથા ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય તે વર્ષે તે પોતાના મોડને અલ્ટ્રા ફાસ્ટ ગતિમાં રૂપાંતરિત કરે છે. ગુજરાત મોડેલનો શો - ઓફ કરીને ભાજપે કેન્દ્રમાં સત્તા લીધી અને પછી કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા પછી ઘણા સાચા - ખોટા કે વિવાદાસ્પદ નિર્ણયો લીધા.

બિહાર અને ઝારખંડ એટલા માટે પણ મહત્વના છે કે તે હિન્દી બેલ્ટની નજીક આવે છે. હિન્દીભાષી પટ્ટામાં વોટબેંક મોટી છે અને તેનું રાજકારણ જટિલ રીતે અટપટું છે. અહીંનો માણસ જુદી રીતે વિચારે છે અને દર વખતે અલગ અલગ મુદ્દા ઉપર વોટ આપે છે. રાજકારણીઓ સામૂહિક સંમોહન કરવા પ્રયાસ કરતા હોય છે પરંતુ બિહાર - ઝારખંડના મતદાતાઓની માનસિકતા ઉપર બહુપરિમાણીય મુદ્દાઓ અસર કરતા હોય છે. ભાજપ દર વખતે નવી સ્ટ્રેટેજી અપનાવે છે. 

City News

Sports

RECENT NEWS